રાજકોટ
News of Tuesday, 3rd December 2019

રાજવીઓના ઉતારાઓ, રાજકોટમાં સૌપ્રથમ સ્ટુડિયો, નાકાઓ, ટ્રામ, રેલ્વેથી લઈ રજવાડાઓ અને બ્રિટીશરો વખતના રાજકોટની સફર કરાવતા સંસ્મરણો

રંગીલા રાજકોટના બ્લેક એન્ડ વ્હાઈટ રજવાડી ઈતિહાસને ભરતભાઈ જોષીએ જીવંત રાખ્યો છે : રાજુ નામના સંઘી પરથી રાજવી વિભાજીએ નામ આપ્યુ રાજકોટ

જેટ ગતિએ આગળ ધપતુ સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ આજે મેગા સીટીની રેસમાં દોડી રહ્યુ છે. વધતા જતા હાઈરાઈઝડ બીલ્ડીંગો અને મોલકલ્ચરે રંગીલા રાજકોટને કંઈક અનોખુ જ બનાવી દીધુ છે પણ આજ રંગીલુ રાજકોટ જયારે બ્લેક એન્ડ વ્હાઈટ હતુ એટલે કે જયારે તેની સ્થાપના થઈ ત્યારે કેવુ હતું ? તેની કલ્પના જ અનોખી છે. રાજા - રજવાડાના વખતમાં રાજકોટની સ્થાપના થઈ ત્યારથી લઈ રાજકોટ શહેરનો કઈ રીતે વિકાસ થયો? તે જાણવા રાજકોટના રાજવી પરીવારના તસ્વીરકાર એટલે કે સ્ટેટ ફોટોગ્રાફર ૮૦ વર્ષના વડીલ શ્રી ભરતભાઈ જોષીની મુલાકાત લેવી જ પડે.  આ જોષી પરીવારનો રાજવીઓ સાથે વર્ષોથી ઘરોબો રહ્યો છે. રાજકોટના ઈતિહાસને અતિતની અટારીએથી ઉતારતા શ્રી ભરતભાઈ જોષીએ જણાવ્યુ હતું કે રાજકોટ શહેરની રાજગાદી સૌ પહેલા સરધાર હતી. રાજકોટના રાજા અહિં આવ્યા અને એક ટીમ્બા પર કોટ બનાવ્યો. જેના પર રાજકોટ શહેરનું નિર્માણ થયુ. સૌ પહેલા રાજકોટની સ્થાપના રાજકોટના રાજવી પરીવારે કોઠી કમ્પાઉન્ડમાં કરી હતી. જયાં પહેલા કોટેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરી તે પહેલા જમીનમાં સોનાનો મોટો ખીલ્લો નાખ્યો હતો. એ વખતે બ્રાહ્મણોએ રાજાને અજર - અમર રાજ રહે તેવા આર્શીવાદ આપ્યા. તે સાંભળી રાજાની સાથે રહેલા તેના લોકોએ એવુ કહ્યુ કે કદી રાજ અજર - અમર ન રહે. તે સાંભળી રાજાએ સોનાનો ખીલ્લો જે જમીનમાં નાખ્યો હતો તે બહાર કાઢતા તેમાંથી લોહી નીકળ્યુ એટલે તે ફરી જમીનમાં નાખી બ્રાહ્મણોની સલાહ માગી. બ્રાહ્મણોએ જણાવ્યુ કે આપને આજીવન અજર - અમર રહેવાના આર્શીવાદ આપેલા તે ફરી આપવા શકય નથી. ત્યારબાદ રાજાએ દરબારગઢમાં કોટેશ્વર મહાદેવ અને માતાજીની ફરી સ્થાપના કરી દરબારગઢ નિર્માણની શરૂઆત કરેલી.

સરધાર પાસે આજી નદીના પશ્ચિમ કાંઠા પર રાજુ નામના એક સંધીનો નેસ હતો. વિક્રમ સંવત ૧૩૧૫ના સમયમાં ત્યાં જગડુશાએ અનાજના દાણાનો કોઠાર રાખ્યો હતો. વિક્રમ સંવત ૧૬૬૭માં રાજુના નામ પરથી વિભાજીએ રાજકોટ ગામ વસાવ્યુ. જે રાજુ અને ત્યારબાદ તેના વંશજોના કબજામાં વિક્રમ ૧૭૦૨ સુધી હતું. એક સમયે રજવાડાના વખતમાં રાજકોટનુ નામ માસુમાબાદ હતુ. કારણ પ્રાંતની લડાઇમાં રાજકોટને પરાસ્ત કરાયુ હતું. જે આગળ જતા ફરી રાજકોટ રહ્યુ હતું.

શ્રી ભરતભાઈ જોષી કહે છે કે રાજકોટ એ સમયે ખૂબ નાનુ હતું. દરબારગઢમાં રાજવીઓ અને રાજકુટુંબો રહેતા હતા. સૌરાષ્ટ્રમાં આઝાદી પહેલા ૨૨૨ રજવાડા હતા. બ્રિટીશરોએ ૧૮૨૦માં રાજકોટમાં પોતાની કોઠી સ્થાપી જે હાલમાં કોઠી કમ્પાઉન્ડ તરીકે ઓળખાય છે.

