રાજકોટ
News of Saturday, 3rd August 2019

બેડીમાં મોડી રાતે 'બાયટીંગ' લેવા ગયેલા બુકાનીધારી સંજયે મહિલાને અડપલા કર્યા

મોડી રાતે બનાવઃ બેડીના સંજય મકવાણા સામે કુવાડવા પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી : મોઢે રૂમાલ બાંધીને આવ્યો, મહિલાએ રૂમાલ ખેંચી લેતાં ઓળખાઇ ગયો!

રાજકોટ તા. ૩: મોરબી રોડ બેડી યાર્ડ પાસે રહેતી અને ઘર નજીક ચા-નાસ્તાની કેબીન ધરાવતી મહિલા રાત્રીના બારેક વાગ્યે ઘરમાં સુતી હતી ત્યારે મોઢે રૂમાલ બાંધીને એક શખ્સે આવી 'બાયટીંગ આપો' કહેતાં મહિલાએ અત્યારે ન મળે...તેમ કહેતાં એ શખ્સે તેણી પર નિર્લજ્જ હુમલો કરી છેડછાડ કરતાં દેકારો મચી ગયો હતો. મહિલાએ રૂમાલ ખેંચી લેતાં છેડતી કરનારો શખ્સ બેડી ગામનો જ રહેવાસી હોવાનું ખુલતાં તેની સામે ફરિયાદ નોંધાવી છે.

કુવાડવા પોલીસને ઘટનાની જાણ થતાં પીએઅસાઇ એમ.આર. મકવાણા સહિતે ઘટના સ્થળે પહોંચી ૩૨ વર્ષની મહિલાની ફરિયાદ પરથી બેડીમાં રહેતાં સંજય દિનેશભાઇ મકવાણા નામના શખ્સ સામે આઇપીસી ૩૫૪, ૩૫૪ (ક), (ખ), ૫૦૪, ૪૪૮ મુજબ ગુનો નોંધ્યો છે.

મહિલા અપરિણીત છે અને એકલા રહી ઘર નજીક ચા-નાસ્તાની કેબીન-કેન્ટીન ચલાવે છે. તેણી રાત્રીના બારેક ઉંઘી રહી હતી ત્યારે કોઇએ દરવાજો ખખડાવતાં તેણીએ ખોલતાં મોઢે રૂમાલ બાંધેલો શખ્સ જોવા મળ્યો હતો. તેને 'અત્યારે શું કામ છે? કોણ છો?' તેવું પુછાતાં તેણે 'બાયટીંગ' લેવા આવ્યાનું કહેતાં મહિલાએ અત્યારે કેન્ટીન બંધ છે તેમ કહી ના પાડતાં એ શખ્સે તેને અડપલા શરૂ કરી છેડછાડ કરી હતી. મહિલાએ ઝપાઝપી કરી મોઢે બાંધેલો રૂમાલ ખેંચી લેતાં એ શખ્સ બેડી ગામનો જ સંજય મકવાણા હોવાનું ઓળખાઇ જતાં તે ભાગી ગયો હતો. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

(11:38 am IST)