રાજકોટ
News of Monday, 3rd May 2021

ફરી પાન-ફાકી-તમાકુ-ગુટકા-સિગારેટના કાળાબજાર શરૂ થયાઃ ''બંધાણી''ઓનો શોખ પુરો કરવા દોડધામ

સ્ટોક હોવા છતાં કૃત્રિમ અછત સર્જી વધુ પૈસાની થાય છે વસુલાત

રાજકોટ તા. ૩: શહેરમાં આંશિક લોકડાઉન થતા ફરીથી માવા, ગુટકા, તમાકુ, સિગારેટ વગેરે ટોબેકો વસ્તુની કાળા બજારી શરૂ થઇ છે. ટોબેકો અને ગલ્લાવાળાઓએ બંધાણીઓને લૂંટવાનું શરૂ કર્યું છે. શહેરમાં ગુટકા, સોપારી, તમાકુ, ચુનો, સિગારેટની આવક શરૂ હોવા છતાં નફાખોર ટોબેકો સંચાલકોએ સંગ્રહખોરી શરૂ કરી દીધો છે. તેમણે દરેક વસ્તુમાં ભાવ વધારી દેતા ગલ્લાવાળા ગ્રાહકો પાસે વધુ પૈસા વસૂલી રહ્યા છે. આગામી દિવસોમાં લોકડાઉન લંબાશે તો ભાવોમાં હજી વધારો થવાની સંભાવના છે.

શહેરમાં કોરોનાએ ફરીથી કેર મચાવ્યો છે. તેથી ગત તા. ર૮ એપ્રિલથી આંશિક લોકડાઉન કરવામાં આવ્યું છે. ચા અને પાનના ગલ્લા સહિતની દુકાનો બંધ કરવામાં આવ્યા છે. તેથી શહેરમાં ફરીથી માવા, ગુટકા, તમાકુ અને સિગારેટની કાળા બજારી શરૂ થઇ છે. ટોબેકો અને ગલ્લાવાળા લેભાગુ તત્વોએ બંધાણીઓને લુંટવાનું શરૂ કરી દીધું છે. આશિક લોકડાઉન હોવાથી શહેરમાં ટોબેકોમાં માલ આવે છે. તેમની પાસે પુરતો સ્ટોક હોવા છતાં કૃત્રિમ અછત સર્જીને વધુ પૈસા વસુલ કરે છે. સામાન્ય દિવસોમાં રૂ. ૧૦ થી રૂ. ૧ર માં મળતો ૧૩પ તમાકુના માવાના હાલમાં રૂ. ૧પ થી ર૦ વસૂલવામાં આવે છે. શહેરમાં ગુટકાના પણ ધુમ કાળા બજાર થઇ રહ્યા છે. રૂ. પ, ૧૦ અને ૧પ માં મળતા વિમલ ગુટકાના અનુક્રમે રૂ. ૮, ૧પ, અને ર૦ વસૂલવામાં આવે છે. આરએમડીના રૂ. ૧રના બદલે રૂ. ૧પ અને રપ લઇને ગ્રાહકોને લૂંટવામાં આવે છે. પ રૂપિયાની તાનસેનના રૂ. ૮ આવે છે. રજનીગંધાના રૂ. પ, ૧૦, ૧૮, ૬૦ અને ૩૦૦ની જગ્યાએ રૂ. ૮, ૧પ, ૩૦, ૧૦૦  અને ૪પ૦ સુધી ખંખેરવામાં આવે છે. ૧૦ સિગારેટ બિસ્ટોલના પેકેટના રૂ. ૬પ ના બદલે ૮૦ થી ૧૦૦, ફોર સ્કવેરના રૂ. ૮પ ના બદલે ૧૦૦ થી ૧ર૦ લેવામાં આવે છે.

(3:28 pm IST)