રાજકોટ
News of Wednesday, 3rd June 2020

હવે માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા નહીં

કમિશ્નરના નેતૃત્વમાં ૨૦૦ કર્મચારીઓની ફોજ હાથ ધરશે કડક ચેકીંગ : માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળશો તો રૂ. ૨૦૦નો ચાંદલો કરવો પડશેઃ હાલ નિયમભંગના ૫૦થી વધુ સરેરાશ કેસ થઇ રહ્ય છે

રાજકોટ તા. ૩ :.. કોરોનાં સંક્રમણ રોકવા હવે બહાર ફરતાં તમામ લોકોએ માસ્ક પહેરવો ફરજીયાત બની ગયો છે. કેમ કે હવે અનલોક-૧.૦ માં સરકારે બજારો ખોલી નાંખતા દરરોજ લાખો લોકોની અવર - જવર જાહેરમાં થઇ રહી છે. ત્યારે હવે માસ્કનું ચેકીંગ વધુ કડક બનાવવા આવતીકાલથી ખુદ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ મેદાનમાં ઉતરશે.

આ અંગે મ્યુ. કમિશનર શ્રી અગ્રવાલે જણાવ્યુ હતું કે શહેરમાં હાલ ૮૦ ટકા જેટલા લોકો માસ્ક પહેરવા લાગ્યા છે. કોરોનાં સંક્રમણ રોકવામાં શહેરીજનો ભરપુર સહયોગ આપી રહ્યા છે. જેના કારણે કોરોનાં કન્ટ્રોલમાં છે. પરંતુ હવે શહેરના ૧૦૦ ટકા નાગરિકો માસ્ક પહેરતા થાય તે માટે તંત્ર કટીબધ્ધ બન્યું છે.

કેમ કે માસ્ક એ કોરોનાથી બચવાનું સરળ અન સચોટ હથિયાર છે. અને તેનાં કારણે સંક્રમણ થતુ અટકે છે.

શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે હાલમાં શહેરનાં ૧૮ વોર્ડમાં માસ્કનું ચેકીંગ ચાલુ જ છે અને  દરરોજ સરેરાશ પ૦ થી ૬૦ વ્યકિતઓ માસ્ક પહેર્યા વગર ઝડપાયા છે. આ માત્ર ચેક પોસ્ટ ઉપરનાં ચેકીંગ દરમિયાન ઝડપાયા છે. ત્યારે હજુ પણ હજારો વ્યકિતઓ માસ્ક પહેર્યા વગર ફરે છે. જે જોખમી કહેવાય.

આથી આવતીકાલે માસ્કનું ચેકીંગ કરવા ર૦૦ કર્મચારીઓની ટૂકડી શહેરભરનાં રાજમાર્ગો ઉપર ફરી વળશે અને જે કોઇ માસ્ક વગર ઝડપાશે. તેને  રૂ. ર૦૦નો દંડ ફટકારશે.

ખુદ મ્યુ. કમીશનર ઉદિત અગ્રવાલ પણ માસ્ક ચેકીંગની કાર્યવાહીમાં જોડાશે.

અંતમાં શ્રી અગ્રવાલે અપીલ કરી છે કે જાહેરનામા મુજબ રાજકોટ શહેરની હદમાં જાહેરમાં ફરતી વ્યકિતઓએ નાક અને મોઢુ ઢંકાય તેટલો માસ્ક પહેરવો ફરજીયાત છે.

 માસ્કનાં બદલે રૂમાલ-ચૂંદડી અથવા કપડાનો માસ્ક બનાવીને પણ પહેરી શકાય માટે સૌ માસ્ક પહેરીને જ બહાર નિકળે.

(3:54 pm IST)