રાજકોટ
News of Wednesday, 3rd October 2018

કારખાનેદારને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં વ્યાજંકવાદીના આગોતરા જામીન મંજૂર

રાજકોટ તા. ૩ :.. લાખો રૂપિયાના વ્યાજના વિષચક્રમાં ફસાઇને વ્યાંજવાદીઓના આતંકથી ફીનાઇલ પીવા મજબુર થનાર કારખાનેદાર અલ્પેશ ગોરધનભાઇ બાબરીયાએ ૯ વ્યાજખોરો સામે કરેલ ફરીયાદના કામે આરોપી હરેશભાઇ જીવરાજભાઇ કોરાટે આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે.

આ કેસની હકિકત એવી છે કે રાજકોટના ૮૦ ફુટ રોડ ઉપર આવેલ રજત સોસાયટીમાં રહેતા અને શાપરમાં શ્રી ગણેશ ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનુ ધરાવતા અલ્પેશ ગોરધનભાઇ બાબરીયાએ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં આપેલ ફરીયાદમાં એવા આક્ષેપ કરેલ કે ફરીયાદી શાપર-વેરાવળ ખાતે શ્રી ગણેશ ઇન્ડસ્ટ્રીઝના નામથી પ્લાસ્ટીક ચીજ વસ્તુઓ બનાવવાનું કારખાનુ ધરાવે છે અને સને ર૦૧પ માં ફરીયાદીને ધંધમાં પૈસાની જરૂરીયાત ઉભી થતા આરોપી (૧) નિર્મળ બોરીચા રહે. મેહુલનગર-૬, રાજકોટ (ર) નારણભાઇ કચરાભાઇ કોરાટ રહે. એ. પી. એન્ટરપ્રાઇઝ રાધાનગર મેઇન રોડ, રાજકોટ (૩) નારણભાઇ કોરાટનો જમાઇ ભાવેશ રહે. સહકાર મેઇન રોડ, ગેલેકસી પાન સામે, (૪) રજની નારણભાઇ કોરાટ (પ) સંજયભાઇ નારણભાઇ કોરાટ રહે. બન્ને હીરાપન્ના કોમ્પલેક્ષ, યાજ્ઞિક રોડ, (૬) હરેશભાઇ જીવરાજભાઇ કોરાટ (૭) નિહાર હરેશભાઇ કોરાટ (૮) ક્રિષ્નાબેન હરેશભાઇ કોરાટ રહે. બધા લક્ષ્મીનગર મેઇન રોડ (૯) મુન્નાભાઇ બાલાસરા રહે. કેવડાવાડીવાળા પાસેથી કટકે કટકે રૂ. ૪૪ લાખ પ ટકાથી ૭ ટકાના માસીક વ્યાજે લીધેલ અને તે રકમ તથા વ્યાજ પેટે ૯૦ લાખ જેવી રકમ ચુકવી દીધેલ હોવા છતાં આરોપીઓ ફરીયાદોના ઘરે  આવી અવાર-નવાર વ્યાજના  રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા તેનાથી કંટાળીને ફરીયાદીએ પોતાના કારખાનામાં ઝેરી દવા પી મરી જવા પ્રયત્ન કરેલ હતો. ફરીયાદમાં આરોપીઓ એવો પણ આક્ષેપ કરેલ કે આરોપીઓએ તેની પાસેથી બળજબરીથી કોરા ચેકોમાં સહી કરાવી લીધલ છે અને તે ચેકોનો દુર ઉપયોગ કરે તેમ છે જેથી ભકિતનગર પોલીસ દ્વારા તમામ આરોપીઓ વિરૂધ્ધ ખંડણી, જાનથી મારી નાખવાની ધમકી તથા નાણા ધીરધારના કાયદાની કલમો મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો. જેથી આરોપી હરેશે આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી.

બન્ને પક્ષકારોની દલીલો તથા રજૂ થયેલ વડી અદાલતોના ચુકાદાઓ ધ્યાને લઇને સેશન્સ અદાલત દ્વારા બચાવ પક્ષે થયેલ દલીલો ગ્રાહય રાખી આરોપીને આગોતરા જામીન મંજૂર કરતો આદેશ ફરમાવેલ હતો.

આ કામમાં આરોપી હરેશભાઇ જીવરાજભાઇ કોરાટ વતી ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા,  અમૃતા ભારદ્વાજ, ગૌરાંગ ગોકાણી, કેવલ પટેલ, કૃષ્ણ પટેલ, અશ્વિન હીરપરા રોકાયેલ હતાં.

(4:20 pm IST)