રાજકોટ
News of Friday, 3rd July 2020

યુરોપનો પ્રવાસ રદ્દ થતાં રકમ પરત આપો

૧૩૫ મુસાફરોએ બેસ્ટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં યુરોપનો પ્રવાસ બુક કરાવેલો પણ કોરોનાના લીધે પ્રવાસ રદ્દ થતા હવે બુકીંગ સમયે આપેલી તમામ રકમ પરત આપવાની માંગણી સાથે કલેકટરને રજૂઆત

રાજકોટ, તા. ૩ : કોરોનાની મહામારીના કારણે યુરોપના પ્રવાસ રદ્દ થતાં રાજકોટના કેટલાક મુસાફરોએ પૂરેપૂરી રકમ પરત આપવાની બેસ્ટ ટુર્સ એન્ડ ટ્રાવેલસના સંચાલક પાસે માંગણી સાથે કલેકટર શ્રી રેમ્યા મોહન અને શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ સમક્ષ રજૂઆત કરી છે.

જેમાં જણાવાયુ છે કે યુરોપની ટૂર માટે બે લાખના પેકેજવાળી ટૂર બુક કરાવેલ. પરંતુ કોરોનાના લીધે આ પ્રવાસ રદ્દ થતાં ભરેલ તમામ રકમ પરત આપવાની બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેકસ પ્રા. લી. ના માલિક દિપકભાઈ કારીયાને રજૂઆત કરી હતી. પરંતુ તેઓએ વીઝા, એરટીકીટના અને હોટલના બુકીંગ સહિત ૫૧ હજાર બાદ કરી બાકીની રકમ પરત આપવા જણાવાયુ હતું.

આ ઉપરાંત કંઈ બાબતના ખર્ચા છે તેની ચોખવટ કરવાની પણ ના પાડી દેવામાં આવી હતી અને જે રકમ મૌખિક ગણાવે છે તે ન્યાયિક કે વ્યાજબી નથી. રકમ ભરનારાઓમાં કેટલાક તો સીનીયર સીટીઝન છે કે જેઓએ પોતાની મરણ મૂડી એકત્ર કરી પૈસા ભરેલ હોય તેવા લોકોના પણ નાણા ડૂબી જાય તેમ છે. તેમજ ડીપોઝીટની પૂરેપૂરી રકમ આપવાની પણ ના પાડી દેવામાં આવી હતી. આમ માનસિક અને શારીરીક રીતે હેરાન પરેશાન કરતા હોવાનું જણાવાયુ છે.

આ રજૂઆતમાં અક્ષય જોષી, કિન્નરી જોષી, ભાનુમતી જોષી, સુભદ્રા ભટ્ટ, કલ્પેશ ખખ્ખર, હિતેશ પોપટ, રમેશચંદ્ર સાંગાણી, ભૈરવીબેન સાંગાણી, કિશોરકાંત મહેતા, નિલાબેન હિંડોચા, સરોજબેન કલોલા, પ્રફુલભાઈ પંચોલી વિ. જોડાયા હતા.

(4:40 pm IST)