રાજકોટ
News of Wednesday, 2nd December 2020

પડધરી-મોવૈયાના ભાગે પ્રથમ વખત કારોબારી અધ્યક્ષ પદઃ ભાનુબેન નક્કી

પાદરિયાને સ્ટે. મળ્યો નથીઃ કાલે પંચાયતમાં નવા અધ્યક્ષની ચૂંટણી : પંચાયતની મુદત ન લંબાય તો શ્રીમતી તળપદાનું શાસન ૧૮ દિવસ માટે જ

રાજકોટ, તા ૨ :. જીલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ કિશોર પાદરિયાને વિકાસ કમિશ્નરે હોદ્દા પરથી હટાવતા નવા અધ્યક્ષની ચૂંટણી માટે આવતીકાલે સવારે ૧૧.૩૦ વાગ્યે પંચાયત કારોબારી ખંડમાં સમિતિની બેઠક બોલાવાઈ છે. છેલ્લી ઘડીના કોઈ અણધાર્યા ફેરફાર ન થાય તો પડધરીના મોવિયા ગામના શ્રીમતી ભાનુબેન ધીરૂભાઈ તળપદા નવા અધ્યક્ષ તરીકે નિશ્ચિત છે. તેમના નામ માટે લગભગ સર્વાનુમતી થઈ ગઈ છે. કારોબારીમાં હાલ ભાજપનું પ્રભુત્વ છે.

જીલ્લા પંચાયતની ચૂંટાયેલી પાંખની મુદત ર૧ ડીસેમ્બરે પૂર્ણ થઇ રહી છે જો સરકાર મુદત ન લંબાવે તો નવા કારોબારી અધ્યક્ષ માટે સત્તાકાળના માત્ર ૧૮ દિવસ જ રહેશે. તે દિવસોમાં તેમણે એક કે બે વખત કારોબારી બોલાવી પૂરક બજેટને બહાલી તથા વધારાની ગ્રાન્ટની ફાળવણી સહીતની મહત્વની કામગીરી કરવાની રહેશે.

પડધરી અને મોવિયા ભૌગોલિક રીતે એક જ છે. પંચાયતની સૌથી મહત્વની સમિતિનું અધ્યક્ષ પદ આ પંથકમાં આવી રહ્યાની જાણ થતા કાર્યકરોમાં હરખની લાગણી ફેલાય છે.

(3:50 pm IST)