રાજકોટ
News of Monday, 3rd May 2021

રાજકોટના હનીટ્રેપ કેસમાં આરોપીઓની જામીન અરજીને ફગાવી દેતી અદાલત

રાજકોટ, તા., ૩: મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા ફરીયાદી નીતીનભાઇ મગનભાઇ દેત્રોજાનાઓને હનીટ્રેપમાં ફસાવાનો પ્રયાસ કરી રૂપીયા અઢી લાખ પડાવવાનો કારસો રચનાર ટોળકીમાં સામેલ જાનકીબેન કનકભાઇ, ઉર્વેશભાઇ રમેશભાઇ ગજેરા, ગીતાબેન ગજરાજભાઇ ગોસ્વામી, જીલુબેન કાસમભાઇ લધડ, ગીતાબેન મહેશગીરી ગોસ્વામીનાઓની જામીન મેળવવાની અરજી ન્યાયાધીશશ્રી એમ.એસ.અમલાણીનાઓએ નામંજુર કરેલ છે.

આ બનાવની વીગત મુજબ આ ટોળકીએ ફરીયાદી વિરૂધ્ધ પુર્વ આયોજીત પ્લાન બનાવી આ કામના ફરીયાદી કે જેઓ ખેડુત છે તેઓના મોબાઇલ ફોન ઉપર આ કામના આરોપી જાનકી બેને સંપર્ક કરી ફરીયાદીને અન્ય બહાના તળે બોલાવી પોલીસ તરીકેની ખોી ઓળખ આપી આરોપીઓએ ફરીયાદીને બે ત્રણ જાપટ મારી ગાળો આપી બળાત્કારના ખોટા ગુનામાં ફીટ કરી દેવાની અને પોલીસ ફરીયાદ કરવાની ધમકી આપી ફરીયાદીને અલગ અલગ જગ્યાએ બોલાવી છેલ્લે મોગલ માંના મંદિરની બાજુમાં આવેલ રૂમમાં ગેરકાયદેસર રીતે ગોંધી રાખી રૂપીયા અઢી લાખ બળજબરીથી પડાવવા ધમકી આપી ફરીયાદીનું આધાર કાર્ડ બળજબરીથી લઇ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો તે બાબતની ફરીયાદ ફરીયાદીએ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં રૂબરૂ નોંધાવેલ.

ત્યાર બાદ આજી ડેમ પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજુ કરાતા આરોપીઓ તરફે કોર્ટમાં જામીન મેળવવાની અરજી કરતા બંને પક્ષોની દલીલો સાંભળવામાં આવેલી.

 ત્યાર બાદ નામદાર કોર્ટે નોંધેલુ કે હાલના પ્રવર્તમાન સમયમાં આ પ્રકારના કીસ્સા વધતા જતા હોય તથા આરોપીઓ સામેના આક્ષેપો જોતા ન્યાયાધીશશ્રી એમ.એસ.અમલાણીનાઓએ તેઓ તમામની અરજી નામંજુર કરી તમામને જેલ હવાલે કરવામાં આવેલા હતા.

(3:36 pm IST)