બ્લેક એન્ડ વ્હાઈટના જમાનામાં રાજકોટ કેવુ હતું? શ્રી ભરતભાઈ જોષી જણાવે છે કે માળીયા દરબાર અને રાજકોટના રાજવી લાખાજીરાજ બાપુ ખાસ મિત્રો હતા ત્યારે રાજકોટમાં સૌ પહેલી ટ્રામ શરૂ થયેલી. બાપુના વખતમાં બેડી ગામથી ટ્રામમાં બેલા ભરાઈને આવતા. ગામડામાંથી હટાણુ કરવા આવતા માણસો તેના ગાડામાં આવતા અને હાલ જયા મોચી બજાર પાસે મચ્છી માર્કેટ છે ત્યા મોટો પિયાવો હતો ત્યા ઉતરી તેના બળદને વિસામો આપતા. હાલ જે ગુમાનસિંહજી બિલ્ડીંગ છે તે લાખાજીરાજ બાપુએ તેમના પરમ મિત્ર ગુમાનસિંહજી (ઠાકોરસાહેબ ઓફ માળીયા)ના નામ પરથી રાખ્યુ છે. જે હટાણુ કરવા આવતા લોકો માટે એક પોઈન્ટ હતો. એ જમાનામાં રાજકોટની વસતી ૧૫૧૦૮ ની હતી અને વાર્ષિક ઉપજ બે લાખની હતી. રાજકોટમાં બેડીગામ સુધી ટ્રામ સેવા ચાલુ હતી. હાલ જૂની ખડપીઠ છે. ત્યાં ટ્રામનું એક સ્ટેશન પણ હતું. ટ્રામ શરૂ થઈ એ અરસામાં ગુજરી બજાર સુધી એક મોટુ તળાવ હતું જે પછીથી બુરાઈ ગયુ હતું. ટ્રામ જૂની ખડપીઠ કે જયા અત્યારે બ્રાહ્મણની વાડી છે ત્યાં સ્ટેશનથી શરૂ કરી ગુજરી બજાર પહોંચતી ત્યાથી કોઠારીયા નાકા પાસે થઈ રામનાથપરા થઈ રામનાથપરા જેલ પાસે પહોંચતી પછી આજી નદીના બેઠા પુલ પરથી પસાર થઈ સામે કાંઠે જતી જયા ટ્રામનો એક સ્ટોપ હતો એ પછી હાલ જયાં ડિલકસ સિનેમા ચોક છે તેની નજીક ટ્રામનું મોટુ મથક સ્ટેશન હતંુ. જયા ટ્રામમાં બે ડબ્બા જોડાતા. એ જ ટ્રામ એ જ રૂટ પર પાછી ફરતી. એ સમયે ટ્રામમાં મુસાફરી કરવાના એક આનો કે બે આના ટીકીટ લેવામાં આવતી. ભરતભાઈ કહે છે મને યાદ છે કે એ સમયે પૂજય ગુરૂદેવ શ્રી રણછોડદાસજી મહારાજે રામયજ્ઞ કરેલો ત્યારે અમે ટ્રામમાં બેસી સામાકાંઠે ગયેલા.

પહેલા રાજકોટ બે ભાગમાં વહેચાયેલુ હતું. જેમાં ત્રિકોણબાગે ખાદીભવન છે ત્યાંથી પૂર્વ બાજુ રજવાડુ એટલે કે સ્ટેટની હદ હતી અને પશ્ચિમ બાજુ બ્રિટીશરોની હદ હતી. રાજકોટમાં સાત પ્રવેશ દ્વાર હતા. જેમાં રામનાથપરા પાસે સરધાર નાકુ, ગામની અંદર બાજુ રૈયા નાકુ આગળ જતા પાણી ગેઈટ અને પછી કોઠારીયા નાકુ આવતુ. આ સાતેય નાકામાં મોટા અણીદાર સોયાવાળા દરવાજા હતા જે નગરની રક્ષા માટે બનાવાયા હતા. દરરોજ રાતના આ દરવાજાઓને બંધ કરવામાં આવતા. આમાનુ રૈયા નાકુ અને બહુચર નાકુ કે જયા ગરૂડની ગરબી થાય છે તે હાલ જોવા મળે છે.

બ્રિટીશરોએ રાજકોટના રાજા પાસેથી બે કટકે ભાડા પર જમીન મેળવી હતી. દરેક સ્ટેટના રાજાઓને રાજકોટ ખાતે કામ સંદર્ભે બ્રિટીશરોના પોલીટીકલ એજન્ટને અવાર નવાર મળવા આવવાનુ થતુ હોવાથી ૧૪ મોટા અને ૧૭ નાના મળી કુલ ૩૧ રાજાએ રાજકોટમાં જમીન ખરીદીને ખાસ ભવ્યાતિભવ્ય ઉતારાઓ પોતાના માટે બનાવડાવ્યા હતા. જેમાં મુખ્યત્વે જૂનાગઢના ત્રણ ઉતારા, જામનગર, ભાવનગર, પોરબંદર, ધ્રાંગધ્રા, મોરબી, ગોંડલ, પાલીતાણા, ધ્રોલ, લીંબડી, વઢવાણ, ધરમપુરના બે ઉતારા, વાંકાનેર, સાયલા, થાણાદેવડી (અમરનગર), ખીરસરા, વીરપુર, મેંગણી હાઉસ, સાંગણવા હાઉસ, લોધીકા, માંગરોળ, પાટડી, મુળી, માળીયા, માણાવદર, લાઠી, સરદારગઢ, ઢાંક, ઢોલરા, બીલખા અને જેતપુરના ઉતારાઓનો સમાવેશ થતો હતો. બ્રિટીશરોનું શાસન સદર વિસ્તારમાં હોવાથી મોટાભાગના ઉતારા સદર વિસ્તારમાં બનાવ્યા હતા. એ ઉતારાઓ પૈકી કેટલાક નામશેષ થઈ ગયા છે તો અમુક ખંઢેર હાલતમાં જૂના જમાનાની સાક્ષી બની ઉભા છે તો કયાંક સરકારી કચેરીઓ તેમાં ધમધમે છે. સૌથી સમૃદ્ધ રજવાડા તરીકે ગણના થતી એ જૂનાગઢના નવાબના રાજકોટમાં ત્રણ ઉતારાઓ પૈકી હાલનું સરદારબાગ (સર્કિટ હાઉસ) આજે પણ રાજાશાહીના વૈભવી ઉતારાની ગવાહી પૂરે છે.

