રાજકોટ
News of Wednesday, 2nd December 2020

લગ્ન સિઝન પુરબહાર ખીલતાં ગુલાબ-ગલગોટાના ભાવ બમણા

રાજકટોની બજારમાં ગુલાબ, ગલગોટા, સેવંતી, જરબેરા અને ડચ ગુલાબ જેવા ફુલોની ખૂબ મોટી માંગ છે

રાજકોટ, તા.૨:  લગ્નગાળાના ખૂબ ઓછાં મુહુર્તો બહુ જ ટૂંકાગાળામાં આવી જતાં ફૂલોના ભાવ ઉંચકાઇને બમણાં થઇ જવા પામ્યા છે. રાજકોટની બજારમાં ગુલાબ, ગલગોટા, સેવંતી, જરબેરા અને ડચ ગુલાબ જેવા ફુલોની ખૂબ મોટી માગ છે અને ભાવ પણ ખૂબ વધી ચૂકયાંનું ફૂલોના વેપારીઓએ કહ્યું હતુ.

રાજકોટની અમૃતા ફ્લાવર્સના દિલીપ લુણાગરીયા કહે છે, ગુલાબ અને ગલગોટાનું ઉત્પાદન રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં થાય છે. સારા વરસાદ પછી ખૂબ ફાલ ઉતરી રહ્યો છે છતાં માગને કારણે ભાવ બમણાં છે. તેમણે કહ્યું કે, દેશી ગુલાબનો ભાવ રૂ. ૧૫૦ પ્રતિ કિલો ચાલી રહ્યો છે. એ જ રીતે ગલગોટા રૂ. ૪૦-૫૦માં મળે છે. જયારે સેવંતીનો ભાવ રૂ. ૧૫૦ બોલાય રહ્યો છે. સામાન્ય સંજોગોમાં આવો ભાવ હોતો નથી તેમ તેમણે કહ્યું હતુ.

રાજકોટમાં નાસિકથી જરબેરા અને ડચ ગુલાબની આવક લગ્નગાળાને લીધે સારી છે. જરબેરાનો ભાવ રૂ. ૧૦ નંગના એક બંડલ દીઠ રૂ. ૨૦૦ અને ડચ ગુલાબનો ભાવ રૂ. ૩૫૦ પ્રતિ ૨૦ નંગ ચાલે છે. પાર્ટીપ્લોટસ અને બેંકવેટ હોલમાં ડમી કરતા કુદરતી ફૂલોનો વપરાશ અત્યારે વધારે થઇ રહ્યો છે.

દિલીપભાઇ કહે છે, લોકડાઉન ખૂલી ગયું છે પણ લગભગ સાતેક મહિના સુધી ફૂલોનો વેપાર ધાર્મિક સ્થળોમાં બંધી અને લગ્નોના અભાવે ઠપ થઇ ગયો હતો. એ કારણે ફૂલોનું વેચાણ પણ સ્થગિત હતુ. આવા સંજોગમાં ફૂલ બગડી જવાની કે ખેડૂતોને નુકસાન જવાની ઘટનાઓ ખૂબ બની હતી. પરિણામે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં નાસિક ખાતે અસંખ્ય ખેડૂતોએ જીપ્સો અને ઓર્કિડ જેવા ફૂલોના ખેતરો સાફ કરી નાંખ્યા હતા. એ કારણે આ પ્રકારના ફૂલોની આવક થતી નથી. વાવેતર કર્યા પછી આ ફૂલોમાં ચાર મહિને ફાલ આવતો હોય છે એટલે હાલ પૂરતી આવક થશે નહીં. હવે વૈશાખ મહિનામાં આ ફૂલો બજારમાં જોવા મળશે.તેમ વ્યાપાર જણાવે છે.

(9:32 am IST)