રાજકોટ
News of Thursday, 3rd December 2020

રૂ. ૨૦૦ની નકલી નોટો છાપી બહુચરાજી મોકલનારા રાજકોટના દિપક અને સાગર ઝડપાયાઃ સુત્રધાર અમરેલીનો મગન શેખ

બેંકના ભરણામાં આવેલી નકલી નોટો અંગે ઉંડાણપુર્વક તપાસ થતાં કોૈભાંડ ખુલ્યું: રાજકોટમાં પણ નોટો વહેતી કર્યાની શંકા : મહેસાણા પોલીસે બે વેપારીને ૧૦૦ જેટલી નકલી નોટો આપનારા બહુચરાજીના બાબુ પટેલને દબોચ્યા બાદ પગેરૂ રાજકોટ સુધી પહોંચ્યું : પ્રિન્ટર-કોમ્પ્યુટર અને સળગાવવા પ્રયાસ કરાયો તે નકલી નોટો પણ કબ્જે

રાજકોટ તા. ૩: બેંકોના ભરણામાં અવાર-નવાર નકલી ચલણી નોટો ધાબડી દેવામાં આવતી હોય છે. મહેસાણાની બેંકોમાં આવેલી ૧૦૦ જેટલી રૂ. ૨૦૦ના દરની નકલી નોટો અંગે મહેસાણા એસઓજીએ ઉંડાણપુર્વક ત્વરીત તપાસ કરતાં નકલી નોટો છાપવાનું કોૈભાંડ બહાર આવ્યું હતું. આ નોટો રાજકોટના બે શખ્સોએ છાપીને બહુચરાજીના શખ્સને મોકલી હોઇ તેના આધારે રાજકોટ રૈયા ચોકડી પાસે શાંતિ નિકેતન પાર્ક પાસે સદ્દગુરૂ કોમ્પલેક્ષ બી વિંગમાં દરોડો પાડી દિપક શાંતિલાલ કારીયાને દબોચ્યો હતો. તેમજ તેની સાથે ભકિતનગર સર્કલ પાસે રહેતો સાગર સુરેશભાઇ ખીલોસીયા પણ સામેલ હોઇ તેને પણ ઉઠાવી લીધો હતો. આ બંનેની પુછતાછમાં સુત્રધાર તરીકે અમરેલીના છાસીયાના મગન શેખનું નામ સામે આવ્યું છે.મહેસાણા એસઓજીએ દિપકના ઘરેથી કોમ્પ્યુટર કલર પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. દિપકે પોતાના ઘરમાં રહેલી બીજી ૧૦૦ જેટલી ૨૦૦ના દરની નકલી નોટો સળગાવી નાંખવાનો પ્રયાસ પણ કર્યો હતો. મહેસાણા હાઇવે પર આવેલા પ્રભુ કોમ્પ્લેક્ષમાં આવેલી એચડીએફસી બેંકના ભરણામાં ૩૦ નવેમ્બરના રોજ નરેન્દ્રભાઇ ચોૈધરીના કરન્ટ એકાઉન્ટમાં રૂ. ૫ લાખ જમા થયા હતાંઉ જેમાંથી રૂ. ૨૦૦ના દરની ૪૯ નોટો મળી હતી. તેમજ એ જ દિવસે કેશવલાલ બેચરદાસ પટેલના ટ્રેડિંગ ખાતામાં ૮૦ હજાર જમા થયા તેમાં પણ ૫૧ નકલી નોટો ૨૦૦ના દરની મળી હતી. આથી બેંકના મેનેજર હેમંત પંડ્યાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એસઓજી પીઆઇ ડી. ડી. મોઢા, રાઇટર કેતનભાઇ સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી. મહેસાણાની પાર્ટીને બહુચરાજીના વેપારી પારસ પ્રોવિઝન સ્ટોરવાળા બાબુલાલ કરસનદાસ પટેલે આ નોટો આપ્યાનું સામે આવતાં એસઓજીએ બાબુલાલને ઉઠાવી લઇ આકરી પુછતાછ કરતાં તેણે રાજકોટના દિપક અને સાગર મારફત આ નોટો આવ્યાનું કહેતાં ટીમ ગત સાંજે રાજકોટ પહોંચી હતી અને દિપક તથા સાગરને દબોચી લીધા હતાં. આ બંનેએ સુત્રધાર તરીકે અમરેલી પંથકના મગન શેખનું નામ આપ્યું છે. આ શખ્સ અગાઉ પણ જાલીનોટમાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. તે ઝડપાયા બાદ વધુ વિગતો ખુલશે. રાજકોટના બંને શખ્સોની વિશેષ પુછતાછ માટે મહેસાણા પોલીસે રિમાન્ડ મેળવવા સહિતની તજવીજ હાથ ધરી છે. આ બંને કેટલા સમયથી નકલી નોટો છાપતા હતાં? કોને કોને આપતા હતાં? રાજકોટ તથા આસપાસના ગામો-શહેરોમાં પણ નોટો ધાબડ્યાની શકયતા અંગે તપાસ શરૂ થઇ છે.
 

(11:31 am IST)