રાજકોટ
News of Wednesday, 3rd October 2018

સુરેશ ઉર્ફ સુરાએ પોતે જેને પિતા કહે છે તે સમીર ખલીફા સાથે મળી બબ્બેવાર બાળાનો દેહ પીંખ્યો!

એક ટેણીયો ઘરે આવ્યો અને કહ્યું-સુરાને ફ્રેન્ડશીપ કરવી છે, બાળાએ હા પાડી ને જિંદગી બરબાદ થઇ : વિનોદનગરના બંને હવસખોરની ધરપકડઃ ભોગ બનનાર બાળાને 'તારે તારા પિતા સાથે પણ લફરૂ છે' તેવા વેણ કહ્યા પછી તેણીના પિતાને પણ ધોકાવ્યા!: ગેંગરેપ અને પોકસો હેઠળ ભકિતનગર પોલીસે કાર્યવાહી કરી

ઘટનાની વિગતો જણાવતાં પી.આઇ. વી. કે. ગઢવી અને જેની ધરપકડ થઇ છે તે સુરેશ ઉર્ફ સુરો (સફેદ ટી-શર્ટ) તથા તે જેને પિતા કહે છે તે સમીર ખલીફા જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩: કોઠારીયા રોડ પર હુડકો ચોકડી પાસે વિનોદનગરના કવાર્ટરમાં મુસ્લિમ શખ્સ સાથે તેના કારખાનામાં જ રહેતાં બાવાજી શખ્સે ૧૪ વર્ષ ૧૧ માસની વય ધરાવતી એક બાળાને ફ્રેન્ડશીપના નામે જાળમાં ફસાવી બાદમાં કારખાને વાત કરવાના બહાને બોલાવી બળાત્કાર ગુજારતાં અને તેની સાથેના મુસ્લિમ શખ્સે પણ કાળો કામો કરતાં ભકિતનગર પોલીસે બંનેની ધરપકડ કરી  છે. બાળા અંદર ગઇ ત્યારે ત્રીજા એક શખ્સે બહારથી બારણું બંધ કરી દઇ મદદગારી કરી હતી, આ શખ્સની શોધખોળ થઇ રહી છે. હવસખોરોએ આ બાળાને 'તારે તારા ઓરમાન બાપ સાથે પણ લફરૂ છે' તેવા વેણ પણ કહી બબ્બે વખત ન કરવાનું કરતાં પોલીસે ગેંગરેપ હેઠળ ગુનો નોંધ્યો છે. ઝડપાયેલા બાવજી શખ્સને મુસ્લિમ શખ્સે દિકરા તરીકે સાથે રાખ્યો છે. આ કહેવાતા બાપ-દિકરાએ સાથે મળી એક બાળાની જિંદગી બગાડતાં ચકચાર મચી ગઇ છે.

ગઇકાલે ભોગ બનેલી બાળા તેના પિતા સાથે પોલીસ મથકે આવી હતી અને આપવીતી વર્ણવતા પોલીસ અધિકારી ચોંકી ઉઠ્યા હતાં અને તેણીની ફરિયાદ પરથી વિનોદનગર કવાર્ટર બ્લોક નં. ૨૩માં રહેતાં સુરેશ ઉર્ફ સુરો મોહનભાઇ પરમાર (બાવાજી) (ઉ.૨૨), તથા સમીર અનવરભાઇ ખલીફા (ઉ.૩૭) અને અફઝલ નામના શખ્સ સામે ગેંગરેપની કલમ ૩૭૬ (ડી)એ, ૫૦૬, ૧૧૪ તથા પોકસો હેઠળ ગુનો નોંધી સુરેશ અને સમીરને સકંજામાં લઇ લીધા છે.

બાળાએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે બે મહિના પહેલા એક ૧૪ વર્ષનો મુસ્લિમ સગીર પોતાની ઘરે આવ્યો હતો અને પુછ્યું હતું કે, 'તારે સુરા સાથે ફ્રેન્ડશીપ રાખવી છે?' આથી તેણીએ 'સુરો કોણ?' એમ પુછતાં એ ટેણીયાએ સુરો વિનોદનગરના કવાર્ટરમાં બીજા માળે રહે છે. તેણે જ પોતાને પુછવા માટે મોકલ્યો હોવાનું પણ કહ્યું હતું. જે તે વખતે તેણીએ ફ્રેન્ડશીપની હા પાડી દીધી હતી. એ પછી એ જ દિવસે પોતે કરિયાણુ લેવા ગઇ ત્યારે સુરો અને પુછવા આવ્યો હતો એ ટેણીયો બંને આવ્યા હતાં અને ટેણીયાએ સુરાની ઓળખાણ કરાવી હતી. ત્યારબાદ થોડા દિવસ પછી સુરો તેણી જ્યાં રહે છે એ સ્થળે પહોંચ્યો હતો અને મુસ્લિમ ટેણીયાના ફોનમાંથી વાત કરી હતી. સુરાએ પોતે વિનોદનગર કવાર્ટરમાં સમીર અનવરભાઇ ખલીફા સાથે રહી તેના જ કારખાનામાં કામ કરતો હોવાનું અને સમીર ખલીફાએ પોતાને દિકરો બનાવ્યો હોવાની વાત કરી હતી.

આ પછી આજથી આઠેક દિવસ પહેલા બપોરના સમયે મુસ્લિમ ટેણીયાએ ઘરે આવી 'તને સમીર કારખાને બોલાવે છે' તેમ કહેતાં તેણી ત્યાં પહોંચી હતી. જેવી તે અંદર ગઇ ત્યાં જ બહારથી ત્યાં ઉભેલા અફઝલે દરવાજો બંધ કરી દીધો હતો. આમ થતાં તેણી ગભરાઇ ગઇ હતી. એ પછી સુરા ઉર્ફ સુરેશ અને સમીર ખલીફાએ મારકુટ કરી ધમકાવી હતી અને ખરાબ માંગણી કરી બંનેએ બળજબરીથી સ઼બંધ બાંધી લઇ કોઇને વાત કરતી નહિ કરી ધમકી આપી હતી. એ પછી સમીરે અફઝલને ફોન કરી બહારથી તાળુ ખોલવાનું કહેતાં તેણે દરવાજો ખોલતાં પોતે દોડીને ઘરે જતી રહી હતી અને કોઇને વાત કરી નહોતી.

ભોગ બનનારે આગળ જણાવ્યું હતું કે   તા. ૧ના બપોરે બે વાગ્યા આસપાસ ફરીથી અફઝલ આવ્યો હતો અને સુરો તથા સમીર બોલાવે છે તેમ કહેતાં પોતે ત્યાં જતાં ફરીવખત સમીર અને સુરાએ જાપટો મારી હતી અને એવું પણ કહ્યું હતું કે 'તારે તારા બાપ સાથે પણ આડાઅવળા સંબંધ છે'. તેમ કહી ઢોર મારી મારી રૂમ અંદર ખેંચી પહેલા સમીરે અને બાદમાં સુરાએ બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તેણીના પિતાને પણ કારખાને બોલાવી ધમકાવીને માર માર્યો હતો. બીકને કારણે કોઇને વાત કરી નહોતી. ગઇકાલે માતાને બનાવની જાણ કરતાં અંતે ફરિયાદ નોંધાવી હતી.

ભોગ બનનાર બાળાના માતાએ પ્રથમ પતિ સાથે છુટાછેડા લીધા છે અને હાલમાં તેણે બીજા વ્યકિત સાથે કોર્ટમેરેજ કર્યા છે.  ડીસીપી રવિકુમાર સૈની, એસીપી બી. બી. રાઠોડની રાહબરીમાં પી.આઇ. વી. કે. ગઢવી, નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ, હિરેનભાઇ  સહિતનો સ્ટાફ વિશેષ તપાસ કરે છે. સુરેશ બાવાજી સમીર ખલીફા સાથે આઠ વર્ષથી રહે છે અને મજૂરી કામ કરે છે. પોતાને સમીરે દિકરા તરીકે રાખ્યો હોવાનું તે બધાને કહેતો ફરે છે.

(4:24 pm IST)