રાજકોટ
News of Tuesday, 3rd December 2019

રાજકોટ શહેરના ટ્રાફિક નિયમન માટે શ્રેષ્ઠ વ્યવસ્થા કરાશે : પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ

રાજકોટ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન અંગે ઓપન હાઉસ યોજાઈ

રાજકોટ, તા. 02  - રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્રારા શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રીતે જળવાઈ રહે અને નાગરીકોની સલામતી તેમજ સુગમતા માટે વાર્તાલાપ અને સુચનો અંગેનો સેમિનાર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

 

આ તકે પોલીસ કમિશ્નર શ્રી એ જણાવ્યું હતું  કે, રાજકોટ શહેરના ટ્રાફિક નિયમન માટે શ્રેષ્ઠ વ્યવસ્થા કરાશે. 18 લાખની વસ્તી ધરાવતા શહેરમાં 20 લાખ વાહનો હોય ટ્રાફિકની સમસ્યા રહે છે. અમે ટ્રાફિક નિયમન માટેના તમામ શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. શહેરીજનોના મંતવ્યો પણ આ ઓપન હાઉસના માધ્યમથી મેળવીને પ્રજા અને પોલીસનો લોક ભાગીદારીથી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવીશું. નજીકના ભવિષ્યમાં શહેરના ગીચ એવા ધર્મેન્દ્ર રોડ સહિતના વિસ્તારોમાં દ્વીચક્રીય સિવાયના વાહનોનો પ્રવેશબંધ કરવામાં આવશે. જો કે તેમાં દિવ્યાંગો અને સિનિયર સિટીઝનો માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવશે. શહેરમાં અકસ્માતના બનાવો અટકાવા માટે હેલ્મેટએ આપણને રક્ષા, સુરક્ષા અને સલામતી બક્ષે છે.

આ કાર્યક્રમમાં નાયબ પોલીસ કમિશ્નર શ્રી મનોહરસિંહ જાડેજાએ પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશનના માધ્યમથી શહેરની ટ્રાફિક સમસ્યા અંગેની માહિતી પૂરી પાડી હતી. ઉપસ્થિત શહેરીજનોએ શહેરના ટ્રાફિક સમસ્યા અંગેના વિવિધ ઉપાયો સુચવ્યા હતા.

આ કાર્યક્રમમાં સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ એહમદ અને મદદનીશ પોલીસ કમિશ્નર ( ટ્રાફિક) બી. એ. ચાવડા,  જયેશભાઈ ઉપાધ્યાય સહિત વિવિઘ સંસ્થાઓના આગેવાનો તથા પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:09 pm IST)