રાજકોટ
News of Wednesday, 2nd December 2020

દૂધના દાઝયા છાશ ફુંકીને પીવે...

૨૧ કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટીનો રિ-સર્વે

જે જે હોસ્પિટલોમાં સાધનોમાં ક્ષતિ જોવા મળી હતી તેનો નિકાલ થયો કે કેમ ? તેની તબક્કાવાર તપાસ ફાયર બ્રિગેડ દ્વારા થશે : આજે ૧૪ નોન કોવિડ હોસ્પિટલોને પણ ફાયર સેફટી અંગે નોટીસ

રાજકોટ તા. ૨ : શહેરની ઉદય કોવિડ હોસ્પિટલમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ હોસ્પિટલોમાં ફાયર સેફટી મુદ્દે મ.ન.પા.ના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગે કડક ચેકીંગ શરૂ કરેલ અને શહેરની ૨૧ જેટલી કોવિડ હોસ્પિટલોને ફાયર સેફટીમાં નાની-મોટી ક્ષતિઓ બાબતે નોટીસો આપી હતી. હવે આ તમામ ૨૧ હોસ્પિટલોમાં ફરીથી સર્વે અને ચેકીંગ થશે.

આ અંગે ફાયર બ્રિગેડ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના આદેશ બાદ શહેરની ૨૪ જેટલી કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટીનું ચેકીંગ થયેલ. જેમાં ૨૧માં નાની-મોટી ક્ષતિઓ જોવા મળતા તે દુર કરવા નોટીસો અપાયેલ. હવે આ હોસ્પિટલોમાં ફાયર સેફટીની ક્ષતિઓ દુર થઇ છે કે કેમ? તે બાબતોનો સર્વે કરવામાં આવનાર છે.

દરમિયાન હવે નોન કોવિડ નાની-મોટી હોસ્પિટલોમાં પણ ફાયર સેફટી સાધનોનું ચેકીંગ શરૂ કરી દેવાયું છે. જેમાં જી.ટી. શેઠ હોસ્પિટલ, ડો. ઝંખનાની હોસ્પિટલ, ડો. કે.પી.તરાવીયા, ડો. કમલેશ ભોરણીયા, ડો. મેસવાણિયાની હોસ્પિટલ (લેબોરેટરી), ડો. સુધીર ભીમાણી, ડો. સી.પી.રબારા (યુનિક હોસ્પિટલ), ડો. અવનિશ કાલરિયા, ડો. કેતન સુતરિયા, ડો. દસ્તુર વગેરે હોસ્પિટલોમાં ફાયર એકટીમ્બ્યુસર તથા ફાયર હાઇડ્રન, ફાયર એલાર્મ વગેરે જેવા ફાયર સેફટી સાધનોનું ચેકીંગ કરી ઘટતા સાધનો તથા ક્ષતિગ્રસ્ત સાધનો વગેરે બાબતોની નાની-મોટી ક્ષતિઓ દુર કરવા આ તમામને નોટીસો આપવામાં આવેલ. તેમ ફાયરબ્રિગેડ અધિકારીઓએ જણાવેલ.

હોટલ - રેસ્ટોરન્ટમાં કોવિડ-૧૯ ચેકીંગ માટે ૪ ફૂડ ઓફિસરોની નિમણૂંક

રાજકોટ : શહેરની હોટલ - રેસ્ટોરન્ટોમાં કોવિડ-૧૯ના નિયમો જેવા કે સોશ્યલ ડીસ્ટન્શ - ૫૦ ટકા ક્ષમતામાં જ ગ્રાહકોને બેસાડવા, માસ્ક - સેનેટાઇઝેશન અને કોરોના ટેસ્ટીંગ વગેરેનું ચેકીંગ દરરોજ આરોગ્ય વિભાગ દ્વારા થશે. આ માટે ૪ ફૂડ ઓફિસરોની ખાસ નિમણૂંક કરાઇ છે જે દરરોજ બે વોર્ડમાં વોર્ડ પ્રભારી સાથે રહી હોટલ - રેસ્ટોરન્ટોનું ચેકીંગ કરશે તેમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

(3:32 pm IST)