જેમ આજે મુંબઈ ફિલ્મોનું હબ ગણાય છે તેમ ત્યારે એટલે કે ઈ.સ.૧૯૨૫ના અરસામાં રાજકોટમાં પણ સૌરાષ્ટ્રનો એકમાત્ર ફિલ્મ સ્ટુડિયો હતો. ફિલ્મો બનતી હતી અને ફિલ્મીલોગ રહેતા હતા. નરગીસની માતા અને સંજય દત્તની નાની જદ્દનબાઈ ગાવા - બજાવવા રાજકોટ આવતા હતા. અત્યારે દિવાનપરા પોલીસચોકી છે તેની સામે ભાઈચંદભાઈ મહેતા રહેતા હતા. ગોંડલ રોડ પર અત્યારે જયા બાળ અદાલત છે ત્યાં ૧૯૨૫ના અરસામાં ફિલ્મ સ્ટુડિયો હતો. એ વખતે મૂંગી ફિલ્મો બનતી હતી. સૌરાષ્ટ્ર ફિલ્મ લીમીટેડ, સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની અને સૌરાષ્ટ્ર સિનેમેટ્રોગ્રાફ કંપની ઓફ રાજકોટ જેવી કંપનીઓ ફિલ્મ બનાવતી હતી. ૧૯૨૬માં સૌરાષ્ટ્ર લીમીટેડે 'કલાબાજ આશક' નામની ફિલ્મ બનાવી હતી. રાજકોટના ફિલ્મ સ્ટુડિયોમાં લગભગ ૧૦ જેટલી ફિલ્મો બની હતી.

એ ફિલ્મોના શૂટીંગ માટે કલાકારો મુંબઈથી રાજકોટ વિમાનમાં આવતા હતા. રાજકોટમાં એજન્ટના થાણા, ફિલ્મ સ્ટુડિયો અને રજવાડાઓને લીધે હાલ જયા છે તે જ જગ્યાએ એરપોર્ટ બની ગયુ હતુ ત્યારે એર ઈન્ડિયા કે ઈન્ડિયન એરલાઈન્સ જેની વિમાની સેવાઓ નહોતી પરંતુ મુંબઈની એલ.વી.ગોવિંદ એન્ડ સન્સ લીમીટેડ નામની સ્ટીમર કંપનીના ડાકોટા વિમાન આવતા હતા. તેનું નામ 'અંબિકા એરલાઈન્સ' હતુ. જેમાં ૨૮ સીટ રહેતી. વિમાન મુંબઈથી રાજકોટ આવતા અને વાયા મોરબી થઈ મુંબઈ પરત ફરતા. આ સેવા ૧૯૨૪માં શરૂ થઈ હતી. એ જમાનામાં રાજકોટથી મુંબઈ વિમાનનું ભાડુ રૂ.૬૭ હતું જયારે રાજકોટથી મોરબીનું ભાડુ રૂ.૧૦ હતું. પરંતુ લોકોને ભાડુ મોંઘુ ન પડે એટલે મોરબી સ્ટેટ સબસીડી આપતુ હતું. રજવાડાના સમયમા વિમાની સેવા ચાલતી હતી ત્યારે મસાફરોનો ખાસ ખ્યાલ રાખવામા આવતો હતો. ખાસ કરીને જે શહેરમાં વિમાન આવતુ હોય તેના આજુબાજુના શહેરોના ઉતારૂઓનો પણ ખ્યાલ રાખવામાં આવતો હતો. રજવાડાના સમયમાં રાજકોટમાં અંબિકા એરલાઈન્સ ચાલતી હતી ત્યારે રાજકોટ ધોરાજી સુધી ખાસ ટ્રોલી ચાલતી હતી અને વિમાનમાં મુસાફરી કરવા માંગતા લોકોને ધોરાજી, જેતપુર, ગોંડલથી આ ટ્રોલીમાં લાવવામા અને લઇ જવામાં આવતા હતા. દેશ સ્વતંત્ર થયો ત્યાં સુધી આ સુવિધા ચાલુ રહી હતી.

રાજકોટ શહેરથી એરપોર્ટ દુર હોવાથી મુસાફરોને ત્રિકોણબાગથી એરલાઈન્સના વાહનમાં જ એરપોર્ટ લઈ જવામા આવતું હતા અને લાવવામા આવતા હતા. અને ફકત પાચ રૂ. સરવીસ ચાર્જ લેવામાં આવતો હતો.

હાલ જે જગ્યાએ રેસકોર્ષ આવેલુ છે ત્યાં અંગ્રેજો અને રાજવી ઘરાનાના મનોરંજન માટે રાજકોટમાં આઝાદી પહેલા ઘોડારેસ થતી એટલુ જ નહિં ગધેડા રેસ પણ કરાતી! હાલ જયાં યુરોપિયન જીમખાના છે ત્યાં દરેક સ્ટેટના રાજાઓ ભેગા થતા અને ચર્ચાઓ કરતા. એ જમાનામાં રાજકોટ એક ગામ જેવુ હતું. રાજકોટ શહેરની હદ સોની બજાર પાસે આવેલ કોઠારીયા નાકે પુરી થતી પછી રાજકોટ બહારનો વિસ્તાર ગણાતો. હાલ જયા કિશોરસિંહજી હાઈસ્કુલ છે ત્યાં પહેલા સ્મશાન હતું. આગળ જતા હાલના રણજીત વિલાસ પેલેસનું બાંધકામ થયુ. એટલે ત્યાંથી સ્મશાન હટાવી નદી કાંઠે લઈ ગયા. અત્યારે કલેકટર બંગલો છે જે બ્રિટીશરોએ બંધાવેલ તેનું નામ 'ઈસ્ટન  હાઉસ' હતું ત્યા યુરોપિયનો રહેતા હતા. જયુબેલીમાં આવેલ અરવિંદભાઈ મણીયાર હોલ જે પહેલા કોનોટ હોલથી ઓળખાતો અને ૧૯૪૮થી ૧૯૫૬ સુધી તેમાં વિધાનસભા બેસતી ! એ જ રીતે હાલ જયાં જૂની કલેકટર કચેરી આવેલી છે ત્યાં રસુલખાન હોસ્પિટલ આવેલી હતી. એ વખતે રસ્તાઓ કાચા હતા. જેથી દરરોજ સાંજે કાચા રસ્તાઓ પર પાણીનો છંટકાવ કરવામાં આવતો !

