રાજકોટ
News of Monday, 3rd September 2018

ક્રાઇમ બ્રાંચે ૧૫૬ બોટલ દારૂ સાથે ખોડિયારનગરના અશ્વિનગીરીને પકડ્યોઃ રવિ કોળીનું નામ ખુલ્યું

રાજકોટઃ ક્રાઇમ બ્રાંચે ખોડિયારનગર-૧માંથી અશ્વિનગીરી વનરાજગીરી ગોસ્વામી (બાવાજી) (ઉ.૩૮-રહે .ખોડિયારનગર-૧, પુનિતનગર પાણીના ટાંકા સામે)ને રૂ. ૪૬૮૦૨૦ના ૧૫૬ બોટલ દારૂ સાથે ઝડપી લીધો છે. આ દારૂ રવિ ભીખાભાઇ મકવાણા (કોળી) (રહે. પુનિતનગર-૧)એ આપ્યાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. પીએઅસાઇ મહાવીરસિંહ બી. જાડેજા, એએસઆઇ જયદિપસિંહ રાણા, હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, યોગેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, સોૈકતખાન ખોરમ, યોગીરાજસિંહ જાડેજા, અમિતભાઇ ટુંડીયા, મહિલા કોન્સ. મિતાલીબેન ઠાકર સહિતે પકડ્યો હતો.

એઝાઝ મુલતાનીને ૪૨ બીયર સાથે પકડ્યો

ક્રાઇમ બ્રાંચની ઉપરોકત ટીમે જ બીજા દરોડામાં દૂધ સાગર રોડ ફારૂકી મસ્જીદ પાસે શેરી નં. ૧માં રહેતાં એઝાઝ હનીફભાઇ મુલતાની (ઉ.૧૯)ને રૂ. ૪૨૦૦ના બીયરના ૪૨ ટીન સાથે પકડી લીધો હતો.

ભકિતનગર પોલીસે વિનોદ સોંદરવાને ૨૫ હજારના દારૂ સાથે પકડ્યોઃ દિપકની શોધખોળ

જ્યારે ભકિતનગર પોલીસે કોઠારીયા રોડ ઘનશ્યામનગર-૩માં રહેતાં વિનોદ મુળજીભાઇ સોંદરવાના ઘરમાં દરોડો પાડી તેને રૂ. ૨૫૧૦૦ના દારૂના ચપલા, બોટલો સાથે પકડી લીધો હતો. સપ્લાયર તરીકે દિપક ઉર્ફ દિલો જીતેન્દ્રભાઇ વાઘેલા (રહે. મોરબી રોડ)નું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. ધાખડા, હેડકોન્સ. પ્રકાશભાઇ વાંક, મહેન્દ્રસિંહ ડોડીયા, ભાવેશભાઇ મકવાણા, વિક્રમભાઇ ગમારા, દેવાભાઇ ધરજીયા, વાલજીભાઇ જાડા, રાજેશભાઇ ગઢવી, હિતેષભાઇ અગ્રાવત સહિતે આ દરોડો પાડ્યો હતો.

બે બોટલ દારૂ સાથે સાગર પરમાર પકડાયો

રાજકોટઃ આજીડેમ ચોકડીથી આગળ ધ વ્યુ હોટેલ પાસેથી માંડાડુંગર ભીમરાવનગર-૬માં રહેતાં સાગર જયંતિભાઇ પરમાર (દેવીપૂજક) (ઉ.૨૦)ને એકટીવા જીજે૩કેએફ-૭૭૧માં રૂ. ૬૦૦નો બે બોટલ દારૂ રાખી નીકળતાં આજીડેમના હેડકોન્સ. કનકસિંહ સોલંકી, મહિપાલસિંહ અને જયદિપસિંહ બોરાળાએ પકડી લીધો હતો.

(11:19 am IST)