રાજકોટ
News of Thursday, 3rd December 2020

કોરોના રસી અંગે દરેક તાલુકા મથકોમાં બુથો ઉભા કરાશે : તમામ સ્ટાફ આવરી લેવાશે

તમામ ડિપાર્ટમેન્ટને ફરજ પર લેવાશે : બૂથ વેકસીનેટર સહિતના હાજર રહેશે : પ્રથમ તબક્કામાં ડોકટરો - નર્સ - હેલ્થ વર્કરો સહિત કુલ ૧૨ હજારથી વધુને રસી અપાશે

રાજકોટ તા. ૩ : રાજકોટ જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેર - જિલ્લામાં રસીકરણ અંગે તમામ તૈયારીઓ શરૂ કરી છે, દરેક તાલુકા લેવલે ટાસ્ક ફોર્સની રચના કરાઇ છે, અને તે બાબતે મીટીંગો - કાર્યવાહી કરવા પ્રાંતોને આદેશો કરાયા છે.

તેમણે જણાવેલ કે, ચૂંટણી ઉપર જેમ પોલીંગ બૂથ હોય છે, તેમ દરેક તાલુકા - શહેરમાં કોરોના રસી માટે બૂથો ઉભા કરાશે, જ્યાં દરેક બૂથ ઉપર વેકસીનેટર, મોબીલાઇઝર, એનજીઓ, અન્ય સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહેશે.

તેમણે જણાવેલ કે, શહેર-જિલ્લામાં રસીકરણ માટે તમામ સ્ટાફ, તમામ ડિપાર્ટમેન્ટ આવરી લેવાશે, પ્રથમ તબક્કામાં સરકારી - ખાનગી હોસ્પિટલના તમામ ડોકટરો, નર્સ, હેલ્થ વર્કર, કોવિડ-૧૯ હોસ્પિટલ સાથે સંકળાયેલ તમામ સ્ટાફ, એમ્બ્યુલન્સ, શબવાહિની સ્ટાફ, સફાઇ કામદાર સ્ટાફ અને આંગણવાડી બહેનો બધાને આવરી લેવાશે, આ માટે યાદી બનાવાઇ છે, અને અંદાજે ૧૨ હજાર જેટલા લોકોને પ્રથમ તબક્કામાં રસીકરણ કરશે.

(3:46 pm IST)