રાજકોટમાં પણ ગોંડલની જેમ રાજવીઓએ રસ્તા પર રાતના પ્રકાશ માટે વ્યવસ્થા કરેલી. રાજકોટ શેરીઓમાં મોટા ફાનસ રખાતા. સાંજના ૬:૩૦ આસપાસ એક માણસ ખભે સીડી નાખી આવતો અને ફાનસમાં તેલ - વાટ પૂરી જતો રહેતો. જે લગભગ રાતના ૧૦-૧૧ સુધી ચાલતા. એ પછી લાખાજીરાજ બાપુએ રાજકોટમાં પાવર હાઉસ બનાવડાવ્યુ જયા હાલ પીજીવીસીએલની ઓફીસ (ઢેબર રોડ) પર બેસે છે.

એ વખતે રાજકોટમાં જોવાલાયક જગ્યાઓમાં પ્રહલાદ ટોકીઝ પાસે આવેલ સત્યવિજય સોડા ફેકટરી હતી. લોકો ખાસ રેડીયો સાંભળવા ત્યાં માવજીકાકાની હોટલે જતા. જેમણે પટેલ ધર્મશાળા પણ બંધાવી હતી. એ પછી જાદવજી વાલજી ધર્મશાળા, ચામડાનું કારખાનુ, સુગરવાલા ઓઈલ મીલ, રમણીક આશ્રમ, રાજાઓના વડવાઓની ૧૬ ખાંભીઓ (જે હાલ પણ સામાકાંઠે આવેલી છે) દેશી મધની દવા શાળા જયા મફત દવા અપાતી, બહુચર નાકા બહાર મીઠા પાણીનો જીલ્લો, રજવાડાઓના હાથીઓ જયા રખાતા તે હાથીખાના જીનીંગ એન્ડ પ્રોસેસીંગ મીલ, કાપડ મીલ, વાસણ બનાવવાનું કારખાનુ, રાજકોટનો ગઢ વગેરે હતા.

રાજાઓએ બંધાવેલ ધર્મેન્દ્રસિંહજી કાપડ માર્કેટ અને જૂની શાક માર્કેટ (જે હાલ પણ છે) ત્યાં મોટા વેપારીઓ બેસતા. રજવાડાઓના મનોરંજન માટે વિશ્રામ હોટલ છે તેની પાછળ નાટકશાળા હતી જયાં વિવિધ નાટકો ભજવાતા. આગળ જતા ત્યાં થિયેટર પણ થયેલુ. હાલ જયા જનાના હોસ્પિટલ છે તેની બાજુમાં 'હંટર મેઈલ ટ્રેનીંગ' નામની કોલેજ પણ આવેલી હતી. આગળ જતા રાજકોટમાં જયારે રેલ્વેની શરૂઆત થઈ ત્યારે રાજકોટમાં સાત ફાટક હતા. જેમાં પહેલુ ભૂતખાના પાસે, બીજુ ત્રિકોણ બગીચે, ત્રીજુ જયુબેલી પાસે, ચોથુ મોચી બજાર, પાંચમુ કોર્પોરેશન હાલ છે. ત્યાં રેલ્વે ટાઉન સ્ટેશન આવેલુ હતું જે ગોંડલના ભગવતસિંહજી બાપુએ બનાવેલુ હતું. રાજકોટમાં મોરબી સ્ટેશન (સીટી સ્ટેશન), જંકશન, પરા સ્ટેશન અને ટાઉન સ્ટેશન એમ ચાર સ્ટેશન પણ આવેલા હતા.

હાલ ત્રિકોણબાગ છે ત્યાં હકીકતે ત્રિકોણ આકારનો નાનો બગીચો હતો. જેનું મુળ નામ 'ઓસમાણ પાર્ક' હતું. ત્યાં મોટો અવેડો પણ આવેલ હતો. એ જ રીતે હાલ સિવિલ હોસ્પિટલ છે ત્યાંથી લઈ નવી કલેકટર કચેરી સુધી મોટુ પોલોગ્રાઉન્ડ આવેલુ હતું ત્યાં બ્રીટીશરો અને રાજવીઓ પોલો સાથે ક્રિકેટ પણ રમતા. રાજકોટના રાજવી સ્વ.મનોહરસિંહજી બાપુ પણ ત્યાં ક્રિકેટ રમેલા.

રાજકોટ જયારે નહોતુ તે પહેલા આજી નદીના કાંઠે આવેલ શ્રી રામનાથ મહાદેવનું મંદિર હતું. આ સ્વયંભુ મંદિર પાસે રામકુંડ પાણીથી ભરેલો રહેતો. જયાં રામનાથ ઘાટમાં રાજકોટના મેરામણજી પાણીમાં પછેડી ઘા કરી તેના પર બેસી શ્રી રામનાથ મહાદેવની પૂજા - અર્ચના કરતા. એટલુ પવિત્ર આ જગ્યાનું મહત્વ આજે પણ અકબંધ છે. રાજકોટને પાણી પૂરૂ પાડવા માટે બેહિસાબ કુવાઓ અને અવેડાઓ હતા. જેમાનો એક કુવો ગરેડીયા કુવા રોડ પર હજુ ઉપલબ્ધ છે. રાજકોટમાં પાણીની મોટી ટાંકીઓ હતી. કરણપરામાં ત્રણ કુવા હતા. કેવડાવાડી, ગુંદાવાડીમાં પણ કુવાઓ આવેલા હતા. એ જ રીતે ભુતખાના ચોક, પ્રહલાદ ટોકીઝ સામે, સદરમાં ઠેકઠેકાણે મોટા અવેડાઓ પણ હતા. રાજાઓએ બંધાવેલ ચબુતરાઓ પણ રાજકોટની વિશેષતા હતી. જેમાં મોચી બજારમાં અને દાણાપીઠમાં આવેલ ચાઈના ઘાટ જેવો ચબુતરો આજે પણ એ જમાનાની યાદ અપાવતો ઉભો છે.

