રાજકોટ
News of Tuesday, 3rd August 2021

જુની જેલને હેરીટેજ કોમ્યુનિટી હોલમાં તબદીલ કરવા બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને પાઠવ્યા અભિનંદન

મુખ્યમંત્રી વિજયભાઇને રજવાડી પાઘડી પહેરાવી તલવાર આપી સન્માન કરાયું: મહેમાનોનું તુલસીના રોપાથી અભિવાદન : સરકારે કાયદો વ્યવસ્થા સુધારવા માટે ગુજસીટોક, લેન્ડગ્રેબીંગ, ધર્મપરિવર્તનના કાયદાઓ, પાસાના કાયદાઓમાં સુધારો કર્યો અને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ, નારકોટીક સેલની શરૂઆત કરાવી તે માટે પોલીસ કમિશનરે આભાર માન્યોઃ રેન્જ આઇજી સંદિપસિંહ, જેસીપી ખુરશીદ અહેમદ, કલેકટર મહેશબાબુ, મ્યુ. કમિશનર અમિત અરોરા, મેયર પ્રદિપભાઇ ડવ, ધારાસભ્યો તેમજ ઉદ્યોગપતિ મોૈલેશભાઇ ઉકાણીની હાજરી : રાજકોટ પોલીસે લેન્ડ ગ્રેબીંગના નવા કાયદા હેઠળ ૯૦૦ લોકો ઉપર કાર્યવાહી શરૂ કરી છે તે બદલ મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા : રામનાથપરા લાઇનના પોલીસ પરિવારોને કોમ્યુનિટી હોલ-પાર્ટી પ્લોટ મળ્યાઃ વૃક્ષારોપણ, રકતદાન, કોરોના વોરીયર્સના સ્વજનોને સહાય, જાગૃત નાગરિકોનું સન્માન સહિતના કાર્યક્રમો યોજાયા

રાજકોટઃ શહેરમાં ગઇકાલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પોતાના જન્મદિવસના રોજ અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતાં. શહેર પોલીસ આયોજીત કાર્યક્રમોમાં પણ હાજરી આપી લોકાર્પણ કર્યા હતાં. રામનાથપરા પોલીસ લાઇનમાં આવેલી જુની પુરાણી જેલની ઇમારતને નવો લૂક આપી હેરીટેજ આધુનિક કોમ્યુનિટી હોલમાં તબદીલ કરવામાં આવી હોઇ આ કાર્ય માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલને લેખિતમાં સ્વહસ્તાક્ષરે શુભેચ્છા સંદેશો આપ્યો હતો. તેમજ તેમની ટીમને પણ આ કાર્ય માટે બિરદાવી હતી. રામનાથપરા પોલીસ લાઇનના રહેવાસી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના પરિવારો હવે પ્રસંગોમાં આ કોમ્યુનિટી હોલ-પાટી પ્લોટનો ઉપયોગ કરી શકશે.

