રાજકોટ
News of Tuesday, 2nd November 2021

નીટના પરિણામમાં રાજકોટનો દબદબો : ઋતુલ છગ દેશમાં પાંચમાં અને વંદીત શેઠ ૮૫માં ક્રમે ઉતિર્ણ

ધો. ૧૨ સાયન્સ બાદ યુજી નીટનું પરિણામ જાહેર કરતુ NTA

રાજકોટ તા. ૨ : લાંબા ઇન્તજાર બાદ ગઇકાલે સાંજે નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા અન્ડર ગ્રેજ્યુએટ નીટની પરીક્ષાનું પરિણામ જાહેર થયું. જેમાં એજ્યુકેશન હબ તરીકે ઉભરતા રાજકોટના બે વિદ્યાર્થીઓએ મેદાન માર્યુ છે.

ધો. ૧૨ પછી બી-ગ્રુપના વિદ્યાર્થીઓએ મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમીયોપેથીના પ્રવેશ માટે યુજી નેટનું પરિણામમાં રાજકોટનો ઋતુલ છગ ૭૨૦માંથી ૭૧૫ માર્કસ મેળવીને સમગ્ર દેશમાં ડંકો વગાડયો છે. રાજકોટ એલન ઇન્સ્ટીટયૂટનો વિદ્યાર્થી ગુજરાત ફર્સ્ટ ઋતુલ છગનું ઓલ ઇન્ડિયા મેરીટ ક્રમ પાંચમો આવ્યો છે.

જ્યારે રાજકોટની પ્રીમીયર સ્કુલનો વિદ્યાર્થી વંદીત શેઠ ૭૦૧ ગુણ સાથે ઓલ ઇન્ડિયામાં ૮૫માં રેન્ક હાંસલ કર્યો છે. વંદીત શેઠ રાજકોટના જાણીતા તબીબ ડો. ઋષિત શેઠ અને ડો. નિતી શેઠના સુપુત્ર છે.

ગત સપ્ટેમ્બર માસમાં નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ) યુજીની પરીક્ષા લેવાઇ હતી. સમગ્ર દેશમાં કુલ ૧૬ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. હવે મેડીકલ પ્રવેશની કાર્યવાહી દિવાળી બાદ શરૂ થનાર છે.

(1:12 pm IST)