રાજકોટ
News of Wednesday, 3rd October 2018

આમ્રપાલી ફાટક પાસે બે જુના મિત્રો વચ્ચે પૈસા મામલે મારામારીઃ સામસામી ફરિયાદ

રાજકોટ તા. ૩: એરપોર્ટ રોડ પર રહેતાં વૃધ્ધે તેના જુના મિત્ર સાથે મળી કુવાડવા રોડ પરની પોતાની જમીનમાં કોમર્શિયલ કોમ્પલેક્ષ બનાવ્યું હોઇ તેના પૈસા બાબતે ચડભડ થતાં આ વૃધ્ધ પર જુના મિત્ર તથા તેના બે પુત્રોએ હુમલો કરી ધમકી આપતાં ફરિયાદ થઇ છે. સામા પક્ષે આ વૃધ્ધ અને તેના દિકરા જમાઇ સામે પણ ગુનો દાખલ થયો છે.

બનાવ અંગે પોલીસે એરપોર્ટ રોડ પર યોગેશ્વર પાર્કમાં 'આરતી' ખાતે રહેતાં ૬૩ વર્ષના વૃધ્ધની ફરિયાદ પરથી તેના જુના મિત્ર જયેષ્ઠારામભાઇ તથા તેના બે પુત્રો જીતેન્દ્ર ઉર્ફ ભોલો અને સિધ્ધાર્થ સામે ગુનો નોંધ્યો છે. જ્યારે સામા પક્ષે એરપોર્ટ રોડ પર સખીયાનગરમાં રહેતાં અને આમ્રપાલી ફાટક પાસે રેડીમેઇડ કપડાની દૂકાન ધરાવતાં જીતેન્દ્ર જયેષ્ઠારામભાઇ ચતવાણીની ફરિયાદ પરથી પ્રભુદાસભાઇ અને તેના દિકરા તથા જમાઇ સામે ગુનો નોંધાયો છે.

પ્રભુદાસભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેણે જુના મિત્ર જયેષ્ઠારામ સાથે મળી પોતાની કુવાડવા રોડ પર આવેલી જમીનમાં કોમર્શિયલ કોમ્પલેક્ષ બનાવ્યું છે. આ બાંધકામ માટે નાણા જયેષ્ઠારામને રોકવાના હતાં તેવું નક્કી થયું હતું. કોમ્પલેક્ષ બનીને ઉભુ થઇ ગયું છે પણ થોડુ કામ બાકી છે. બીજા પૈસાની જરૂર પડતાં જયેષ્ઠારામભાઇએ વાત કરતાં ગઇકાલે પ્રભુદાસભાઇ આમ્રપાલી ફાટક પાસે આવેલી રેડીમેઇડ કપડાની દૂકાને જયેષ્ઠારામભાઇને બે ચેક આપવા ગયા હતાં. પણ રકમ ઓછી હોઇ તે બાબતે ચડભડ થતાં માથાકુટ થઇ હતી અને એક બીજાને ધમકીઓ આપી મારામારી કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પ્ર.નગરના પીઆઇ બી. એમ.   કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ કે. ડી. પટેલ અને આનંદભાઇએ બંને ફરિયાદ પરથી કાર્યવાહી કરી છે.

(4:21 pm IST)