રાજકોટ
News of Monday, 3rd May 2021

સિવિલ હોસ્પિટલમાં કાબીલેદાદ સેવા ચાલુ છે, ખરાઇ કર્યા વગર નકારાત્મક વાતોમાં આવી જતાં નહિ

સોશિયલ મિડીયામાં વાયરલ થયેલો મેસેજ લોકોને પોતાના કોરોનાગ્રસ્ત સ્વજનને સિવિલ હોસ્પિટલમાં લઇ જવા પ્રેરી રહ્યો છેઃ વેન્ટીલેટર, ઓકિસજન, રેમડેસિવિર એમ બધુ જ મફત

રાજકોટ તા. ૩: શહેરની પંડિત દિનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં હાલમાં કોરોનાના સેંકડો દર્દીઓની સારવાર થઇ રહી છે અને અનેક સાજા પણ થઇ રહ્યા છે. દરરોજ જામતી કતારો, સ્વજનોના મૃત્યુને કારણે સર્જાતા આક્રંદના કરૂણ દ્રશ્યો અને બીજી અવ્યસ્થા સહિતની નકારાત્મક બાબતો બહુ ઝડપથી લોકો સુધી પહોંચી જાય છે, સિવિલમાં દાખલ થવા આવનારા માટે કોઇ વ્યવસ્થા નથી, ઓકિસજન નથી, બેડ નથી...આવી ઘણીબધી વાતો ફરતી રહે છે. આ વચ્ચે સિવિલમાં કોરોનાના દર્દીઓ માટે કેવી કાબીલેદાદ સારવારની સુવિધા છે, તંત્રવાહકો શું કરી રહ્યા છે, દર્દીઓ અને તેમના સગાનો કેવો ખ્યાલ રાખી રહ્યા છે તેની સારી વાત રજૂ કરતો એક મેસેજ સોશિયલ મિડીયામાં ખુબ વાયરલ થયો છે. જે અહિ પ્રસ્તુત છે.

સિવિલમાં કાબિલે દાદ સેવા ચાલુ છે, છેલ્લા બે દિવસોમાં ઓછામાં ઓછાં ત્રણ નજીકના સગાને દાખલ કરવા પડ્યા ત્યારે ત્યાં લાઈનમાં ઉભા રહેવા દર્દીની બદલે બીજા લોકોને મોકલ્યા ત્યારે ખબર પડી કે સાલું જે રીતે સિવિલની વાતોને  ચગાવાય છે તેના કરતા સાવ અલગ જ સ્થિતિ છે. રાત્રે ૯૦મો વારો હતો. લાઈનમાં ઉભા રહ્યા પછી ત્રણ કલાકે કહી દેવામાં આવ્યું કે દર્દીને તમતમારે બોલાવી લો. ઘરે ઓકિસજન હતો જ તેથી બાટલા સાથે ત્યાં બોલાવી લીધાં. થોડી વાર લાઈન માં રહ્યા ત્યાં તો સુખદ દ્રશ્ય અને કાનને માન્યામાં ન આવે તેવો મીઠો અવાજ દેતા એક ભાઈ બોલ્યા જે દર્દીને ઓકિસજન ખાલી થવા પર હોય તેને લાવો અહીં ભરી દઈએ!

રિફિલ કીટ સાથે છોટાહાથી જેવું વાહન હતું અને દરેકના બાટલા તેઓ જાતે ચેક કરવા લાગ્યા, અમે કહ્યું કે અમારે તો વાંધો નથી સાહેબ અમારે તો ભરેલો જ છે તેમ છતાં એ લોકોએઅમારા બાટલાનું પ્રેશર ચેક કર્યું! અને હા બંને પેશન્ટને ત્યાંથી બેડ મળ્યો સગાને ઘરે જવા કહ્યું અને એક કાર્ડ બનાવી આપ્યું, એ કાર્ડમાં દર્દીનો પેશન્ટ નંબર અને હોસ્પિટલના ૨૪કલાક સેવાના નંબર હતાં.

અત્યાર સુધીમાં લગભગ દસેક વખત ફોન કરીને દર્દીના હાલ જાણ્યા અમારે ફકત કાર્ડમાં આપેલો દર્દીનો નંબર જ કહેવાનો સામે છેડે થી દર્દીનું નામ એ લોકો કહે. અત્યારની તેની સ્થિતિ અને બેડ નંબર કહે અને દર્દી સાથે વાત પણ કરાવે. અને હા એક વાત તો કહેવાનું જ ભૂલાયું ચોધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડ માં લાઈનમાં હતા તે દરમ્યાન સામે ઉભા કરેલા મંડપમાં બિસ્કીટ ના પેકેટ, બાલાજી ના બધા પડિકાઓ, સતત બનતી ગરમા ગરમ ચા, પાણીની બોટલ, બધું જ અનલિમિટેડ ફ્રીમાં, કોઈ પુછનાર કે આપનારૂ નહિ પણ જાતે જોઈએ તેટલું લઇ લો નો લિમિટ!

મારા સગા સાળા બે દિવસ પહેલા જૂનાગઢ દાખલ થયેલ સારવાર સારી હતી પણ વેન્ટિલેટરની જરૂર ઉભી થઈ, પણ ત્યાં નહોતું અને રાજકોટ  જઇશું  તો હેરાન થઇશું વારો નહિ આવે એવું બધું વહેતી થયેલી વાતો પરથી માની લીધું અને ના આવ્યા અંતે ગુજરી ગયા.  જો આ વ્યવસ્થાની પહેલાં જાણ હોત અથવા ખરાઈ કરી હોત તો સારું થાત એવો નિશાસો નીકળી ગયો મોઢામાંથી.

અનુભવ પરથી બધાને વિનંતી કરું છું કે ફકત અફવાઓમાં આવીને અમારી જેમ કોશિષ કર્યા વગર જતું ના કરતાં. જીવ બચી જશે, જે નકારત્મકતા ફેલાવાય છે તેના કરતા અલગ જ વ્યવસ્થા છેસિવિલમાં. હા દર્દી ની સંખ્યાના ઘસારા પ્રમાણે કદાચ ક્યારેક વેઇટિંગ થોડું લાંબુ થાય, પણ એ તંત્રના કે આપણા કોઇના હાથમાં નથી. (થોડા દિવસો પહેલાં સ્થિતિ ખરાબ પણ હતી અને વસ્તુઓનો અભાવ પણ હતો અત્યારે પૂરતો સ્ટોક છે અને ડે.કલેકટર જાતે ત્યાં બેઠાછે અને ટોટલ કન્ટ્રોલ તેના હાથમાં છે રેમડેસિવિર ઇન્જેકશન કે વેન્ટિલેટરથી લઈને કોઈ પણ દવાનો ચાર્જ નથી આપવાનો કે નથી તમારે જાતે વ્યવસ્થા કરવાની)

(3:27 pm IST)