રાજકોટ
News of Tuesday, 3rd December 2019

આચાર્ય લોકેશ મુનીની ગુરૂવારથી બે'દિ રાજકોટમાં પધરામણીઃ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

અહિંસા વિશ્વ ભારતીના સંસ્થાપક અને પ્રખર ચિંતક

રાજકોટઃ ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય સાંપ્રદાયિક સદ્ભાવ પુરસ્કારથી સન્માનિત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પ્રખ્યાત જૈનાચાર્ય ડો.લોકેશજી આગામી પાંચ ડિસેમ્બરે સવારે ૭ વાગ્યે રાજકોટ આવી પહોચશે અને અહી તેમનું ગ્લોબલ લાઈફ, પીસ ઓફ માઈન્ડ સહિતની સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. આચાર્ય લોકેશ બે દિવસ રાજકોટમાં રોકાઈને વિવિધ કાર્યક્રમોમાં અતિથી વિશેષ તરીકે ઉપિસ્થત રહેશે.

ઉલ્લેખનીય છે કે પ્રખર ચિંતક, લેખક અને કવિ આચાર્ય ડો.લોકેશજીની આ વર્ષે અમેરિકામાં આયોજિત શાંતિ સદ્ભાવના યાત્રા દરમિયાન સંયુકત રાષ્ટ્રસંઘ ચર્ચ અને કેલિફોનિર્યાની એસેમ્બલીમાં તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત લોસ એન્જલસમાં આયોજિત જૈના કનવેન્શનમાં તેમને પ્રેસિડેન્શીયલ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ અને જૈન ધર્મનું ગૌરવ વધારીને આચાર્ય લોકેશ પહેલી વખત રાજકોટ આવી રહ્યા છે.

અહિંસા વિશ્વ ભારતીના સંસ્થાપક અને પ્રખર ચિંતક આચાર્ય ડો.લોકેશજી પાંચ ડિસેમ્બરે સવારે ૧૧ વાગ્યે પ્રોજેકટ લાઈફમાં પત્રકાર પરિષદને સંબોધિત કરશે તથા સાંજે ૪ વાગ્યે ખોડીયારનગર સ્થિત  કિશોરભાઈ કેશવભાઈ કોટિચા પ્રાઈમરી સ્કૂલની મુલાકાત લેશે. આ ઉપરાંત સ્માર્ટ કલાસરૂમનું ઉદ્ઘાટન કરી ભારતને ડિઝિટલ રીતે સશકત સમાજમાં બદલવાના દ્રષ્ટિકોણથી પ્રેરકબળ પૂરૃં પાડશે.

સાંજે પાંચ વાગ્યે આચાર્ય લોકેશ પોતાના કરકમળોથી ગ્રામીણ ક્ષેત્રોમાં બાલિકા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શિષ્યવૃત્તિનું વિતરણ કરશે તેમજ પુત્ર-પુત્રી જન્મદરના વધી રહેલા રેશિયાને અટકાવવા માટે વિશેષ ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સાથે આચાર્ય લોકેશનો વિશિષ્ટ અને ઐતિહાસિક સંબંધ રહેલો છે. તેમણે રાજકોટના ટંકારાથી જ ભૃણહત્યા વિરૂધ્ધ વર્ષ ૨૦૦૫માં સર્વધર્મ જનચેતના જન જાગરણ યાત્રા શરૂ કરી હતી જે પાંચ રાજયોમાંથી પસાર થઈને પંજાબના અમૃતસર સ્થિત સુવર્ણ મંદિરે સંપન્ન થઈ હતી.

આચાર્ય ડો.લોકેશજી ૬ ડિસેમ્બરે સવારે ૧૦ વાગ્યે રકતદાન શિબિરનું ઉદ્ઘાટન કરશે. તેમજ ૧૧ વાગ્યે થેલેસેમિયા કેમ્પનું પણ ઉદ્ઘાટન કરશે. આ પછી સાંજે પાંચ વાગ્યે આયોજિત પ્રવચન સભાને સંબોધિત કરશે. આચાર્ય લોકેશજીના રાજકોટ આગમનથી લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહી છે. તેઓ ૭ ડિસમ્બરે સવારે રાજકોટ એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાના થશે. આ યાત્રામાં આચાર્ય લોકેશજી સાથે તેમના દ્વારા સ્થાપિત અહિંસા યોગ અને મેડિટેશન સેન્ટર-દિલ્ફીના યોગાચાર્ય કુંદનજી પણ ઉપિસ્થત રહેશે.

(3:51 pm IST)