રાજકોટ
News of Tuesday, 3rd December 2019

રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની ૧.ર૦ લાખ મગફળીની ગુણીની તોતીંગ આવક

રાજકોટ, તા., ૩: રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મગફળી વિભાગના મજુરો મજુરીના દરમાં ભાવવધારાની માંગણી સાથે હડતાલ પર ઉતરી ગયા હતા. જો કે બાદમાં યાર્ડના પદાધિકારીઓએ મજુર આગેવાનો અને વેપારીઓ સાથે મીટીંગ યોજી ભાવવધારાની માંગણી સ્‍વીકારી લેતા મામલો થાળે પડી ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ યાર્ડમાં આજે મગફળીની આવકો શરૂ કરાતા મગફળીની ૧.ર૦ લાખ ગુણીની આવકો થઇ હતી.એ દરમિયાન આજે સવારે મજુરોએ  મજુરીના દરમાં ભાવવધારાની માંગણી સાથે હડતાલ પર ઉતરી જતા થોડો સમય મગફળીની હરરાજી અટકી ગઇ હતી. આ અંગે જાણ થતા રાજકોટ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયા તથા વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજાએ તુર્ત જ મજુર આગેવાનો અને વેપારીઓ સાથે મીટીંગ યોજી હતી.

આ મીટીંગમાં મજુરોએ હાલમાં મજુરીનો દર પ રૂપીયા છે તે વધારીને ૬ રૂપીયાની માંગણી કરી હતી. જો કે યાર્ડના પદાધિકારીઓ અને વેપારી આગેવાનો મધ્‍યસ્‍થી બની ૧ રૂપીયાના બદલે પ૦ પૈસાનો ભાવવધારો સ્‍વીકાર્ય રાખતા અંતે મજુરોએ આ માંગણી ગ્રાહ્ય રાખી હતી અને તુર્ત જ કામ પર ચડી ગયા હતા.

યાર્ડમાં મગફળી અને કપાસની પુષ્‍કળ આવકને પગલે આવકો બંધ કરવી પડે છે યાર્ડમાં અપુરતા શેડને કારણે પડતર માલની હરરાજી બાદ જ નવા માલની આવકો શરૂ કરાય છે આજે મગફળીની આવકો શરૂ કરાતા જ મજુરોએ વિજળીક હડતાલ પાડી દેતા થોડો સમય અફડાતફડી મચી ગઇ હતી.

 

(12:21 pm IST)