રાજકોટ
News of Monday, 3rd May 2021

કોરોનાની સારવાર લેનાર ધારાશાસ્ત્રીઓને ૯૦ લાખની રકમ ચુકવવા બાર કાઉન્સીલનો નિર્ણય

રાજકોટ,તા. ૩: બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના ચેરમેન હીરાભાઈ એસ પટેલ, બી. સી. આઈ. રૂલ-૪૦ કમિટીના ચેરમેન દિલીપ કે પટેલ, સભ્યશ્રી દીપેન કે દવે, શ્રી કરણ સિંહ બી વાઘેલા, વાઇસ ચેરમેન શંકરસિંહ એસ ગોહિલ તથા સભ્ય શ્રી અનિલ કેલ્લાની આજરોજ સંયુકત મિટિંગ યોજાયેલ જેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા તા ૨૩.૦૪.ર૦ર૧ ના રોજ ગુજરાતના કોરોનામાં મૃત્યુ પામનાર વેલ્ફેર ફંડના કાયમી ધાસાશાસ્ત્રીઓને રૂપિયા ૧ લાખ ત્વરિત ચૂકવવાનો તેમજ કોરોના મહામારીનો ભોગ બનેલ ધારાશાસ્ત્રીઓને હોસ્પિટલમાં અથવા હોમ આઇસોલ્સનમાં પણ સારવાર કરાવેલ હોય તેવા ધારાશાસ્ત્રીઓને તેમના મેડિકલ ખર્ચના પ્રમાણમાં રૂપિયા ૩૦, ૦૦૦ સુધીની ત્વરિત સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવેલ.

જે અનુસંધાને આજ રોજ મળેલ મિટિંગમાં ૭૧૦ જેટલી કોરોના મહામારીનો ભોગ ધારાશાસ્ત્રીઓની અરજીઓ બાર કાઉન્સિલમાં ઈ-મેઈલ દ્વારા આવેલ જેમાં ૭૪ જેટલા ધારાશાસ્ત્રીઓને હોસ્પિટલમાં સારવાર લીધેલ અને અન્ય ૬૩૫ ઉપરાંતના ધારાશાસ્ત્રીઓ એ હોમ આઇસોલેશનમાં સારવાર લીધેલ જેમાં ગુજરાતના ૭૪ જેટલા ધારાશાસ્રીઓએ હોસ્પિટલમાં સારવાર લીધેલ જેમાં તેમના મેડિકલ બિલો ને ધ્યાને લઈ રૂપિયા ૩૦૦૦૦ ત્વરિત ચૂકવવાનો નિર્ણય કરવામાં આવેલ. જયારે બાકીના ધારાશાસ્ત્રીઓને તેમના દ્વારા કરવામાં આવેલ નિયત મેડિકલ ખર્ચની સહાય ચૂકવવાનો નિર્ણય કરેલ તેમજ હોમ આઇસોલેશનમાં મેડિકલ બિલ ના હોય તેવા કિસ્સામાં પણ દરેક ધારાશાસ્ત્રીઓને રૂપિયા ૧૦૦૦૦ ત્વરિત ચૂકવવાનો નિર્ણય કરવામાં આવેલ. તેમજ જે ધારાશાસ્ત્રીઓને ૩૦૦૦૦ ઉપરાંતનો મેડિકલ ખર્ચ થયેલ છે તેવા ધારાશાસ્ત્રીઓને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ઇન્ડીજેન્ટ કમિટીને વધુ સહાય ચૂકવવા ભલામણ કરવામાં આવેલ છે

વધુમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફ થી કુલ ૯૦ લાખ જેટલી રકમ ત્વરિત તમામ કોરોના મહામારી નો ભોગ બનેલ ધારાશાસ્રીઓને ત્વરિત ચૂકવવાનો આજ રોજ નિર્ણય કરવામા આવેલ તેમજ તારીખ ૦૬.૦૫.૨૦૨૧ ના રોજ કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ ધારાશાસ્ત્રીઓની અરજી હાથ પર લઈ તે અંગે નિર્ણય કરવા આજની મિટિંગમાં નક્કી કરવામાં આવેલ. વેલ્ફેર કમિટિના ચેરમેન દિલીપભાઇ પટેલના આ સરાહનીય પગલાને સૌ કોઇ આવકારી રહેલ છે. અને વકીલોમાં ખુશીની લાગણી ઉભી થઇ છે.

(3:21 pm IST)