રાજકોટ
News of Friday, 3rd July 2020

ઘોડાને ફડાકા મારનાર પોલીસ ભાજપના કાર્યકરને ફડાકા મારી બતાવશે?

અશ્વને ફડાકા મારનાર રાજકોટ પોલીસ ભાજપની કાર્યકર છે !! શું પેટ્રોલ - ડિઝલના ભાવ વધારાનો વિરોધ કરવો એ ગુન્હો છે : પોલીસ કમિશ્નર શું હોમ કવોરન્ટાઈન થઈ ગયા છે? સ્ટાફ સામે પગલા કેમ નહિં? રાજકોટમાં પોલીસ તંત્રની દાદાગીરી સામે અતુલ રાજાણી, મિતુલ દોંગા આકરા પાણીએ : નિર્દોષ નાગરીકો પાસેથી દંડ વસૂલવો એ જ હવે પોલીસની કામગીરી રહી છે?

રાજકોટ : તાજેતરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડિઝલના ભાવમાં અસહ્ય અને અભૂતપૂર્વ ભાવવધારા બદલ વિરોધ પ્રદર્શન કરવા માટે ઘોડા અને સાયકલ સવારી કરી આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. આ વેળાએ રાજકોટના પોલીસકર્મીઓ દ્વારા ઘોડા પર જઈ રહેલા કોંગી આગેવાન રાજદીપસિંહ જાડેજાને અટકાવીને તેમની સાથે અત્યંત બેહુદુ અને અપમાનજનક વર્તન કરી દૈવી પ્રાણી એવા નિર્દોષ અશ્વને ફડાકા મારીને અત્યંત હિનતા  ભર્યુ કૃત્ય કરવામાં આવ્યુ છે જે ટીકાપાત્ર, નિંદનીય અને વખોડવા લાયક છે. શું વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારત દેશના સૌથી જૂના રાજકીય પક્ષને પ્રજાના પ્રશ્ને વિરોધ કરવાનો પણ હક્ક નથી? તેવો સવાલ અતુલ રાજાણી અને મિતુલ દોંગાએ ઉઠાવ્યો છે.

ઘોડાને ફડાકા મારના ૨ પોલીસ કર્મીઓ ભાજપના સામાન્ય કાર્યકરને ફડાકા મારી બતાવે તો અમે તે પોલીસ કર્મીઓનું જાહેર સન્માન કરીશુ. રાજકોટ પોલીસ સ્ટાફના વાણી - વર્તન અને વ્યવહાર ભાજપના કાર્યકર જેવા થઈ ગયા છે. દૈવી પ્રાણી અશ્વને ફડાકા મારનાર પોલીસકર્મી ભાજપના કાર્યકરની જ વ્યાખ્યામાં આવે છે. શું પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાનો વિરોધ કરવો એ કોઈ ગુન્હો છે?

અતુલ રાજાણી અને મિતુલ દોંગાએ વધુમાં જણાવેલ કે રાજકોટ શહેરમાં હવે પોલીસની દાદાગીરી હવે બેફામ બની ગઈ છે. ફકત નિર્દોષ નાગરીકોને રોકીને તેમની પાસેથી દંડ વસૂલવા સિવાય પોલીસ પાસે કોઈ કામગીરી રહી નથી. ઘોડાને માર મારનાર પોલીસ કર્મી સામે ખાતાકીય તપાસના આદેશ જાહેર કરીને શિક્ષાત્મક કાર્યવાહી થશે કે નહિં?

અંતમાં અતુલ રાજાણી અને મિતુલ દોંગાએ જણાવ્યુ છે કે રાજકોટ શહેરમાં જો રાજકીય આગેવાનો સાથે આવુ બેહુદુ વર્તન થતુ હોય અને પ્રાણીઓને પણ પોલીસ માર મારતી હોય તો સામાન્ય શહેરીજનો સાથે કેવુ વર્તન થતુ હશે? સમજી શકાય તેવી વાત છે. લોકશાહીમાં લોકોનો અવાજ રૃંધવાનું હીન કૃત્ય કરી રહી છે. દંડના ઉઘરાણા અને તોડ કરવા સિવાય પોલીસ પાસે બીજી કોઈ જ કામગીરી રહી નથી. જયારે પોલીસ સ્ટાફ ભાજપની ઝપટે ચડશે ત્યારે કદાચ તેમની આંખો ઉઘડશે. તેમ યાદીના અંતમાં જણાવાયુ છે.

(2:57 pm IST)