રાજકોટ
News of Saturday, 3rd March 2018

ગ્રાન્ડ મુરલીધર હોટલે રાજકોટની રાખી ધામેચા પર હુમલોઃ પર્સ પણ પડાવી લેવાયાનો આક્ષેપ

પોતે બહેનપણીઓ સાથે નાસ્તો કરવા ગઇ ત્યારે પ્રેમી સાથે મોટા અવાજે ફોનમાં વાત કરતી હોઇ કર્મચારીઓએ 'ગાળો કેમ બોલે છે?' કહી હુમલો કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૩: બજરંગવાડી શિતલ પાર્ક જાગૃતિ કોમ્પલેક્ષમાં પોતાના પ્રેમી દરબાર યુવાન સાથે લગ્ન વગર જ રહેતી પોપટપરાની રાખી હર્ષદભાઇ ધામેચા (ઉ.૨૦) નામની લોહાણા યુવતિ રાત્રે જામનગર રોડ પર ગ્રાન્ડ મુરલીધર હોટલે હતી ત્યારે હોટેલના માણસોએ ધોકાથી માર મારતાં સારવાર માટે દાખલ થઇ છે. પોતાનું મોબાઇલ ફોન અને રોકડ સાથેનું પર્સ પણ પડાવી લેવામાં આવ્યાનો આક્ષેપ તેણીએ કર્યો છે.

રાખી ધામેચાને રાત્રે તેના પ્રેમી રવિરાજસિંહ યોગેન્દ્રસિંહ ઝાલાએ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં ચોકીના સ્ટાફે એન્ટ્રી નોંધી પડધરી પોલીસને જાણ કરી હતી. રાખીએ જણાવ્યું હતું કે પોતે બહેનપણીઓ ચાંદની સોલંકી અને ગાયત્રીબા પરમાર સાથે એકટીવામાં ત્રણ સવારીમાં જામનગર ચાંદનીના બહેનના ઘરે ગઇ હતી. ત્યાંથી રાત્રે સાડા દસેક પરત આવતી વખતે ગ્રાન્ડ મુરલીધર હોટલ ખાતે નાસ્તો કરવા ઉભી હતી.

નીકળતી વખતે પોતે વોશરૂમ ગઇ ત્યારે રવિરાજસિંહનો ફોન આવતાં તેની સાથે પોતે ફોનમાં મોટા અવાજે વાત કરતી હોઇ હોટેલના સ્ટાફ અને બે મહિલા કર્મચારીએ આવી 'કેમ ગાળાગાળી કરે છે?' કહી ધોકાથી માર માર્યો હતો તેમજ પોતાનું પર્સ પણ પડાવી લીધુ હતું. પર્સમાં આઇફોન અને દસ-પંદર હજારની રોકડ હતી. બાદમાં રવિરાજસિંહને જાણ કરતાં તે આવી ગયેલ અને હોસ્પિટલે ખસેડી હતી. પોલીસે આ આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

રાખી ત્રણ બહેન અને એક ભાઇમાં મોટી છે. તેણીએ કહ્યું હતું કે પોતે રવિરાજસિંહ સાથે પ્રેમ કરે છે અને તેની સાથે જ લગ્ન કરવાની છે. હાલમાં રવિરાજસિંહના પરિવારજનો લગ્ન માટે રાજી ન હોઇ જેથી બંને મકાન ભાડે રાખી લગ્ન વગર જ રહે છે. પોતાના માતા-પિતા આ લગ્ન માટે રાજી હોવાનું પણ તેણીએ કહ્યું હતું. પડધરી પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(11:26 am IST)