રાજકોટ
News of Wednesday, 3rd November 2021

તણાયેલા રાજકોટના પિતા-પુત્રી હજુ પણ લાપત્તાઃ તરૂલત્તાબેનની હરિદ્વાર ખાતે જ અંતિમવિધી

એનડીઆરએફની ટીમોની અથાક મહેનત પરંતુ સોનલ અને પિતા અનિલભાઇનો પત્તો નથી મળ્યો : રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી સતત દિલીપભાઇ કારીયાના સંપર્કમાં

રાજકોટ તા. ૨: શહેરના જામનગર રોડ પર પ્રેસ કોલોનીમાં રહેતાં સ્પીપામાં ફરજ બજાવતાં રેવન્યુ અધિકારી દિલીપભાઇ નટવરભાઇ કારીયા અને તેમના પરિવારજનો હરિદ્વાર ઋષીકેશની જાત્રાએ ગયા હોઇ ત્યાં સોમવારે તેમના પત્નિ, જમાઇ અને દોહિત્રી નદીના પ્રવાહમાં તણાઇ જતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તેમના પત્નિનો મૃતદેહ તો મળી ગયો હતો. પરંતુ દોહિત્રી-જમાઇ (પિતા-પુત્રી)નો હજુ આજે પણ પત્તો લાગ્યો નથી. જેમનો મૃતદેહ મળ્યો છે તેમની અંતિમવિધી હરિદ્વાર ખાતે જ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

 જામનગર રોડ મોરબી હાઉસ પાસે રહેતાં અને હાલ પ્રેસ કોલોનીમાં રહેતાં તેમજ સ્પીપામાં રેવન્યુ અધિકારી તરીકે ફરજ બજાવતાં દિલીપભાઇ નટવરભાઇ કારીયા રાજકોટથી  તેમના પત્નિ તરૂલત્તાબેન, જમાઇ અનિલભાઇ ગોસાઇ, દોહિત્રી સોનલ અનિલભાઇ ગોસાઇ સહિતના સ્વજનો હરિદ્વાર-ઋષીકેશની જાત્રાએ ગયા હોઇ ત્યાં સોમવારે તેમની દોહિત્રી સોનલ (ઉ.વ.૧૮) લક્ષ્મણ ઝુલા ખાતે નદી કાઠે ઉભી રહી ફોટા લઇ રહી હતી તે વખતે પથ્થર પરથી પગ લપસતાં તણાઇ ગઇ હતી. તેને બચાવવા જતાં તેણીના પિતા અનિલભાઇ અને નાનીમા તરૂલત્તાબેન પણ તણાઇ ગયા હતાં.

તરૂલત્તાબેનનો મૃતદેહ સોમવારે સાંજે જ મળી ગયો હતો. પણ સોનલ અને તેના પિતા અનિલભાઇનો પત્તો મળ્યો ન હોઇ આજે પણ એનડીઆરએફની ટીમોએ તલાશ યથાવત રાખી છે. દરમિયાન તરૂલત્તાબેનના મૃતદેહની હરિદ્વાર ખાતે જ અંતિમવિધી કરવામાં આવી હોવાનું દિલીપભાઇ કારીયા સાથે સતત સંપર્કમાં રહેલા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આજે સવારે જ તરૂલત્તાબેન દિલીપભાઇ કારીયાના નિષ્પ્રાણ દેહનું ત્યાંની હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે. એ પછી અંતિમવિધી પણ ત્યાં જ કરવામાં આવી છે. એનડીઆરએફની ટીમોએ અથાક પ્રયાસો કર્યા છે. પણ હજુ આજ બપોર સુધી સોનલ કે તેના પિતા અનિલભાઇ ગોસાઇનો પત્તો મળ્યો નથી. આ ઘટનાથી કારીયા પરિવાર અને ગોસાઇ પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ છે.

(12:50 pm IST)