કોમ્યુનિટી હોલના લોકાર્પણ પ્રસંગની સાથો સાથ વૃક્ષારોપણ, થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે રકતદાન કેમ્પ તથા ઇનોગ્રેશનના કાર્યક્રમો યોજાય હતાં. શ્રી મનોજ અગ્રવાલની ટીમે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર આપી આવકાર્યા હતાં. એ પહેલા શહેર પોલીસે દસ માળના બિલ્ડીગ ઉપરથી રેપલીંગ એટલે કે દોરડાની મદદથી નીચે ઉતરી મુખ્યમંત્રીશ્રીના ૬૫ ફુટ ઉંચા બેનરનું અનાવરણ કરી તેમને જન્મદિવસની ખાસ શુભેચ્છા પાઠવી હતી. કોમ્યુનિટી હોલની વિઝીટર બૂકમાં શ્રી રૂપાણીએ જુની જેલને નવા રૂપ આપી હેરિટેજ હોલમાં તબદીલ કરવા બદલ મનોજ અગ્રવાલને અભિનંદન આપતો સંદેશો લખ્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી, મેયર પ્રદિપભાઇ ડવ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરીયા, ભાનુબેન બાબરીયા, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્દાજ, કલેકટરશ્રી મહેશબાબુ, મ્યુ. કમિશનરશ્રી અમિત અરોરા, પોલીસ કમિશનરશ્રી અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, રેન્જ આઇજી સંદિપસિંઘ તથા ઉદ્યોગપતિ મોૈલેશભાઇ ઉકાણીના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. શિવશકિતવાળા જગદીશભાઇ અકબરી તથા સહકાર ગ્રુપના ધર્મેન્દ્રસિંહ ઝાલા, ભાજપ અગ્રણી શૈલેષ ડાંગર, વી. પી. વૈશ્નવ, ડી. વી. મહેતા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. શ્રી અગ્રવાલે ઉપસ્થિત મહેમાનોનું તુલસીના રોપા આપી અભિવાદન કર્યુ હતું. સરકારશ્રીના ત્વરીત નિર્ણયને કારણે જુની જેલના સ્થાને કોમ્યુનિટી હોલ, એઇમ્સના રસ્તે ટ્રાફિક ચોકી, કાયદો વ્યવસ્થા સુધારાવા ગુજસીટોક, લેન્ડ ગ્રેબીંગના નવા કાયદા, ધર્મપરિવર્તન અંગેના કાયદા, પાસાના કાયદામાં સુધારા, એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ અને નારકોટીકસ સેલની શરૂઆત થઇ શકી હોઇ તે માટે શ્રી અગ્રવાલે મુખ્યમંત્રીશ્રી રૂપાણીનો ખાસ આભાર માન્યો હતો. કોમ્યુનિટી હોલ અને પાર્ટીપ્લોટના નિર્માણમાં સહકાર બદલ શ્રી મોૈલેશભાઇ ઉકાણીનું પણ ખાસ સન્માન કરાયું હતું.

આ પ્રસંગે સાયબર અવેરનેસ બૂકનું વિમોચન, નારકોટીકસ સેલની શરૂઆત માટે એસીપી ડી.વી. બસીયાને ચાર્જ બેટન, એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની જવાબદારી માટે એસીપી આર. એસ. બારીયાને ચાર્જબેટન અને ટ્રાફિકની કામગીરી માટે એસીપી વી.આર. મલ્હોત્રાને ચાર્જ બેટન મુખ્યમંત્રીના હસ્તે સોંપાયા હતાં. કોરોનાકાળ દરમિયાન અવસાન પામનાર પોલીસ કર્મિઓના સ્વજનોને રૂ. ૨૫ લાખ, ૮-૮ લાખના ચેક અર્પણ કરાયા હતાં. તાજેતરમાં હત્યા કરી ભાગેલા યુપીના શખ્સને પકડવામાં જાગૃતિ દાખવનારા યુવાન નાગરિકોનું પણ સન્માન કરાયું હતુ.

મુખ્યમંત્રીશ્રીએ ઉદ્દબોધનમાં રાજકોટ પોલીસની કામગીરીને વખાણી હતી અને એન્ટી લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ૯૦૦ લોકો પર કાર્યવાહી શરૂ થઇ ચુકી હોઇ તે માટે શહેર પોલીસને અભિનંદન પાઠવ્યા હતાં. અંતમાં જેસીપી ખુરશીદ અહેમદે આભારવિધી કરી હતી. જુની જેલને કોમ્યુનિટી હોલમાં બદલવા માટેનો વિચાર શ્રી અગ્રવાલને આવ્યો હતો. એ પછી કામ આગળ વધ્યું હતું. શ્રીઅગ્રવાલ અને જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયા, એસીપી એસ.આર. ટંડેલ, એસીપી એચ. એલ. રાઠોડ, પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ આર.વાય. રાવલ, પીઆઇ એમ. એ. કોટડીયા, પીએસઆઇ પી. એમ. ધાખડા અને પીએસઆઇ એમ. એન. બોરીસાગર સહિતે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની અલગ અલગ તસ્વીરો નિહાળી શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:14 pm IST)