રાજકોટ
News of Tuesday, 3rd December 2019

લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ''ગાંધી પદયાત્રા''

સૌરાષ્ટ્ર એજયુકેશન ફાઉન્ડેશન તેમજ મહાનગર પાલિકા સ્થાપિત અને સૌરાષ્ટ્ર એજયુકેશન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ઓ. વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ''ગાંધી પદયાત્રા'' યોજવામાં આવેલ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિ સમગ્ર રાષ્ટ્રમાં વિવિધ રીતે ઉજવાઇ રહી છે ત્યારે સત્ય અને અહિંસાના પુજારી એવા મહાત્મા ગાંધીને એક અલગ જ રીતે શ્રધ્ધાંજલી આપવાના હેતુથી મહેસાણાથી વિશ્વગ્રામ સંસ્થાના કાર્યકરો દ્વારા પોરબંદરથી દાંડી સુધીની પદયાત્રા શરૂ કરવામાં આવી છે જે રાજકોટ આવી પહોંચતા આ પદયાત્રાના સર્વે પદયાત્રીઓને સાથે રાખીને ગાંધીજીની સ્મૃતિઓ સાથે સંકળાયેલા રાજકોટના વિવિધ સ્થળોને આવરી લેતી એક વિશેષ પદયાત્રાનું ઓ.વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજન કરાયેલ જેમાં શહેરની મોદી સ્કુલ, કડવબાઇ સ્કુલ, પંચશીલ સ્કુલ, જી. ટી. શેઠ વિદ્યાલય અને કોટેચા સ્કુલ સહિતની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતેથી પ્રારંભ થયેલી આ પદયાત્રાની શરૂઆતમાં કેન્દ્રના નિયામક ડો. રમેશભાઇ જે. ભાયાણી અને વિશ્વગ્રામ સંસ્થાના પ્રતિનિધી કેતનભાઇ એ ગાંધીજીના જીવન અને તેમના સિધ્ધાંતો હાલના યુગમાં પણ એટલા જ પ્રસ્તુત અને સંપૂર્ણ વૈજ્ઞાનિક હોવાનું જણાવ્યું હતું. ગાંધીજીએ જે શાળામાં અભ્યાસ કર્યો છે તે આલ્ફેડ હાઇસ્કુલ જયાં હાલ મહાત્મા ગાંધી મ્યુઝિયમ નિર્માણ પામ્યું છે ત્યાં આ પદયાત્રા પહોંચીને ગાંધીજીના વિચારોનો પૂનરૂચ્ચાર કરી ગાંધીજીના રાજકોટ ખાતેના નિવાસ સ્થાન કબા ગાંધીના ડેલે પહોંચી હતી. ત્યાં પૂજય ગાંધીજીના જીવન વિશે ડો. શકુંતલાબેન નેને એ પરિચય આપ્યો હતો. કડવીબાઇ સ્કુલની વિદ્યાર્થીનીઓએ અત્રે ગાંધીજીને પ્રિય ભજન પ્રસ્તુત કર્યું હતું. ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ એવા પૂજય શ્રીમદ્દ રાજચંદ્રજીની રામનાથપરા ખાતેની સમાધિ સ્થળે આ પદયાત્રાનું જગદિશભાઇ ભીમાણી સહિત કાર્યકર મિત્રોએ અભિવાદન કર્યું અને તમામ પદયાત્રીઓને વરીયાળી સરબત અને પ્રસાદ આપેલ તથા શ્રીમદ્દ રાજચંદ્રજીના પુસ્તકો પણ યાદી સ્વરૂપે આપેલ. અંતે રાષ્ટ્રીય શાળાના પ્રાર્થના હોલમાં આ પદયાત્રા સમાપ્ત થઇ અને પ્રાર્થના કરી સૌને પૌષ્ટિક અલ્પાહાર ડો. કિરણભાઇ અવાસીયા તરફથી આપવામાં આવેલ.

(3:52 pm IST)