રાજકોટ
News of Tuesday, 3rd August 2021

રોજ રપ થી વધુ ઢોર પકડાય છેઃ ઢોર ડબ્બામાં ૧૧૦૦ પશુઓનો ઉછેર...

'સ્માર્ટ સીટી'માં રખડુ ઢોરની સમસ્યા યથાવતઃ તંત્ર થાકયુ!

મીલપરા-રૈયા રોડ-અમીન માર્ગ-જંકશન પ્લોટ-કરણપરા સહિતનાં રસ્તાઓ અને શેરીઓમાં ઢોરનો કબ્જોઃ રોગચાળો-ગંદકીથી લતાવાસીઓ ત્રાહીમામઃ ફરિયાદો કર્યા બાદ પ્રાણી રંજાડ ટીમ આંટો મારી જાય છે પણ કોઇ કાર્યવાહી કરતી નહી હોવાની લોક ફરિયાદ

રાજકોટ તા. ૩ :.. મ.ન.પા.નાં સત્તાધીઓ આધુનિક સ્માર્ટ રાજકોટની વાહ...વાહ... કરી રહ્યા છે. પરંતુ શહેરની વર્ષો જૂની રખડુ ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ હજુ સુધી તંત્ર લાવી શકયુ નથી કેમ કે શહેરનાં હજુ પણ અનેક વિસ્તારો અને રસ્તાઓ એવા છે કે જયાં વર્ષો પછી આજે પણ રખડુ ઢોરનો કબ્જો રહે છે. પરિણામે ગંદકી- અને રોગચાળાથી આ વિસ્તારનાં રહેવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે.

આ અંગે મ.ન.પા.નાં પ્રાણી રંજાડ વિભાગનાં સુત્રોનાં જણાવ્યા મુજબ શહેરનાં રાજમાર્ગો ઉપર ઢોર પકડવા માટે ત્રણેય ઝોનમાં ૧-૧ ઢોર પકડ પાર્ટીનું ચેકીંગ ચાલુ જ હોય છે. અને આ દરમિયાન દરરોજ રપ જેટલા ઢોરને ડબ્બામાં પુરવામાં આવે છે... હાલમાં મ.ન.પા.નાં ઢોર ડબ્બામાં ૧૧૦૦ જેટલા પશુઓનો નિભાવ થઇ રહ્યો છે.

જો કે ઘણા ઢોર માલિકો તેઓનાં પશુઓને રૂા. ૧૭૦૦ નો દંડ ભરીને છોડાવી જાય છે અને હવે પછી રસ્તામાં ઢોર રખડતાં નહી મળે તેવું સોગંદનામુ પણ કરી રહ્યા છે.

આમ છતાં જે ઢોરને કોઇ છોડાવે નહી તેને પાંજરાપોળ અથવા ગૌ-શાળાને આપી દેવામાં આવે છે.

આ ઉપરાંત મ.ન.પા. દ્વારા એનિમલ હોસ્ટેલ પણ ચલાવાઇ રહી છે. પરંતુ તેમાં ઢોર માકિલોનો જોઇએ તેવો પ્રતિસાદ મળ્યો નથી.

આમ આટલી બધી સુદૃઢ વ્યવસ્થા હોછા છતાં શહેરના મિલપરા, કરણપરા, રૈયા રોડ, અમીન માર્ગ, હીંગળાજનગર, જંકશન પ્લોટ સહિતનાં કેટલાય વિસ્તારોમાં હજુ આજની તારીખે પણ રખડુ ઢોરનો દિવસ-રાત કબજો રહે છે. આથી રસ્તાઓ શેરીઓમાં ગંદકી, માખી, મચ્છરોનો ત્રાસ સતત રહે છે. અને ચોમાસામાં આ ગંદકી પલળવાથી રોગચાલો ફેલાઇ રહ્યો છે. આથી લતાવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. અને આ બાબતે કોલ સેન્ટરો ફરીયાદો પણ નોંધાવી રહ્યા છે પરંતુ ઢોર પકડુ પાર્ટી ફરીયાદને સ્થળ જઇને કોઇ કાર્યવાહી કરતી નહીં હોવાની ફરીયાદ પણ લોકો કરી રહ્યા છે ત્યારે મ.ન.પા.ના તંત્ર વાહકો રખડુ ઢોરનો ત્રાસ કાબુમાં લેવા માટેના નિયમોનો ચુસ્ત અમલ કરાવે તે જરૂરી હોવાની માંગ લોકો ઉઠાવી રહ્યા છે.

(4:00 pm IST)