રાજકોટ
News of Wednesday, 2nd December 2020

આનંદ દિવ બેઠો આનંદ કરતો'તો...સંજય અને ધવલ ભારતીની હત્યા કરી રાતોરાત ફરી દિવ પહોંચી ગયા'તા

મર્ડર મિસ્ટ્રીઃ પત્નિ સાથે છૂટાછેડાના સામા ૬ લાખ મેળવી પતિ આનંદ સાકરીયા ફઇના દિકરા સંજય, તેની પત્નિ વર્ષા અને ચાર દિકરીઓ સાથે દિવ ફરવા ગયો અને ત્યાં જ પત્નિની હત્યાનો પ્લાન ઘડી અંજામ અપાવ્યોઃ પ્લાન મુજબ હત્યા સંજય અને ધવલને કરવાની હતી અને લાશનો નિકાલ આનંદને કરવાનો હતો પણ ખરેખર હત્યા થઇ ગઇ એ જાણ્યા પછી આનંદ ડરી ગયો અને લાશનો નિકાલ કરવા જ ન જતાં લાશ કોહવાઇ ગઇઃ ચાર આરોપી પોલીસના સકંજામાં: પત્નિ છૂટાછેડા પછી પ્રેમી પ્રવિણ સાથે લગ્ન કરી લેશે તો મકાન પોતાને નહિ મળે તેવું લાગતાં હત્યા કરાવીઃ જરાય પછતાવો નથી

રાજકોટ તા. ૨: આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે સુદરમ્ પાર્ક-૩માં રહેતી ભારતીબેન દેવજીભાઇ મગનભાઇ જાદવ નામની ત્યકતા મહિલાની તેના જ ઘરમાંથી લટકતી, કોહવાયેલી લાશ મળ્યા બાદ મર્ડર મિસ્ટ્રી સામે આવી હતી. આજીડેમ પોલીસે તપાસ કરતાં ભારતીબેનની હત્યા તેના જ પતિ આનંદ ચુનીલાલ સાકરીયાએ પોતાના ફઇના દિકરા સંજય ઉર્ફ જગો જીવણભાઇ ભુસડીયા, તેની પત્નિ વર્ષા સંજય અને સંજયના મિત્ર ધવલ કોળી સાથે પ્લાન ઘડીને કરાવ્યાનું સામે આવ્યું હતું. આનંદ દિવમાં બેઠો બેઠો આનંદ કરતો હતો ત્યારે તેના પ્લાન મુજબ સંજય અને વર્ષા દિવથી રાજકોટ આવ્યા હતાં અને મિત્ર ધવલ સાથે મળી ભારતીબેનની હત્યા કરી રાતોરાત ફરી આનંદ પાસે દિવ જતાં રહ્યા હતાં. એ પછી ત્યાંથી અલગ પડી ગયા હતાં.

હત્યાની ઘટનામાં પોલીસે હત્યાનો ભોગ બનેલા ભારતીબેને જેની સાથે મૈત્રી કરાર કર્યા હતાં તે ચુનારાવાડ અંબિકા સોસાયટી-૩માં રહેતાં પ્રવિણભાઇ તળશીભાઇ મેણીયા (કોળી) (ઉ.વ.૫૫)ની ફરિયાદ પરથી ભારતીના પૂર્વ પતિ આનંદ ચુનીલાલ સાકરીયા, તેના ફઇના દિકરા ભાઇ સંજય ઉર્ફ જગો જીવણભાઇ ભુસડીયા, વર્ષા સંજય ભુસડીયા અને સંજયના મિત્ર ધવલ સામે આઇપીસી ૩૦૨, ૧૨૦ (બી), ૧૧૪ મુજબ કાવત્રુ ઘડી હત્યાનો ગુનો નોંધી ચારેયને સકંજામાં લઇ કોવિડ ટેસ્ટ કરાવવા તજવીજ કરી છે.

પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. લગ્ન જીવન દરમિયાન ભારતી અને આનંદ પાંચ દિકરીના માતા-પિતા બન્યા હતાં. જેમાં એક દિકરી સાસરે છે. છેલ્લા દોઢેક વર્ષથી ભારતીને પતિ આનંદ કોઇને કોઇ મુદ્દે હેરાન કરવા માંડ્યો હતો. મકાન સહિતની મિલ્કત તેણીના નામે હોઇ આ બાબત આનંદને ગમતી નહોતી. પતિની હેરાનગતીને લીધે કંટાળી તેણી દોઢેક વર્ષની અલગ સુંદરમ પાર્કમાં રહેવા જતી રહી હતી. એ દરમિયાન ચુનારાવાડમાં માવતરના પડોશમાં જ રહેતાં વિધુર પ્રવિણભાઇ મેણીયા સાથે સંપર્કમાં આવી હતી અને એક જ જ્ઞાતિના હોઇ બંને વચ્ચે પ્રેમ થઇ જતાં મૈત્રી કરાર કર્યા હતાં. 

