રાજકોટ
News of Saturday, 3rd February 2018

કાલાવડ રોડ પર છ દિ'થી શરૂ થયેલું 'કૂટણખાનુ' ઝડપાયું

ગોંડલના ભોજાણી અટકધારી શખ્સનો ફલેટ ભાડે રખાયો'તોઃ દિલ્હીથી બોલાવાયેલી ૪ લલનાની અટકાયતઃ બે શખ્સોની ધરપકડઃ આશિષ જીતેન્દ્ર રાવલ અને બ્રિજેશ કોટેચા ભેગા મળી ગ્રાહકો ખેંચી લાવતાં: ક્રાઇમ બ્રાંચને ગુપ્ત માહિતી મળતાં ડમી ગ્રાહક મોકલી કારસ્તાન ખુલ્લુ પાડ્યું

ઝડપાયેલા બંને શખ્સો આશિષ અને બ્રિજેશ

રાજકોટ તા. ૩: શહેરના ગોૈરવ પથ ગણાતા કાલાવડ રોડ પર છેલ્લા છ દિવસથી  એક ફલેટમાં શરૂ થયેલા કૂટણખાના પર આજે બપોરે ગુપ્ત માહિતીને આધારે ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી પોષ રહેણાંક વિસ્તારમાં ગોરખધંધા શરૂ કરનારા બે શખ્સોને દબોચી લીધા છે. આ કૂટણખાનામાં દિલ્હીથી ૪ રૂપલલના લાવવામાં આવી હતી જેને ગ્રાહકો સમક્ષ પુરી પાડવામાં આવતી હતી. આ ચાર લલનાઓને પોલીસે સાહેદ બનાવી છે. કૂટણખાનામાં અન્ય કોઇની સંડોવણી છે કે કેમ? તેની પણ પકડાયેલા શખ્સો પાસેથી માહિતી મેળવવા પુછતાછ થઇ રહી છે.

જાણવા મળ્યા મુજબ કાલાવડ રોડ પર ક્રિષ્ના મેડિકલ સ્ટોરની ઉપર સાગર એપાર્ટમેન્ટમાં પ્રથમ માળે બી-૧૦૨માં રવિન્દ્ર ઉર્ફ આશીષ જીતેન્દ્ર રાવલ નામનો શખ્સ બહારથી છોકરીઓ લાવી ગ્રાહકોને બોલાવી કૂટણખાનુ ચલાવતો હોવાની બાતમી એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. પ્રદિપસિંહ જાડેજા તથા કોન્સ. હરેશગીરી ગોસ્વામીને સંયુકત રીતે મળતાં દરોડો પાડવામાં આવ્યો હતો.

ફલેટમાં ડમી ગ્રાહક મોકલી દરોડો પાડવામાં આવતાં ચાર યુવતિઓ જે પશ્ચિમ બંગાળની છે તે તથા વેશ્યાવૃતિ કરાવતાં શખ્સો રવિન્દ્ર ઉર્ફ આશિષ રાવલ (રહે. શિતલપાર્ક- ચોકડી જાગૃતિ દિપ એપાર્ટમેન્ટ) તથા બ્રિજેશ રમેશભાઇ ગોટેચા (રહે. કાલાવડ રોડ કોસ્મોપ્લેક્ષ સિનેમા પાસે ગ્રીનહીલ સ્કવેર) મળી આવતાં આ બંને સામે ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હીથી બોલાવવામાં આવેલી રૂપલલનાને પોલીસે સાહેદ બનાવી છે.

(6:13 pm IST)