જયુબેલીમાં આવેલ લેંગ લાઈબ્રેરી બ્રિટીશરોએ બંધાવેલી. જયારે આજે પણ જયુબેલી બાગમાં ઉભેલી અદ્દભૂત છત્રી ગોંડલના રાજવીએ તેમના રાણીસાહેબ લંડનથી આવ્યા તેના માનમાં બનાવેલી. હાલ રાષ્ટ્રીયશાળાની જગ્યા છે. તે પણ લાખાજીરાજ બાપુએ આપેલી. હાલ જયા કબા ગાંધીનો ડેલો છે તેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો પરિવાર રહેતો હતો. તેમના પિતા કરમચંદ ગાંધી રાજકોટ સ્ટેટમાં દિવાન હતા. એ જમાનામાં રાજયમાં રાજકોટનો ૧૨મો ક્રમ આવતો હતો.

રાજકોટમાં ૧૯૧૩માં ઈસ્ટ એન્ડ વેસ્ટ હિન્દી ઈન્સ્યુરન્સ કંપની સ્થપાઈ હતી. જેની હેડ ઓફીસ મુંબઈમાં હતી. તમને જાણીને નવાઈ લાગશે કે રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં નામ રજવાડાઓના પરીવારના સભ્યોના નામ પરથી જ પાડવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને પ્રહલાદ પ્લોટ, કરણસિંહજી બાપુના નામ પરથી કરણપરા, રઘુવીરસિંહજીના નામ પરથી રઘુવીરપરા, પ્રદ્યુમનનગર, મનોહરસિંહજીના નામ પરથી મનહર પ્લોટ, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ વગેરે રાજકોટમાં સૌપ્રથમ લીફટ ધર્મેન્દ્ર રોડ પર જૂની શાકમાર્કેટ સામે આવેલ મનહર લોજમાં આવેલી!

રાજકુમાર કોલેજની પ્રથમ બેચના રાજવી વિદ્યાર્થીઓ

 તખ્તસિંહજી ઓફ ભાવનગર

 બાવાજી રાજ ઓફ રાજકોટ

 લઘુભા ઓફ રાજકોટ

 સામતખાનજી ઓફ ગીદડ

 અનવરખાનજી ઓફ ગીદડ

 વાઘજી ઠાકોર ઓફ મોરબી

 હરભમજી ઓફ મોરબી

 માનસિંહજી ઓફ પાલીતાણા

 જશવંતસિંહજી લીંમડી

 વખતસિંહજી લીંમડી

 દાજીરાજ ઓફ વઢવાણ

 હરીસિંહજી ઓફ ભાવનગર

 બહાદુરખાન જૂનાગઢ

 હિંમતસિંહજી ધ્રાંગધ્રા

 જુવાનસિંહજી ભાવનગર

 હરિસિંહજી ઓફ શિહોર.

રાજકોટ વિશે અવનવું

 ઇન્ગલેંડ ના મહારાણરાણી વીકટોરીયા ના ૫૦ વર્ષ ની ઉજવણી નીમીતે સૌરાષ્ટ્ર ના રાજવીઓ એ કરેલ ફંડ માંથી જયુબેલી મેમારીયલ માટે ઇ.સ. ૧૮૮૮ માં આ બલ્ડીંગ નો પાયો નખાયો હતા અને તેનું ઉદઘાટન લોર્ડ હેરીઝ ના હસ્તે ઇ.સ.૧૮૯૩ થયું હતું તે બિલ્ડીંગ ના આર્કિટેકટ ઇરોપીયન બેલબુથ હતા. આ બિલ્ડીંગ માં ૩ પાર્ટ છે.

૧. એસ્મબલી (દરબાર હોલ) જયા રાજાઓ તથા ઈરોપીયન ઓફીસર દરબાર ભરતા

૨. એ.જી.જી. સર લેન્ગ ના નામ પર થી લેન્ગ લાઇબ્રેરી વિભાગ બનાવીયો

૩. એ.જી.જી. સર વોટસન સાહેબ ની યાદગીરી માટે વોટસન મ્યુઝીયમ બનાવીયું

 ઈ.સ. ૧૮૮૯ માં તા.ઠાકોર સાહેબ શ્રી ભગવતસિંહજી સાહેબ ઓફ ગોંડલ એ રાજકોટ જયુબેલી બાગમાં બેન્ડસ્ટેન્ડ બનાવેલ અ. સો. ના. મહારાણી સાહેબ ઓફ ગોંડલ ના ઈંગલેન્ડ થી પરધારીયા હતા તેની ખુશાલી માં આ સ્ટેન્ડ બનાવીયું હતું

  ઇ.સ. ૧૮૨૨ માં ના.ઠાકોર સાહેબ સર શ્રી લાખાજીરાજ બાપુ સાહેબ એ રાજકોટ શહેર ના દાણાપીઠ રોડ પર પોતાના સુપુત્ર રાજકુમાર શ્રી ધમેન્દ્રસિંહજી ના નામ પર થી ધમેન્દ્રસિંહજી કાપડ મારકેટ બનાવી હતી જે હાલ માં પણ છે.

 ઈ.સ. ૧૮૨૬ માં ના.ઠાકોર સાહેબ સર શ્રી લાખાજીરાજ બાપુ સાહેબ એ રાજકોટ શહેર ના ધમેન્દ્રસિંહજી રોડ પર શ્રી લાખાજીરાજ શાક મારકેટ બનાવી હતી જે હાલ માં પણ છે.

