રાજકોટ
News of Friday, 3rd July 2020

કલેકટર કચેરી બહાર ભારતીય કિસાન સંઘની ફરી ધમાલ કપાસના કોથળા લાવી રોડ ઉપર ઘાઃ હવામાં ઉલાળ્યા

પોલીસ સાથે ઝપાઝપી-માથાકુટઃ ૧પ થી વધુની અટકાયતઃ પોલીસે કલેકટર કચેરીમાં પ્રવેશવા ન દીધા... : સીસીઆઇએ કપાસની ખરીદી બંધ કરતા ખેડૂતો આર્થિક પાયમાલીમાં ધકેલાયાના આવેદનમાં આક્ષેપો

કલેકટર કચેરી બહાર ભારતીય કિસાન સંઘના રાજકોટ એકમે આજે કપાસની ખરીદીના મુદ્દે ભારે ધમાલ કરી હતી, કપાસના કોથળાના ઘા કર્યા હતા, રૂ હવામાં ઉલાળતા આખો રોડ ભરાઇ ગયો હતો, ટ્રાફીક જામ થઇ ગયો હતો, પોલીસ સાથે ઝપાઝપી થઇ હતી તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૩: ભારતીય કિસાન સંઘના રાજકોટ એકમે આજે કલેકટર કચેરી બહાર કપાસની ખરીદીને મુદ્ે ફરી ધમાલ કરી હતી, આવેદનપત્ર આપવાની જાહેરાત કરાઇ પરંતુ પોલીસે પહોંચી જઇ રેલીની મંજુરીનો હોય કપાસ સાથે આવેલા કિસાન સંઘના આગેવાન દિલીપ સખીયા અને અન્ય ૧પ થી ૧૭ લોકોની અટકાયત કરી લીધી હતી, અટકાયત સમયે પોલીસ અને કિસાન સંઘના આગેવાનો વચ્ચે બોલાચાલી થઇ હતી, ઝપાઝપીની ઘટના બની હતી, પરંતુ આગેવાનો કલેકટર કચેરીમાં પ્રવેશ કરી શકયા ન હતા.

કિસાન સંઘે માંગણી કરી હતી કે, આવી કોરોનાની માહામારીના સમયમાં ખેડૂતોએ પોતાની જણસના ભાવને લઇને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડેલ છે. એવા સમયે સી.સી.આઇ. એ કપાસની ખરીદી બંધ કરીને ખેડૂતો પર કઠોરઘાત અન્યાય કરી ખેડૂતોને આર્થીક પાયમાલીમાં ધકેલવાનો નિર્ણય કરેલ છે. આ નિર્ણયને રાજકોટ જીલ્લા કિસાન સંઘ સખત શબ્દોમાં વખોડે છે.

સરકારે ટેકાના ભાવની દરેક જણસની અંદર આ વર્ષે ખેડૂતોને ઘણો બધો અન્યાય કરેલ છે જેમ કે ચણાની ચાલુ વર્ષની ચાલુ ખરીદીમાં રાતોરાત ૧રપ માંથી માત્ર ર૭ મણ ખરીદવાનો નિર્ણય કરી ખેડૂતો પર અત્યાર કરેલ છે. અને હવે સી.સી.આઇ. દ્વારા કપાસની ખરીદીમાં ઘણા તાલુકામાં હજી પ૦% થી પણ વધારે ખેડૂતોના કપાસની ખરીદી બાકી છે. આ ગોકળગાયથી ચાલતી ખરીદીથી ખેડૂતોને ઘણી મુશ્કેલીઓ પડેલી છે. અને હાલ સી.સી.આઇ. એ કપાસની ખરીદી ચાલુ વર્ષે બંધ કરવાનો નિર્ણય કરેલ છે. હજી જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે અને ઘણા સમયથી પોતાની ખરીદીના વારાની વાટ જોઇને બેઠેલા છે તેવા જગતના તાતને હવે શું કરવું. આવા ખેડૂતોને વધારે તકલીફ ન પડે તો આ નિર્ણયમાં તુરંત ફેરફાર કરી સી.સી.આઇ. ફરીથી ખરીદી શરૂ કરે એવી અમો દૃઢતા પૂર્વક માંગણી કરીએ છીએ.

કિસાન સંઘના આગેવાનોએ કચેરી બહાર કોથળામાં લાવેલ કપાસના રોડ ઉપર ઘા કર્યા હતા, હવામાં કપાસ ઉલાળ્યો હતો, સરકાર વિરૂધ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર-દેખાવો કરતા ટ્રાફીક જામ થઇ ગયો હતો, આ પછી આ લોકોની અટકાયત કરી લેવાઇ હતી. આ દેખાવોમાં અગ્રણીઓ સવર્ડશ્રી પ્રમુખ દિલીપભાઇ સખીયા, રમેશભાઇ ચોવટીયા, લલીતભાઇ ગોંડલીયા, ઠાકરશીભાઇ પીપળીયા, રમેશભાઇ હાપલીયા, ધર્મેશભાઇ સોરઠીયા, બચુભાઇ ધામી, માધુભાઇ પાંભર, શૈલેશભાઇ સીદપરા, અશોકભાઇ મોલીયા, ભુપતભાઇ કાકડિયા, ભાવેશભાઇ રૈયાણી વિગેરે જોડાયા હતા.

(3:15 pm IST)