રાજકોટ
News of Thursday, 3rd October 2019

રામજી છકડોમાંથી પડી ગયો છતાં ચાલક પ્રેમલા કોળીએ રિક્ષા ભગાવી મુકી હતી!

૨૩મીએ ઇજાગ્રસ્ત મળેલા કોળી યુવાનનું મોત કઇ રીતે થયું હતું તે હવે ખુલ્યું : જામગઢના ઘાયલ કોળી યુવાન રામજીનું મોત નિપજ્યું હતું: કુવાડવા પોલીસે ગુનો નોંધ્યોઃ રિક્ષામાં સાથે બેઠેલા જાગાભાઇએ ઘટનાની જાણ મૃતકના સ્વજનોને કરી : કોઇ અજાણ્યા વાહને રામજીને ઉલાળી દીધાનું સ્વજનોને લાગ્યું હતું

રાજકોટ તા. ૩: દસ દિવસ પહેલા કુવાડવા ગામન જીક આર્યવીર સ્કૂલ નજીક પુલીયા પર ઢાળમાં છકડો રિક્ષા બેકાબૂ થઇ  જતાં તેમાં બેઠેલો કોળી યુવાન રામજીભાઇ  સોમાભાઇ ગોહેલ (કોળી) (ઉ.૩૨) ચાલુ છકડામાંથી પડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. જે તે વખતે છકડો રિક્ષાના ચાલક પ્રેમજી ઉર્ફ પ્રેમલો રત્નાભાઇ સાપરાને રિક્ષામાં બેઠેલા બીજા યુવાને રામજીભાઇ પડી ગયાની જાણ કરી હોવા છતાં પ્રેમલાએ રિક્ષા ઉભી રાખી નહોતી અને ભગાવી મુકી હતી. આ બનાવમાં કુવાડવા પોલીસે હવે ગુનો દાખલ કર્યો છે. જે તે વખતે રામજીભાઇ ઇજાગ્રસ્ત મળ્યા બાદ મોત થયાની નોંધ થઇ હતી. ત્યારે કોઇ અજાણ્યો વાહન ચાલક ઉલાળીને ભાગી ગયાનું સમજાયું હતું. પણ ખરેખર શું બન્યું હતું તે હવે સામે આવ્યું છે.

સોમાભાઇ ભીખાભાઇ ગોહેલ (રહે. જામગઢ તા. રાજકોટ, મુળ રાજકોટ ગંજીવાડા-૪૩)ની ફરિયાદ પરથી પોલીસે છકડો ચાલક જામગઢના પ્રેમજી ઉર્ફ પ્રેમલો સાપરા સામે ગુનો નોંધ્યો છે. સોમાભાઇના કહેવા મુજબ તેને સંતાનમાં સાત દિકરા અને એક દિકરી છે. તે પૈકી રામજી પરણેલો હતો. તે ગંજીવાડામં રહે છે. કેટલાક દિવસથી તે પત્નિ બાળકોને લઇ જામગઢ વાડીના કામે આવ્યો હતો. ૨૩/૯ના રોજ રામજી છકડો રિક્ષામાં બેસીને જતો હતો. ત્યારે તેમાં બીજો યુવાન જાગાભાઇ પણ બેઠો હતો.

છકડો રિક્ષા કુવાડવાથી આગળ આર્યવીર સ્કૂલ પાસે પુલીયા નજીક પહોંચી ત્યારે ઢાળમાં પ્રેમલાથી રિક્ષા પર કાબૂ ન રહેતાં છકડાની અંદરની બાજુએ પગ રાખી પાછળ બેઠેલો રામજીભાઇ ઉછળીને રોડ પર પટકાઇ ગયો હતો. આ અંગેની જાણ જાગાભાઇએ પ્રેમલાને કરી હોવા છતાં પ્રેમલાએ રિક્ષા ઉભી ન રાખી ભગાવી મુકી હતી. રામજી એ દિવસે તેના પત્નિને રિક્ષાવાળા પાસેથી બાકી નીકળતા પૈસા લેવાનું કહીને ગયો હતો.

પરંતુ ઘરે ન આવતાં પરિવારજનોએ તપાસ શરૂ કરી હતી. દરમિયાન તેના ભાઇ દિલીપને કુવાડવા સરકારી દવાખાનેથી પોલીસે એક યુવાનનું ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યા બાદ મોત થયાનું અને લાશ રાજકોટ હોવાનું કહેતાં વ્હોટ્સએપમાં દિલીપે ફોટા જોતાં તે લાશ પોતાના ભાઇ ભરતની હોવાની ખબર પડી હતી.

દરમિયાન રામજીભાઇને ઇજા કઇ રીતે થઇ તેની તપાસ કરતાં ગામના જાગાભાઇ મળ્યા હતાં અને તેણે સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. જેથી હવે મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવી છે. પી.એસ.આઇ. આર. પી. મેઘવાળે ગુનો દાખલ કરી પ્રેમજી ઉર્ફ પ્રેમલાની ધરપકડની તજવીજ આદરી છે. ગભરાઇ જતાં પ્રેમલો ભાગી ગયાનું જણાવાયું હતું.

(1:13 pm IST)