રાજકોટ
News of Tuesday, 3rd December 2019

રાજેન્દ્રપ્રસાદઃ ૧૩૫મી જન્મજયંતિ

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદનો જન્મ ૩ ડિસેમ્બર ૧૮૮૪માં બિહારના સિવાન જિલ્લામાં છપરા નજીક આવેલ ઝેરડૈ ગામમાં થયેલ. તેમના પિતા મહાદેવ સહાય પર્શિયન અને સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા. પાંચ વર્ષની ઉંમરે બાળ રાજેન્દ્ર પ્રસાદને એક મૌલવી પાસે પર્શિયન ભાષા શીખવા માટે મોકલાતા. ત્યાર બાદ તેઓને છપરા જિલ્લા શાળામાં પ્રાથમિક શિક્ષણ માટે દાખલ કરાયા.

વકીલાત શરૂ કર્યાના થોડા જ વખતમાં રાજેન્દ્ર પ્રસાદ આઝાદીની ચળવળમાં જોડાયા. મહાત્મા ગાંધીના આદેશથી તેઓએ ચંપારણ સત્યાગ્રહમાં સ્વયંસેવક તરીકે જોડાયા. મહાત્મા ગાંધી પ્રત્યે પૂરી વફાદારી, સમર્પણ અને ઉત્સાહ ધરાવી તેઓએ ૧૯૨૧માં યુનિવર્સિટીના સભ્યપદેથી રાજીનામુ આપ્યુ. તેઓએ 'સર્ચલાઈટ' અને 'દેશ' નામક પત્રોમાં લેખો પણ લખ્યા અને આ પત્રોને માટે ફાળો પણ કર્યો. તેઓ રજૂઆતો, ચર્ચા અને પ્રવચનો માટે ખૂબ પ્રવાસો કરતા. ૧૯૧૪માં બિહાર અને બંગાળમાં થયેલ પૂર હોનારતના અસરગ્રસ્તોને મદદ, રાહત કાર્યોમાં તેઓએ ખૂબ જ સક્રિય ભાગ ભજવેલ.

ભારત સ્વતંત્ર થયા પછી તેઓએ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. બાર વર્ષ પછી ૧૯૬૨માં તેઓએ પોતાના હોદ્દા પરથી નિવૃતિની ઘોષણા કરી. તેઓને ભારતના સર્વોચ્ચ નાગરીક સન્માન ભારત રત્નથી વિભૂષિત કરવામાં આવેલ.

૨૮ ફેબ્રુઆરી ૧૯૬૩એ તેમનું અવસાન થયુ.

ડો. રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેઓ સ્વાતંત્ર સેનાની હતા અને કોંગ્રેસ પક્ષના નેતા. તેઓએ ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં આગળ પડતો ભાગ લીધેલ. તેઓએ બંધારણ સભાના પ્રમુખ તરીકે ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કરેલ. તેઓએ સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારમાં કેબીનેટ પ્રધાન તરીકે સેવા આપેલી.

પુરૂ નામ : રાજેન્દ્ર પ્રસાદ, જન્મ : ૩ ડિસેમ્બર ૧૮૮૪ ઝેરડૈ - બિહાર (ભારત), રાષ્ટ્રીયતા : ભારતીય, કાર્યક્ષેત્ર : ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦થી ૨૩ મે ૧૯૬૨, પુરસ્કાર : ભારતરત્ન, ઉપનામ : બાબુજી, મૃત્યુ : ૨૮ ફેબ્રુઆરી ૧૯૬૩.

(3:43 pm IST)