 ઇ.સ. ૧૯૨૬ માં ના.ઠાકોર સાહેબ સર શ્રી લાખાજીરાજ બાપુ સાહેબ ના સમય માં રાજકોટ શહેર ના દ્યી કાટા રોડ પર ઠોસા ગલી બનાવી હતી જયા અનાજ કરીયાણું મળતું જયા માણસો એકબીજા ને ઠોસા લાગે તેવી નાજુક બજાર બનાવી હતી જે હાલ માં પણ છે

 ઇ.સ. ૧૮૦૦ માં એચ. એચ. ના. નવાબ સાહેબ બહાદુરખાનજી એ રાજકોટ શહેર ના દાણાપીઠ રોડ પર પોતા માટે જુનાગઢ ઉતારો બંધાવેલ હતો જે હાલ માં પણ છે.

 ઈ.સ. ૧૮૦૦ માં એચ. એચ. ના. નવાબ સાહેબ મોહબ્બતખાનજી એ રાજકોટ શહેર ના સદરમાં પોતા માટે જુનાગઢ ઉતારો બંધાવેલ હતો જે હાલ માં ગવરમેન્ટ સરકીટ હાઉસ છે.

 ઈ.સ. ૧૮૮૦ માં રાજકોટ શહેર ના ફરતા દરવાજા નું એક નવું નાકું જે નવા નાકા તરીકે ઓળખાતું હતું જે હાલ માં સોની બજાર આવેલ છે.

 ઈ.સ. ૧૯૨૨ એચ. એચ. ના. ઠાકોર સાહેબ સર શ્રી લાખાજીરાજ બાપુ ના સમય માં રાજકોટ શહેર માં ધી બજાર આવેલ હતી

જયા કંદોઇ બજાર હતી જે હાલ માં પણ છે

 ઈ.સ. ૧૯૨૨ એચ. એચ. ના. ઠાકોર સાહેબ સર શ્રી લાખાજીરાજ બાપુ ના સમય માં રાજકોટ શહેર માં કંસારા બજાર આવેલ હતી જયા વાસણો મળતા હતા જે હાલ માં પણ છે

 ઇ.સ. ૧૮૨૨ એચ. એચ. ના. ઠાકોર સાહેબ સર શ્રી લાખાજીરાજ બાપુ ના નામ પર રાજકોટ શહેર માં લાખાજીરાજરોડ નામ અપાયેલ છે જે હાલ પણ છે

 ઈ.સ. ૧૮૦૦ એચ. એચ. ના. ઠાકોર સાહેબ બાવાજીરાજ બાપુ ના સમય થી રાજકોટ શહેર સોની બજાર જે હાલ પણ છે.

 ઈ.સ. ૧૮૦૦ એચ. એચ. ના. ઠાકોર સાહેબ બાવાજીરાજ બાપુ ના સમય થી રાજકોટ શહેર દાણાપીઠ પરાબજાર જે હાલ પણ છે.

 ઈ.સ. ૧૮૦૦ એચ. એચ. ના. ઠાકોર સાહેબ બાવાજીરાજ બાપુ ના સમય થી રાજકોટ શહેર નું રૈયા નાકા ટાવર અને વિકટોરીયા જયુબેલી ચોક, બજાર આવેલ છે જે હાલમા પણ છે.

 ઈ.સ. ૧૮૯૮ એચ. એચ. ના. ઠાકોર સાહેબ બાવાજીરાજ બાપુ ના સમય થી રાજકોટ શહેર નું રૈયા નાકા ટાવર અને વિકટોરીયા જયુબેલી ચોકટાવર પણ કહેવાય છે જે હાલ મા પણ છે.

 ઇ.સ. ૧૯૩૪ એચ. એચ. ના. ઠાકોર સાહેબ સર શ્રી લાખાજીરાજ બાપુ ની યાદ માં રાજકોટ શહેર માં લાખાજીરાજરોડ ૫ર લાખાજીરાજ લાઇબ્રેરી (ટાઉનહોલ) બનાવી હતી જે હાલ પણ છે.

રજવાડાઓના ૩૧ ઉતારાઓ રાજકોટમાં કયાં આવેલા હતા..?

 મૂબીનો ઉતારો જૂના જાગનાથમાં

 કોઠારીયા નાકે લોધીકાનો ઉતારો (સ્વામીનારાયણ મંદિર સામે)

 ગેસ્ફોર્ડ ટોકીઝ સામે માંગરોળનો ઉતારો

 જૂના જાગનાથમાં લાઠીનો ઉતારો

 કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ પાસે મીલપરામાં ઢોલરાનો ઉતારો

 દાણાપીઠમાં અને સર્કિટ હાઉસ હાલ છે ત્યાં જૂનાગઢનો ઉતારો

 માંગરોળનો ઉતારો ત્રિકોણબાગ પહેલા

 આલ્ફ્રેડ હાઈસ્કુલ પાછળ જસદણનો ઉતારો (જે હાલ છે)

 શાસ્ત્રી મેદાન સામે આવેલ સ્ટેટ બેન્ક છે ત્યાં ભાવનગરનો ઉતારો

 શાસ્ત્રી મેદાન પાસે પાલીતાણાનો ઉતારો

 શ્રોફ રોડ પૂરો થાય ત્યાં મોરબીનો ઉતારો

 શારદાબાગ સામે (હાલ ખંઢેર હાલતમાં છે તે) ગોંડલનો ઉતારો

 જીલ્લા પંચાયત ચોકમાં આવેલ આઈસ ફેકટરી છે તે ધ્રાંગધ્રાનો ઉતારો

 ધરમ ટોકીઝ પાછળ ધ્રોલનો ઉતારો

 કુંડલીયા કોલેજ આરકેસી પાછળ જામનગરનો ઉતારો

 પ્રમુખસ્વામી આર્કેડ માલવીયા ચોક ખાતે મંગણી હાઉસ હતું.

