રાજકોટ
News of Friday, 3rd July 2020

પોલીસ પણ મેદાનેઃ ચા પાનના સ્ટોલ-દૂકાનોએ માસ્ક વગર ભેગા થયેલા દંડાયાઃ ૪૦૦-૪૦૦નો દંડ ફટકાર્યો

કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે ક્રાઇમ બ્રાંચની ટીમે કાલાવડ રોડ શકિત ટી સ્ટોલ, ખેતલા આપા ટી સ્ટોલ પર ચેકીંગ કર્યુઃ ભીડ એકઠી થઇ હોઇ દૂકાનદાર સામે પણ દંડની કાર્યવાહીઃ રોજ ઓચિંતુ ચેકીંગ થશે

રાજકોટ તા. ૩: કોરોનાના વધી રહેલા કેસોને કારણે શહેરના તંત્રોમાં ચિંતા વધી ગઇ છે. પાનની દૂકાનો અને ચાના સ્ટોલ, થડાઓ પર વધુ પ્રમાણમાં અને માસ્ક વગર લોકો ભેગા થાય તો આ દૂકાનો, સ્ટોલ, થડા બંધ કરાવી દેવાનો નિર્ણય મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે કર્યો છે ત્યારે પોલીસ પણ મેદાને આવી ગઇ છે. આજથી જ પોલીસે ચા-પાનના સ્ટોલ-થડા-દૂકાનો પર ઓચિંતુ ચેકીંગ શરૂ કરી નિયમોનો ભંગ થતો હોય તો દંડ ફટકારવાનું શરૂ કરી દીધુ છે. ક્રાઇમ બ્રાંચની ટૂકડીઓએ કાલાવડ રોડ પર આત્મીય કોલેજ સામે શકિત ટી સ્ટોલ પર તથા ખેતલાઆપા ટી સ્ટોલ પર ઓચિંતુ ચેકીંગ કરતાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી લોકો ચા પીવા, પાન-ફાકી ખાવા ઉભા હોઇ તેમજ છ જેટલા જણે માસ્ક પણ પહેર્યા ન હોઇ વ્યકિત દીઠ ૪૦૦-૪૦૦નો એટલે કે ડબલ દંડ વસુલ કરાયો હતો. તેમજ દૂકાન-સ્ટોલના સંચાલકોસામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની સુચના હેઠળ પીઆઇ એચ. એમ. ગઢવી, પીએસઆઇ યુ. બી. જોગરાણા તથા તેમની ટીમોએ આજે બપોરે ઓચિંતા જ કાલાવડ રોડ પરના ચા-પાનની દુકાનો, સ્ટોલ, હોટેલો ખાતે ચેકીંગ કર્યુ હતું. જેમાં ચાના બે સ્ટોલ પર અનલોક-૨ના જાહેરનામાનો અને નિયમોનો ભંગ થતો જણાતા કાર્યવાહી કરવામાં આવી હતી.

અનલોક-ર અંગેના જાહેરનામાનો ભંગ કરી પોતાના ટી સ્ટોલ ખાતે આવતા ગ્રાહકોને સ્થળપરજ ચા-પાણી આપી ત્યા ભીડ એકઠી કરી સોશીયલ ડીસ્ટનસનું પાલન નહીં કરાવી કોરોના વાયરસની મહામારી ફેલાય તેવી ગંભી બેદરકારી દાખવેલ હોઇ તેના વિરૂધ્ધ ગુન્હો દાખલ કરાવાયો છે.

સરકાર દ્રારા જાહેર થયેલા અનલોક-રમાં ધંધા રોજગાર માટે ઘણી છુટછાટ નિયમોનું પાલન કરવાની શરતે આપવામા આવેલ છે. તેમ છતા ધણા લોકો પોતાના ધંધા રોજગાર દરમ્યાન પોતાના ધંધાના સ્થળે લોકોની ભીડ એકઠી થતી હોય તે રીતે ધંધો રોજગાર ચાલુ રાખે છે. જે ખુબજ ગંભીર બાબત છે. માર્ગદર્શીકાનુ ચુસ્તપણે પાલન કરવુ તે ખુબજ જરૂરી છે. ધંધા  રોજગારના સ્થળે લોકોની ભીડ એકઠી ન થાય તે માટેની તમામ વ્યવસ્થા જે તે વેપારી-સંચાલકની રહેશે. કોઇ ગંભીર બેદરકારી ધ્યાનમાં આવ્યે તેના વિરૂધ્ધ રાજકોટ શહેર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

(4:07 pm IST)