રાજકોટ
News of Friday, 3rd July 2020

હાથીખાના રોડ કોમ્પલેક્ષમાં આર.ટી.આઇ એકટીવીસ્ટના ફલેટમાં ચોરીનો પ્રયાસ

તસ્કરોએ ડૂપ્લીકેટ ચાવીથી લોક ખોલી રૂમમાં સામાન વેરવીખેર કર્યો

રાજકોટ,તા.૩: શહેરના રામનાથપરા હાથીખાના મેઇન રોડ પર રામ મઢી મંદિર પાસે રહેતા આર.ટી.આઇ એકટીવીસ્ટના ફલેટનો તસ્કરોએ નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ હાથીખાના મેઇન રોડ પર આઇશ્રી ખોડીયાર કૃપા કોમ્પ્લેક્ષના ત્રીજા માળે રહેતા જમીન મકાન લે-વેચનું કામ કરતા અને આર.ટી.આઇન એકટીવીસ્ટ કમલેશ સુરેશભાઇ કાનગડ (ઉવ.૩૬)એ એ ડીવીઝન મથકમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઇ કાલે બપોરે પોતે ઘરેથી નીકળી બાઇક લઇને દીગ્વીજય રોડ પર પોતાના કુટુંબીક ભાઇની દકાને ગયા હતા. થોડી વાર બાદ પોતાના બંને દીકરા સાયકલ લઇને ત્યાં આવ્યા અને પત્ની ચેતના બેનનો પણ ફોન આવ્યો તેણે કહેલ કે હું તાળુ મારીને બજારમાં ગયેલ બાદ પરત આવ્યા ત્યારે દરવાજાનું તાળુ ગાયબ જોતા પોતે અંદર જોતા સામાન વેરવીખેર છે. તેમ કહેતા પોતે તુરત જ પોતાના ઘરે ગયેલ અને અંદર જોતા બંને રૂમમાં સામાન વેરવીખેર જોવા મળતા તપાસ કરતા કોઇ ચીજવસ્તુ ચોરાઇ ન હતી. આથી કોઇ અજાણ્યા શખ્સે ડુપ્લીકેટ ચાવીથી તાળુ ખોલી પ્રવેશ કરી સામાન વેરવીખેર કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ અંગે એ ડીવીઝન ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:05 pm IST)