રાજકોટ
News of Tuesday, 3rd December 2019

'જોવો આ જગ્યા હતી'...હવસખોર હરદેવે પોલીસને દૂષ્કર્મનું સ્થળ બતાવ્યું: ચહેરા પર જરાય અફસોસ નથી...લોકોના ટોળેટોળા ઉમટ્યાઃ પોલીસ જિંદાબાદના નારા

રાજકોટઃ આઠ વર્ષની બાળકીને તે બગીચામાં પરિવારજનો સાથે સુતી હતી ત્યાંથી ઉઠાવી જઇ નજીકના નાળા નીચે લઇ જઇ દૂષ્કર્મ આચરી લોહીલુહાણ કરી નાંખનારા ભારતનગરના હરદેવ મશરૂભાઇ માંગરોલીયા (ઉ.વ.૨૨) નામના હવસખોરના બે દિવસના પોલીસ રિમાન્ડ મળ્યા હોઇ પોલીસ સજ્જડ પુરાવા એકઠા કરી રહી છે. ઓળખ પરેડની કાર્યવાહીમાં પણ ભોગ બનેલી બાળાએ તેને ઓળખી બતાવ્યો હતો. એ પછી બપોર બાદ હવસખોર હરદેવને પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઘટના સ્થળે લઇ જઇ પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની જીપમાંથી તે બિન્દાસ્ત ઉતર્યો હતો, ચહેરા પર જરાપણ અફસોસના ભાવ દેખાતા નહોતાં. પોલીસ અધિકારીઓ, કર્મચારીઓની સાથે ચાલતો ચાલતો તે બધાને એ જગ્યાએ લઇ ગયો હતો જ્યાં તેણે ગભરૂ બાળા પર હેૈવાનીયત આચરી હતી. નીચે બેસીને તેણે જગ્યા બતાવી હતી. પોલીસની આ કાર્યવાહી નિહાળવા લોકોના ટોળેટોળા અમુલ સર્કલ પાસે ઉમટી પડ્યા હતાં. કોઇ આ હવસખોરને જોઇ કાયદો હાથમાં ન લઇ લે એ માટે પોલીસે આકરો બંદોબસ્ત રાખ્યો હતો. ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ. એમ. ગઢવી તથા તેમની ટીમ, થોરાળા પી.આઇ. એસ. એન. ગડ્ડુ તથા તેમની ટીમ અને આજીડેમ પી.આઇ. એ. એસ. ચાવડા તથા તેમની ટીમ અને મહિલા પોલીસ મથકના પી.આઇ. એસ.આર. પટેલ અને તેમની ટીમ કાર્યવાહીમાં જોડાયા હતાં. તસ્વીરમાં હવસખોર હરદેવ બાળાને જ્યાંથી ઉઠાવી હતી એ સ્થળ બતાવતો અને એ પછી જે નાલામાં બાળાને લઇ ગયો હતો એ નાલુ બતાવતો તથા એ ગોઝારી રાતની ઘટનાની વિગતો વર્ણવતો જોઇ શકાય છે. અન્ય તસ્વીરોમાં ઘટના સ્થળે લોકોના ટોળા તથા પોલીસની ટીમો જોઇ શકાય છે. લોકોએ કાર્યવાહી વખતે પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતાં. (ફોટોઃ અશોક બગથરીયા)

(4:14 pm IST)