રાજકોટ
News of Monday, 3rd May 2021

જન્મ-મરણના પ્રમાણપત્રો ઓનલાઇન મળશે

૧ ઓકટોબર-ર૦ર૦ થી તમામ નોંધણીના સર્ટીફીકેટ ડાઉનલોડ કરી શકાશે : સીટી સીવીક સેન્ટર ખાતેથી પણ મળશે

રાજકોટ, તા. ૩ : જન્મ અને મરણ નોંધણીની પ્રક્રીયા હાલ રાજ્ય સરકારશ્રીના વેબ પોર્ટલ eOlakh માં કરવામાં આવે છે. આ નોંધણીની પ્રક્રીયા સંપુર્ણ Online છે જેથી દરેક હોસ્પીટલ દ્વારા બનતા જન્મ કે મરણના બનાવોની નોંધ આજ પોર્ટલમાં કરવામાં આવે છે.

હાલની પરિસ્થીતીને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા આજ પોર્ટલમાંથી જાહેર જનતાને ઘરે બેઠા જન્મ કે મરણના પ્રમાણપત્રો Online ડાઉનલોડ કરવાની સુવિધા ઉપલ્બ્ધ કરવામાં આવેલ છે. જે સુવિધા ૧-ઓકટોબર, ૨૦૨૦થી તમામ નોંધણીમાં લાગુ પડશે. જે સેવામાં પ્રમાણપત્ર ફકત ડાઉનલોડ કરી શકાશે, જેમાં કોઇ સુધારા કરી શકાશે નહી. આ સુવિધાનો લાભ આજથી જ શરૂ કરવામાં આવેલ છે. રજીસ્ટર મોબાઇલ નંબર હોસ્પીટલમાં ચોક્કસ દાખલ કરાવવો અથવા હોસ્પીટલ પાસેથી એપ્લીકેશન નંબર મેળવી લેવો જેથી ડાઉનલોડ કરવામાં સરળતા રહેશે તેમ મ.ન.પાની સત્તાવાર યાદીમાં જણાવાયું હતું.

પ્રમાણપત્ર કઇ રીતે મેળવશો

WWW.EOLAKH.GUJARAT. GOV.IN સાઇટ મોબાઇલમાં કે કોમ્પ્યુટરમાં ઓપન કરવાની રહેશે.

આ સાઇટ ઓપન કરતા હોમ પેઇજ પર સિટીઝન સેન્ટરમાંથી ડાઉનલોડ સર્ટીફીકેટ માં કલીક કરવાનું રહેશે

ત્યારબાદ જે પ્રમાણપત્ર જોઇતુ હોય તે સિલેકટ કરવાનું જેમ કે બર્થ અથવા ડેથ

સિલેકટ કર્યાબાદ કેવી રીતે શોધવુ જેમ કે મોબાઇલ નંબર અથવા એપ્લીકેશન નંબર આ પૈકી કોઇ એક વિગત દાખલ કરી સર્ચ કરવાનું રહેશે

ત્યારબાદ નીચે વિગત બતાવશે જેમાં ડાઉનલોડ કરવાનો ઓપશન આવશે જે ડાઉનલોડ કર્યેથી આપનું પ્રમાણપત્ર મોબાઇલ અથવા કોમ્પ્યુટરમાં તૈયાર હશે.

(3:22 pm IST)