રાજકોટ
News of Wednesday, 3rd March 2021

લોઠડા નજીક બાઇક, કાર અને રિક્ષા વચ્ચે ટ્રીપલ અકસ્માતમાં યુવાન કલ્પેશ મારૂનું મોતઃ બે ઘવાયા

કર્ણાટક બહેનના સિમંત પ્રસંગમાં જઇ રહેલી પત્નિને રાજકોટ રેલ્વે સ્ટેશને મુકીને પરત પોતાના ગામ દેવળીયા જતો હતો ત્યારે રસ્તામાં કાળ ભેટ્યોઃ બે પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ બે બહેનનો એક જ ભાઇ હતો

રાજકોટ તા. ૩: કોઠારીયા ચોકડીથી આગળ લોઠડા નજીક રોડનું કામ ચાલી રહ્યું  છે તે સ્થળ નજીક કાર, બાઇક અને રિક્ષા વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાતા કોટડા સાંગાણીના દેવળીયા ગામના વાળંદ યુવાન કલ્પેશભાઇ વિઠ્ઠલભાઇ મારૂ (ઉ.વ.૩૫)નું ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે અન્ય બે યુવાનને ઇજા પહોંચી હતી.

જાણવા મળ્યા મુજબ દેવળીયા રહેતાં અને વાળંદ કામ કરી ગુજરાન ચલાવતાં કલ્પેશભાઇ મારૂના પત્નિ કવિતાબેન કર્ણાટક માવતર ધરાવતાં હોઇ ત્યાં તેમના બહેનનો સિમંત પ્રસંગ હોઇ તેને ત્યાં જવા માટે કલ્પેશભાઇ બાઇકમાં બેસાડી રાજકોટ રેલ્વે સ્ટેશને મુકવા આવ્યા હતાં. અહિથી પરત પોતાના ગામ જતાં હતાં ત્યારે લોઠડા પાસે કાર અને રિક્ષા સાથે બાઇકનો અકસ્માત સર્જાતા કલ્પેશભાઇને ગંભીર ઇજા થતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.

જ્યારે રિક્ષામાં બેઠેલા રાજકોટ કેસરી પુલ ખોડિયારનગરમાં રહેતાં રામ પુંજાભાઇ પરમાર (ઉ.વ.૩૦) તથા કોલેજવાડી-૮ના સુરેશભાઇ દેવજીભાઇ ચોૈહાણ (ઉ.વ.૪૧)ને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતાં. આ બંને કેટરર્સનું કામ કરતાં હોઇ લોઠડા તરફ જતાં હતાં ત્યારે અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ કાર રોડ નીચે ઉતરી ગઇ હતી. રિક્ષાનો બૂકડો બોલી ગયો હતો અને બાઇકમાં પણ નુકસાન થયું હતું.

મૃત્યુ પામનાર કલ્પેશભાઇ બે બહેનના  એકના એક ભાઇ અને પરિવારનો આધારસ્તંભ હતાં. સંતાનમાં પાંચ વર્ષ અને ત્રણ વર્ષના બે પુત્ર છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં કલ્પાંત સર્જાયો છે. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(4:14 pm IST)