રાજકોટ
News of Wednesday, 2nd December 2020

પ્રેમસંબંધ રાખવા દબાણ કરી મહિલાને ધમકી આપનારા શિવરાજસિંહની ધરપકડ

શેરબજારની ઓફિસમાં મહિલા સાથે ગ્રાહક તરીકે સંપર્ક થયો'તો : પ્રેમ સબંધ રાખવા બે વર્ષથી હેરાન કરતો : પતિને પણ ધમકી આપી'તી

રાજકોટ તા. ૨ : સદરબજાર નજીકના વિસ્તારમાં રહેતી અને શેરબજારની ઓફિસમાં કામ કરતી પરિણીતા સાથે ગ્રાહક તરીકે સંપર્કમાં આવ્યા બાદ ધરાર પ્રેમ સબંધ રાખવા દબાણ કરી ધમકી આપી બે વર્ષથી હેરાન કરનારા શખ્સને પ્ર.નગર પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ સદરબજાર નજીકના વિસ્તારમાં રહેતી પરિણીતાએ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં કાલાવડ રોડ કૈલાશ કેવલમ સોસાયટીમાં રહેતા શિવરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાનું નામ આપ્યું છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે શેરબજારની ઓફિસમાં નોકરી કરે છે. બે વર્ષ પહેલા પોતાની ઓફિસમાં કસ્ટમર તરીકે આવતા શિવરાજસિંહ સાથે પોતાને ધંધાકીય ઓળખાણ થઇ હતી બાદ તેણે પોતાનો મોબાઇલ નંબર કોઇપણ રીતે મળવી અવાર-નવાર ધંધાકીય બહાના બતાવી ફોનમાં વાત કરતો હતો. બાદ પોતાને ખ્યાલ આવી જતા પોતે તેને વાત કરવાની ના પાડી હતી. ત્યારબાદ તે પોતાની ઓફિસે આવવાના સમયે આવીને ઉભો રહેલ અને પોતાને ઘર જવાના સમયે ઘરે જવા માટે નીકળતા ત્યારે પીછો કરી ઘર સુધી આવતો હતો. એટલું જ નહી બીભત્સ ચેનચાળા કરી હેરાન કરતો હતો. આ બાબતે પોતે પતિને વાત કરતા તેણે શિવરાજસિંહને પીછો નહી કરવા બાબતે સમજાવતા તેણે ઉશ્કેરાઇને કહેલ કે 'હું તેની સાથે ફ્રેન્ડશીપ કરીશ જ તમારે જે કરવું હોય તે કરી લેજો' તેમ કહી જતો રહ્યો હતો. આ પછી પોતે તેની સામે જોવાનું પણ બંધ કરી દીધું હતું તેમ છતાં તે ઓફિસથી ઘર સુધી અવાર-નવાર પીછો કરી બિભત્સ ચેનચાળા કરી માનસીક ત્રાસ આપવા લાગ્યો હતો અને અલગ - અલગ નંબર પરથી ફોન કરી પ્રેમ સબંધ રાખવા દબાણ કરતો હતો. તેમજ પરિણીતાને ઓફિસમાં અને સમાજમાં બદનામ કરી નાખીશ અને તું પ્રેમ સબંધ નહી રાખે તો તને જાનથી મારી નાખીશ કહી ધમકી આપતો હતો. ગઇકાલે પોતે નોકરી પૂરી કરી ફોરવ્હીલમાં ઘરે જતા હતા ત્યારે સ્ટાર પ્લાઝા કોમ્પ્લેક્ષ પાસે તે એકટીવા પર આવી કાર આડે નાખી અટકાવીને કાર પાસે આવી પરિણીતાને 'હવે તુ તારા પ્રેમ સંબંધ બાબતે છેલ્લો નિર્ણય લઇ લેજે નહી તો તારો મરવાનો દિવસ નજીકમાં છે' તેમ ધમકી આપી જતો રહ્યો હતો. આ ત્રાસથી કંટાળી પરિણીતાએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એન.એસ.રાઠોડ તથા રામશીભાઇએ કાલાવડ રોડ, કૈલાશ કેવલમ સોસાયટીમાં રહેતા જમીન - મકાન લે-વેચના ધંધાર્થી શિવરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા (ઉ.૩૦)ની ધરપકડ કરી હતી.

(2:53 pm IST)