રાજકોટ
News of Friday, 3rd May 2019

તારા દિકરાએ ફરિયાદ કરી તેના સમાધાનના પાંચ લાખ આપ...કહી ઘરમાં ઘુસી બે શખ્સની ધમાલ

થોરાળાના ગોકુલપરામાં ધર્મેશ ચાવડા અને તેના ભાઇ કિરણનો રમેશભાઇ સાગઠીયા પર છરીથી હુમલોઃ તેના પત્નિને પણ મારકુટ કરી માથે જતાં ખૂનની ધમકી પણ દીધી

રાજકોટ તા. ૩: નવા થોરાળા ગોકુલપરા-૪માં રહેતાં અને કલરકામ કરતાં રમેશભાઇ દાનાભાઇ સાગઠીયા અને તેના પત્નિ કુસુમબેન પર આ વિસ્તારના જ ધર્મેશ આનંદભાઇ ચાવડા અને તેના ભાઇ કિરણે છરીથી હુમલો કરી તેમજ ઢીકા-પાટુનો માર મારી ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમજ પોતાના વિરૂધ્ધ અગાઉ ફરિયાદ કરી હોઇ તેના સમાધાન પેટે રૂ. ૫ લાખ માંગી ડખ્ખો કરતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે.

ગોકુલપરા-૪માં રહેતાં રમેશભાઇ સાગઠીયાની ફરિયાદ પરથી થોરાળા પોલીસે ધર્મેશ અને તેના ભાઇ સામે ગુનો નોંધ્યો છે. રમેશભાઇના પુત્ર શૈલેષને અગાઉ ધર્મેશે છરી ઝીંકી હોઇ તે અંગે તેણે પોલીસ ફરિયાદ કરી હતી. આ ફરિયાદનો ખાર રાખી ગઇકાલે ધર્મેશ અને કિરણે આવી રમેશભાઇના ઘરમાં પ્રવેશી 'તારા છોકરાએ મારી વિરૂધ્ધ ફરિયાદ શું કામ કરી હતી? હવે સમાધાનના પાંચ લાખ આપવા પડશે' તેમ કહી છરીથી હુમોલ કરી બંને હાથે છરકા કરી દીધા હતાં. તેમજ કુસુમબેન વચ્ચે પડતાં તેને પણ મારકુટ કરી હતી. થોરાળાના એએઅસાઇ જી.એલ. વાસાણીએ રમેશભાઇની ફરિયાદ નોંધી છે. 

(3:38 pm IST)