રાજકોટ
News of Wednesday, 3rd March 2021

રાજકોટમાં નવી ટેકનોલોજીની મેટ્રો ટ્રેન સુવિધા વિકસાવાશે

મેટ્રોલાઇટ - મેટ્રોનીઓ જેવી ટેકનોલોજી : રાજકોટ સહિતના શહેરો માટે સ્‍માર્ટ સીટી યોજનાના ૭૦૦ કરોડની ફાળવણી

ગાંધીનગર તા. ૩ : રાજયમાં વધતાં વિકાસ સાથે ઝડપી શહેરીકરણની પ્રક્રિયા સાહજિક છે. સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના દ્વારા ગુજરાતના શહેરોમાં ઊભી કરવામાં આવેલ ૨૧મી સદીની અદ્યતન માળખાગત સુવિધાઓની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ લેવામાં આવેલ છે. સ્‍વચ્‍છ શહેર બાબતના સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં મેગા સિટીમાં અમદાવાદે પ્રથમ ક્રમે તો અન્‍ય શહેરોમાં સુરતે બીજો અને રાજકોટે ચોથો ક્રમ મેળવી રાજયનું ગૌરવ વધાર્યું છે. તદ્‌ઉપરાંત ગાંધીનગર શહેરને બેસ્‍ટ સિટી ઇન ઇનોવેશન એન્‍ડ બેસ્‍ટ પ્રેક્‍ટિસિસનો પુરસ્‍કાર મળેલ છે. શ્રી નીતિન પટેલે રાજકોટમાં આધુનિક ટેકનોલોજી આધારીત નવી મેટ્રો ટ્રેન સેવા શરૂ કરવા સહિતની નીચે મુજબ જાહેરાતો કરી હતી.

* સ્‍વર્ણિમ જયંતી મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજયની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળો માટે રૂા. ૪૫૬ ૩ કરોડની જોગવાઇ.

* વર્ષ ૨૦૨૨ સુધીમાં શહેરી વિસ્‍તારમાં સૌને આવાસ ઉપલબ્‍ધ કરાવવા નવા ૫૫,૩૦૦ આવાસોના નિર્માણ અર્થે સહાય માટે રૂા. ૯૦૦ કરોડની જોગવાઇ.

* અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર મહાનગરપાલિકાઓ તથા દાહોદ નગરપાલિકાને રમાર્ટ સિટી હેઠળ રૂા. ૭૦૦ કરોડની જોગવાઇ.

* અમૃત યોજના અંતર્ગત ૮ મહાનગરપાલિકા અને ૨૩ નગરપાલિકાઓમાં પાણી પુરવઠા, ગટર, વરસાદી પાણીનો નિકાલ અને પરિવહન જેવી સુવિધાઓ માટે રૂા. ૬પ૦ કરોડની જોગવાઇ.

* અમદાવાદ અને ગાંધીનગર તથા સુરત શહેર ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી) લિમિટેડ હેઠળ રૂા. ૫૬૮ કરોડની જોગવાઇ.

* સ્‍વચ્‍છ ભારત મિશન (અર્બન) તથા નિર્મળ ગુજરાત હેઠળ રૂા. ૨૦૦ કરોડની જોગવાઇ.

* દીન-દયાળ અંત્‍યોદય યોજના-નેશનલ અર્બન લાઇવ્‍લિહુડ મિશન હેઠળ રૂા. ૧૫૦ કરોડની જોગવાઇ.

* મુખ્‍યમંત્રી મહિલા ઉત્‍કર્ષ યોજના હેઠળ મહિલા ઉત્‍કર્ષ જૂથ બનાવી રૂા. ૧ લાખ સુધીનું સંપૂર્ણ વ્‍યાજ રહિત ધિરાણ આપવાની યોજના માટે રૂા. ૮૦ કરોડની જોગવાઇ.

* રાજયની નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર યોજનઓના માનવબળ રહિત સંચાલન અને નિભાવણી માટે રૂા. ૫૦ કરોકની જોગવાઇ.

* રાજયના અમદાવાદ, સુરત મહાનગર અને રાજયના પાટનગર એવા ગાંધીનગરમાં મેટ્રોનું આયોજન કરી દેવામાં આવેલ છે. રાજય મહાનગર એવા વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર શહેરોમાં પણ મેટ્રો લાઇટ-મેટ્રો નીઓ જેવી નવી ટેક્‍નોલોજીવાળી મેટ્રો સેવા પૂરી પાડવાનું આયોજન રાજય સરકારે હાથ ધર્યું છે. આ યોજના માટે રૂા. ૫૦ કરોડની જોગવાઇ.

* પ્રસિદ્ધ શક્‍તિપીઠ અંબાજીના સર્વગ્રાહી વિકાસ માટે એરિયા ડેવલપમેન્‍ટ ઓથોરીટીની રચના કરેલ છે. આ ઓથોરિટિ દ્વારા અંબાજી દેવસ્‍થાન વિસ્‍તારના વિકાસ નકશાઓ બનાવી આયોજનબદ્ધ રીતે અનેકવિધ કામો હાથ ધરવામાં આવશે. જે માટે રૂા. પ કરોડની જોગવાઇ.

(3:04 pm IST)