રાજકોટ
News of Tuesday, 2nd November 2021

અંતે આરોગ્ય કર્મીઓની માંગ સ્વીકારતુ તંત્રઃ તહેવારોમાં ૪ કલાક ડયુટીઃ આરોગ્ય કેન્દ્રો ૯ થી પ સળંગ ખૂલ્લા રહેશે

ટૂંક સમયમાં દરરોજ ૧ આરોગ્ય કેન્દ્ર સવારથી મધરાત સુધી ખુલ્લુ રખાશેઃ અમિત અરોરાની જાહેરાત

રાજકોટ તા. રઃ.. મ.ન.પા.નાં આરોગ્ય વિભાગનાં કર્મચારીઓએ ડયુટીનાં કલાકો ઘટાડવા માટે છેલ્લા ૧ અઠવાડીયાથી આપેલી લડતનાં પરિણામ સ્વરૂપે તંત્રએ કર્મચારીઓ પ્રત્યે સંવેદનશીલતાં દાખવી અને તેઓની માંગણીઓ સ્વીકારી હોવાનું મ્યુ. કમિશનર અમિત અરોરાએ જાહેર કર્યુ છે.

આ બાબતે મ્યુ. કમિશનરશ્રી અરોરાએ વિસ્તૃત જાહેરાત કરી હતી. કે 'આરોગ્ય કર્મચારીઓની જે મુખ્ય માંગણીઓ હતી. તે સ્વીકારાઇ છે. જેમાં સૌ પ્રથમ આરોગ્ય કેન્દ્રોમાં ફરજનાં કલાકો ઘટાડી. સુરત-વડોદરા અને અમદાવાદની જેમ હવે રાજકોટ મ.ન.પા.નાં આરોગ્ય કેન્દ્રો પણ સવારે ૯ વાગ્યાથી લઇ અને સાંજે પ વાગ્યા સુધી સળંગ ખુલ્લા રાખવા નિર્ણય લેવાયો છે.

જેથી વચ્ચે રીસેસનો સમય હતો તે હવે કાઢી નંખાયો છે. અને સળંગ ડયુટી રહેશે. જેનાં કારણે બપોરનાં સમયે પણ દર્દીઓ કેન્દ્રનો લાભ લઇ શકે અને કર્મચારીઓને મોડી સાંજે ૭ થી ૭-૩૦ સુધી રોકાવુ પડતુ હતું તેમાંથી છૂટકારો મળશે.

એટલું જ નહી. શહેરનાં ર૧ આરોગ્ય કેન્દ્રોમાં અઠવાડીયાનું રોટેશન ગોઠવી અને દરરોજ ૧ આરોગ્ય કેન્દ્ર સવારે ૯ થી મોડી રાત્રે ૧ કે ૧ર વાગ્યા સુધી ખુલ્લુ રહે તે પ્રકારની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે.

જયારે દિવાળીનાં તહેવારોમાં આરોગ્ય કર્મચારીઓને ૪ કલાકની ડયુટી સોંપવાની માંગ પણ સ્વીકારાયાનું મ્યુ. કમિશનરશ્રીએ જાહેર કર્યુ હતું.

(4:05 pm IST)