 બિલખા પ્લામીની જગ્યાએ બિલખા સ્ટેટનો ઉતારો હતો.

વિક્રમ સંવત ૨૦૦૧માં રાજકોટમાં શું હતું?

(૧) રેડીયો સોસાયટી કાઠીયાવાડ - દવે વ્યાસ એન્ડ કંુ., કાઠીયાવાડ મ્યુઝીકલ, મેસર્સ યુનિવર્સલ રેડીયો, મોડર્ન રેડીયો વગેરે.

(૨) ઓપ્ટીકલ :- ડાયમંડ ઓપ્ટીકલ માર્ટ, શાહ ઓપ્ટીકલ માર્ટ, ન્યુ યુનિવર્સલ, એચ.બી. ખાન, મોર્ડન, શેઠ રતિલાલ ધારશી એન્ડ કાં.ુ

(૩) કરીયાણા :- કરીયાણા જયંતિલાલ ચીમનલાલ, ભગવાનલાલ જટાશંકર, શેઠ રસીકલાલ, હરીભાઇ કાનજી, દ્વારકાદાસ ગોકળદાસ.

(૪) હોટલ :- સત્ય વિજય હિન્દુ હોટલ, નીતિ વિજય હિન્દુ હોટલ, બિસ્મીલ્લા હોટલ, એન્ડ રેસ્ટોરન્ટ, જય ભગવાન હિન્દુ હોટલ, વિનોદ હિન્દુ હોટલ, ધર્મ વિજય હિન્દુ હોટલ, મહાકાળી હિન્દુ હોટલ, ધી ન્યુ ધર્મવીર હિન્દુ હોટલ, આશાપુરા હિન્દુ હોટલ, રામ ભરોસે, હિન્દુ હોટલ, શુભાન અલ્લાહ હોટલ, કોસ્મો પોલીટીકસ ન્યુ જયુબેલી હોટલ.

(૫) વોચ કાંુ. :- અમેરીકન વોચ કું., હીરજી રામજી એન્ડ સન્સ, કામેશ્વર ચત્રભુજ, સોલાર વોચ કું., જગદીશ એન્ડ સન્સ, હરીભાઈ ટી. વ્યાસ, સકરાની વોચ કંુ., પ્રભાત વોચ કું., રાજકોટ વોચ કું., ઈબ્રાહીમ ઈસ્માઈલ, ક્રિષ્નપાલ પિતાબર ત્રિવેદી વગેરે.

(૬) સાયકલ એન્ડ ઈલેકટ્રીક :- મેસર્સ એ.મહેતા કંુ., ધી લક્કી ઈલેકટ્રીક, નેશનલ ઈલેકટ્રીક, મેસર્સ કલ્યાણજી માધવજી, પ્રતાપ ટ્રેકીંગ, રાજેન્દ્ર બ્રધર્સ, કાઠીયાવાડ મ્યુઝીક સ્ટોર્સ.

(૭) કંદોઈ :- નારણજી પિતાંબર, પરસોતમ વાલજી, રાજારામ ત્રિભોવન, રાધા - માધા, રામજી હરીભાઈ, રૂગનાથ નેમચંદ, કપુરચંદ પિતાંબર, ત્રિકમજી જેઠાભાઈ, વ્રજલાલ જેઠાભાઈ, લક્ષ્મીચંદ દવે, સ્વીટ માર્ટ, હલવાઈ પ્રેમચંદ પરસોતમ, ચત્રભુજ ગોરધન,  ગોરધન ડાયાભાઈ, ધનજી રાઘવજી, શકિત સ્વીટ માર્ટ.

(૮) કંસારા :- પરસોતમ મકનજી, તુલસીદાસ ચતુરદાસ, છગનલાલ કુંવરજી, ખેતસી જગજીવન, કાઠીયાવાડ વાસણ ભંડાર.

(૯) રાજકોટ ફોટો ડિલર એસોસીએશન :- પ્રમુખ રા.રા. શ્રી પી.એમ. જોષી, સેક્રેટરી ભાનુભાઈ જી. જોષી, જોષી સ્ટુડિયો, સોલંકી સ્ટુડિયો, ન્યુ સોલંકી કેપીટલ, રમેશ, વોર્સ એન્ડ ટ્રેડીંગ કંપની સ્ટુડિયો.

(૧૦) મોટર ટ્રેડીંગ કંપની :- માલવીયા બ્રધર્સ, વોરા બ્રધર્સ, કાઠીયાવાડ લી., મહેન્દ્ર એન્ડ કાંુ., ધી પોરબંદર ટ્રેડીંગ કું., મહેતા બ્રધર્સ, અબ્દુલ રહેમાન બ્રધર્સ, વેસ્ટર્ન મોટર વી., રોયલ મોટર લી. (૧૯૩૫) (હાલ રોયલ મોટર માર્ટ, યાજ્ઞિક રોડ), પ્રભાત મોટર સ્ટોર્સ (જામનગર), બોમ્બે મોટર, રોયલ મોટર કાર કંપની (જેતપુર) મનજી નથુભાઈ એન્ડ કંુ.