ત્યારબાદ તેણીએ પતિ આનંદ સાથે છૂટાછેડા લેવાનું નક્કી કર્યુ હતું. ગત ૨૩મીએ જ બંનેના છૂટાછેડા થયા હતાં. નક્કી થયા મુજબ આ માટે ભારતીએ પતિ આનંદને સાત લાખ ચુકવવાના હતાં. ચારેય દિકરીઓ આનંદ પાસે હોઇ તેણીના ભરણપોષણ માટે ભારતીએ આ રકમ આપી હતી. આનંદના પિતાનું પાંચ વર્ષ પહેલા અવસાન થયું ત્યારે તેના લોકરમાંથી ૩૨ લાખ રોકડા અને ૩૫ તોલા સોનુ મળ્યું હતું. આનંદે આ સોનુ પણ ભારતીને આપી દીધું હતું. તેમજ ૩૨ લાખમાંથી સુંદરમ પાર્કમાં બે મકાન ખરીદ કર્યા હતાં. આ ઉપરાંત આઠ લાખમાં બીજુ એક મકાન પણ ભારતીને માંડા ડુંગર પાસે ખરીદી અપાયું હતું. તે હાલમાં ભાડે છે.

આનંદ હાલમાં માંડા ડુંગર પાસે ભાડે રહેતો હતો. તેની સાથે ઉપરના માળે તેના ફઇનો પુત્ર ંજય અને તેની પત્નિ વર્ષા રહે છે. આનંદ ચાર પુત્રી સાથે અહિ રહેતો હતો. જ્યારે તેની પત્નિ ભારતી સુંદરમ પાર્કમાં થોડા દિવસ અને થોડા દિવસ પ્રવિણ સાથે રહેતી હતી. આ કારણે તેણે છૂટાછેડા માંગ્યા હતાં. આનંદે ૨૩મીએ જ છુટાછેડા આપ્યા હતાં અને છ લાખ રોકડા તથા એક લાખની ફિકસ મેળવી હતી.

પૈસા આવ્યા બાદ આનંદ ચારેય દિકરીઓ, ફઇના પુત્ર સંજય અને વર્ષા તથા સંજયના મિત્ર ધવલને લઇ દિવ ફરવા નીકળી ગયો હતો. ત્યાં પહોંચ્યા બાદ આનંદે ભારતીના નામે બે મકાન હોઇ તે પણ પોતાને મળી જાય તો સારુ નહિતર પ્રવિણ સાથે લગ્ન થઇ જશે તો આ મકાન હાથમાં નહિ આવે તેમ વિચારી ભારતીનો કાંટો કાઢી નાંખવાનો પ્લાન ઘડ્યો હતો.

નક્કી થયા મુજબ સંજય ઉર્ફ જગો તેની પત્નિ વર્ષા અને ૧૫ વર્ષની એક દિકરીને આનંદે દિવથી ૨૪મીએ રાજકોટ રવાના કર્યા હતાં. પોતે ત્રણ દિકરી સાથે દિવમાં જ રોકાયો હતો. રાજકોટ પહોંચી સંજયએ ૨૪મીએ સાંજે ભારતીને ફોન કરી તારા છુટાછેડા થયા તેના બદલામાં મને ૨૦૦૦ આપવાના છે તેમ કહી તેણીને આજીડેમ ચોડકીએ બોલાવી હતી. અહિ જાણી જોઇને ઝઘડો કર્યો હતો. પછી સુંદરમ પાર્કના મકાનમાં બેસીને વાત કરશું તેમ કહી તેણીને ત્યાં લઇ જવાયેલ. એ પહેલા સંજય સાથે તેનો મિત્ર ધવલ પણ જોડાઇ ગયો હતો.

ઘરમાં ગયા બાદ વાતચીતનો ડોળ ઉભો કર્યો હતો. વર્ષા આનંદની દિકરીને લઇ બહાર નીકળી ગઇ હતી. બાદમાં દિકરી ઉપરના ભાડૂઆતના ઘરમાં જતી રહી હતી અને વર્ષા બહાર ધ્યાન રાખીને ઉભી હતી. એ પછી અંદર રૂમમાં ભારતીને સાડીથી ટૂંપો આપી ગાળીયો બનાવી એ જ સાડીને બારીમાં બાંધી દઇ ભારતીને ટીંગાડી દઇ હત્યા કરી કંઇ બન્યું ન હોય તેમ રાતો રાત ફરી દિવ જતાં રહ્યા હતાં.

આનંદની દિકરીને આ હત્યા વિશે કંઇ જ ખબર નહોતી. ૨૫મીએ વહેલી સવારે સંજય ફરી આનંદ જે હોટેલમાં હતો ત્યાં પહોંચ્યો હતો અને કામ થઇ ગયાનું કહી હવે લાશનો નિકાલ તું કરી નાંખજે તેમ કહ્યું હતું. પરંતુ સાચ્ચે જ હત્યા થઇ ગયાની ખબર પડતાં આનંદ ગભરાઇ ગયો હતો અને લાશનો નિકાલ કરવા જ ગયો નહોતો. બાદમાં તે દિકરીઓને લઇ રાજકોટ તરફ આવી ગયો હતો અને સંજય તથા ધવલ પોતાની રીતે ભાગી ગયા હતાં.

પાંચ દિવસ સુધી લાશ લટકતી રહી હોઇ કોહવાઇ ગઇ હતી અને જીવાત પડી ગઇ હતી. કોહવાયેલી લાશ મળ્યા બાદ આજીડેમ પીઆઇ વી.જે. ચાવડા, એએસઆઇ જાવેદહુશેન રિઝવી, સ્મીતભાઇ વૈષ્નાણી સહિતે ભેદ ઉકેલ્યો હતો. ચાર આરોપીઓને સકંજામાં લઇ કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડ કરવામાં આવશે. આનંદને હત્યા બાબતે કોઇ અફસોસ જણાતો નથી. જો કે તેના આ કૃત્યથી હવે દિકરીઓ નોધારી હાલતમાં મુકાઇ ગઇ છે.

(11:26 am IST)