રાજકોટ
News of Sunday, 3rd July 2022

રાજકોટમાં ૧૩ ગુનામાં સંડોવાયેલો આરોપી આખર ઝડપાયો

મુળ જુનાગઢના માળીયા હાટીયના ધ્રાબાવડ ગામની વતની હાલ રાજકોટનાં સાધુવાસવાણી રોડ ઉપર રહેતા નામચીન અપરાધીને માલવીયાનગર પોલીસે ઝડપી પાડ્યો : સંતકબીર રોડ અને કુવાડવા રોડ પર બે ચીલઝડપની કરી કબુલાત

રાજકોટ : રાજકોટના માલવીયાનગર પોલીસે મૂળ જૂનાગઢના માળીયા હાટીનાના ધ્રાબાવડ ગામના વતની અને હાલ રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર ન્યૂ પરિમલ સોસાયટી નજીક રહેતા નામચીન અપરાધીને ઝડપી પાડ્યો છે. આરોપીએ એક માસ પહેલાં સંતકબીરોડ તેમજ કુવાડવા રોડ પર બે ચીલઝડપના કરી હોવાની કબૂલાત આપી છે. જયારે સુરતમાં ચોરી, લૂંટ અને ચીલઝડપ સહિતના 13 ગુનામાં પણ તેની સંડોવણી હોવાનું સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ રાજકોટનાં બન્ને ગુનામાં આરોપી સાથે રહેલા સાગરીતની શોધખોળ હાથ ધરવામાં આવી છે.  રાજકોટના સંત કબીર રોડ પર રામદેવ ભેળની સામે ન્યૂ શક્તિ સોસાયટી નંદુ બાગ મેઇન રોડ પર રહેતા વિજયાબેન પરસોત્તમભાઈ સગપરીયા નામના પ્રૌઢા એક માસ પૂર્વે રાતે ઘર પાસે વોકિંગ કરી રહ્યા હતા, ત્યારે ડબલસવારી બાઇકમાં આવેલા ગઠીયા પ્રૌઢાના ગળામાંથી રૂપિયા એક લાખની કિંમતનો સોનાની ચેઇન આંચકી નાસી ગયા હતા. આ બનાવની થોડી કલાક પછી કુવાડવા રોડ પર ડી માર્ટ પાસે રહેતા હંસાબેન દાનસંગભાઈ નકુમ પણ ઘર પાસે વોકિંગ કરી રહ્યા હતા, ત્યારે દરમિયાન કાળા કલરના નંબર પ્લેટ વગરના બાઈક પર આવેલા આ જ બંને શખસો તેમના ગળામાંથી પણ રૂપિયા 50 હજારની કિંમતનો સોનાનો ચેઇન આંચકી નાસી ગયા હતા.

બનાવને પગલે ચાલી રહેલી તપાસ દરમિયાન પોલીસે ચોક્કસ બાતમીનાં આધારે સાધુ વાસવાણી રોડ પર રહેતા અને અગાઉ કેશોદ, ગીર સોમનાથ અને સુરતમાં લૂંટ, ચીલઝડપ અને ચોરીના 13 ગુનામાં પણ ઝડપાઇ ચૂકેલા વૈભવ બાબુભાઈ જાદવને અટકાયતમાં લીધો હતો. આકરી પૂછપરછમાં વૈભવે સાગરીત મીરાજ કાપડી સાથે ઉપરોક્ત બન્ને ગુનાની કબૂલાત આપી હતી. જો કે બનાવ બી ડીવીઝન પોલીસની હદમાં બન્યો હોવાથી આરોપીનો કબજો બી ડીવિઝન પોલીસને સોંપતા મુદ્દામાલ કબજે કરવા સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

(5:10 pm IST)