રાજકોટ
News of Tuesday, 3rd December 2019

રાજકોટ જીલ્લામાં લાખો ચો.મી. જમીનનું રીસર્વે કામ આઠ મહિનાથી ઠપ્પઃ ૧૧ હજાર વાંધા આવ્યાઃ ૯૦ ટકા સુનાવણી

ખેડુતોની જમીનનું માપણીનું કામ અટકી જતા દેકારોઃ કલેકટર-સરકાર સુધી રજુઆતો... :અધીકારીઓ કહે છે હવે સરકાર કહે પછી માપણીઃ માત્ર પડધરી-લોધીકા-કોટડા તાલુકામાં જ માપણી થઇ

રાજકોટ તા. ૩: રાજકોટ જીલ્લામાં ૩ તાલુકાને બાદ કરતા અન્ય ૮ તાલુકામાં લાખો ચો.મી. જમીનનું ફેર-માપણી-રી સર્વેની કામગીરી છેલ્લા ૮ મહિનાથી ઠપ્પ હોય ભારે દેકારો બોલી ગયો છે, ખાસ કરીને મોટા ભાગના ખેડુતોની જમીનનું રીયલ માપણી-રી સર્વે અટકી જતા પ્રચંડ રોષ, અને આ બાબતે કલેકટર-સરકાર સુધી રજૂઆતો થઇ છે, આજે કલેકટર સમક્ષ પણ એક અધીકારીએ તમામ વિગતો આપી હતી.

રાજકોટ જીલ્લામાં પડધરી-લોધીકા-કોટડા સાંગાણી તાલુકામાં એમ ત્રણ તાલુકામાં જ રી-સર્વે પુરો કરાયો અને તેમાં ૧૧ હજારથી વધુ વાંધાઓ-દાવાઓ આવતા સરકાર ચોંકી ઉઠી હતી, આવું જ જામનગર-અરવલ્લી પંથકમાં હોય, હજારોની સંખ્યામાં વાંધાઓ હોય સરકારે કામ થંભાવી દીધું હતું.

આ કામ છેલ્લા ૮ મહિનાથી ઠપ્પ છે, કયારે શરૂ થશે, તે અંગે જવાબદાર અધીકારીઓ એવું કહે છે, સરકાર સુચના આપે પછી.

રાજકોટ જીલ્લામાં જે ત્રણ તાલુકામાં માપણી થઇ તેમાં ૧૧ હજાર જેટલા વાંધાઓ આવ્યા તેમાંથી ૯૦ ટકા કામગીરી પૂર્ણ કરી લેવાઇ છે, જો કે ડે. કલેકટરો પાસે સમયનો અભાવ, અપૂરતો સ્ટાફ આ મંથર ગતિ માટે જવાબદાર ગણાવાઇ રહ્યું છે.

(3:41 pm IST)