(૧૧) ડોકટર્સ :- કે.એન. બામ, એચ.એમ. છાયા, એચ.પી. છાયા, આર.ડી. દવે, ડી.એન. ધોળકીયા, ડી.એન.દોશી, સી.જે. ગોહીલ, મીસ ટી.બી. જાદવ, ટી.એન. જોબનપુત્રા, એસ.એલ. જોબનપુત્રા, પી.બી. કટરેચા, સી.ટી.કામદાર, એમ.ટી.કામદાર, જાનકીબાઈ પી., અબ્દુલ લાજી, કે.એમ. મંકોડી, એ.પી. મહેતા, કે.એન.મહેતા, જી.આઈ.ઓમી, કે.જી.સંઘવી, શ્રી રાવ, બલ્લુભાઈ સી.શાહ, એમ.એલ. શાહ, આર.એલ. શાહ, ટી.એમ. શાહ, ડી.કે.શેખ, એસ.પી.શુકલ, એ.બી. ઉદાણી, રાવબહાદુર ટી.એન. વકીલ, ડી.વી. વિભાકર, જે.વી. વોરા, એન. એમ. મોહી, ડી.પી. ધુપલીયા, શ્રીમતી થોમસ, કે.એમ. માંકડ, એમ.જી. વસાવડા, કે.ટી.શાહ, બી.આર. વરીયાવાળા, શ્રી રાવ, જે.કે. શાહ, સી.જે. શાહ, એમ.વી.બધેકા, એન.ડી.મહેતા, શ્રી રાવ, ટી.એસ. ત્રિવેદી, આર. સી. માંકડ, એન.આર. શુકલ, જે.જે.શુકલ, આઈ.કે. મારૂ.

(૧૨) સિનેમા :- ગેસ્ફોર્ડ, પ્રહલાદ, હરીશ્ચંદ્ર, ક્રિષ્ના ટોકીઝ.

એક સમયે જુની કાપડમિલ રાજકોટના અર્થતંત્રનું હૃદય ગણાતી..!

પારસી બાવાની કંપની એ તે સમયની મેગા હિટ ફિલ્મ મોગલે આઝમનાં નિર્માણ માટે ફાઇનાન્સ કર્યું હતું.

રાજકોટનાં રાજવી લાખાજીરાજ બાપુનાં વખતમાં ૧૯૧૧માં આ કાપડમિલની સ્થાપના થઇ હતી. બાદમાં તેનું લિમિટેડમાં રૂપાંતર કરવામાં આવ્યું હતું. પછીથી આ કાપડમિલ સ્ટેટ હસ્તક આવી હતી. તેનું સ્પીનીંગ ખાતુ પણ ખોલવામાં આવ્યું હતું. કાળક્રમે આ કાપડમિલનો વિકાસ થયો હતો. રાજકોટ સ્ટેટને આ કાપડમિલ થકી સારી આવક થતી હતી અને લોકોને પણ આ કાપડમિલ રોજગાર આપતો ઉધોગ સાબિત થઇ હતી. એક સમયે આ કાપડમિલમાં ૪ હજારથી પણ વધારે કામદારો કામ કરતા હતા. એમ કહી શકાય કે, ૪ હજાર પરિવારોનાં ર૦ હજાર જેટલા સભ્યો આ કાપડમિલ ઉપર નભતા હતા. એ સમયે આ કાપડમિલમાં કોરા ધોએલા લોંગ-કલોથ, દોસુતી, શટીંગ, સાડી, ધોતી વિગેરેનું ઉત્પાદન થતું હતું. અત્યારે જેમ ઓઇલ એન્જિન ઉધોગ અને ઓટો પાર્ટ ઉધોગ રાજકોટનાં અર્થતંત્રનો ધબકાર મનાય છે, તેમ રાજાશાહી યુગમાં આ કાપડમિલ રાજકોટના અર્થતંત્રનું હૃદય ગણાતી હતી.

આ કાપડમિલ પોતાના કામદારોને સારી સગવડતા પુરી પાડતી હતી. કામદારોને વિનામુલ્યે દવા આપતું દવાખાનું કાપડમિલના કમ્પાઉન્ડમાં જ હતું. ડો.અરદેશજી મહેતાએ સમયે આ દવાખાનામાં તબીબ તરીકે સેવા આપતા હતા. કાપડમિલ નામે રાજકોટ સ્પીનિંગ એન્ડ વીવીંગ મીલ્સ લિમીટઙ્ખડનું સંચાલન બાદમાં મેસર્સ શાપુરજી પાલનજી એન્ડ એન્ડ કંપનીએ સંભાળ્યું હતું. પારસી બાવાની આ એ કંપની છે, જેણે એ સમયની મેગા હિટ ફિલ્મ મોગલે આઝમનાં નિર્માણ માટે ફાઇનાન્સ કર્યું હતું. સમય જતા આ કાપડમિલની માલિકી અને સંચાલન કેન્દ્ર સરકારનાં ટેક્ષટાઇલ કોર્પોરેશન દ્વારા સંભાળવામાં આવ્યું હતું. પરંતુ આ કાપડમિલના જે તે વખતનાં સંચાલકોની અણ આવડતનાં કારણે કાપડમિલની પડતી શરૂ થઇ.

રાજાશાહી યુગમાં ફુલી-ફાલી લોકો માટે રોજગારીનું સાધન બનેલી આ કાપડમિલ પ્રજાતત્રનાં નવાબોએ એવી તે રોળી ટોળી નાખી કે, આ કાપડમિલ સતત ખોટ કરવા લાગી. સ્વૈચ્છિક નિવૃતિ યોજનાનાં માધ્યમથી કામદારોને છુટા કરવામાં આવ્યા. ૧૯૨રનાં વર્ષ આસપાસ આ કાપડમિલ બંધ થઇ ગઇ. આ કાપડમિલ બંધ થઇ ત્યારે તેમાં ૩૦૦ જેટલા કામદારો કામ કરતાં હતાં.

કાપડમિલ બંધ થતા કામદારોના રોજગારી ઝૂંટવાતા તેમનાં પરિવારના સભ્યો ગુજારો મુશ્કેલ થઇ ગયો હતો, કામદારો માટે અત્યંત વિકટ સ્થિતિ ઉભી થઇ જતાં કેટલાક કામદારોએ તો આપદ્યાત કરી લીધા હતા, તો કેટલાક વ્યસનનાં રવાડે ચડી જઈ બરબાદ થઇ ગયા હત્ત્।ા. બીજી બાજુ કાપડમિલ બંધ થઇ ગયાં બાદ તેની મશીનરી વેંચી નાખવામાં આવી હતી.

:: સંકલન - આલેખન ::

 પ્રશાંત બક્ષી

(4:07 pm IST)