રાજકોટ
News of Monday, 2nd November 2020

ઉદ્યોગપતિ, કિસાન અગ્રણી-પક્ષીવિદ દિલીપ તંતીની હત્યાનો પ્રયાસઃ મવડીના પરષોત્તમ સોરઠીયા સહિતની શોધખોળ

પોતાની વાડીની દિવાલ પાસે ઉભેલા બે શખ્સને કોણ છો? કોની વાડીએ આવ્યા છો? એમ પુછતાં હુમલો થયાનું કથનઃ તલવાર, ધોકા, કોદાળીના ઘા ઝીંકયાઃ લોધીકા પોલીસે ગુનો નોંધ્યોઃ ઉદ્યોગપતિની પજેરો કારમાં પણ તોડફોડઃ દિલીપભાઇને બંને હાથની આંગળીઓમાં ફ્રેકચરઃઓપરેશન કરાયું દિલીપ તંતીએ લાયસન્સ વાળા હથીયારથી સ્વબચાવમાં હવામાં બે રાઉન્ડ ફાયર કર્યાઃ તેનાથી કોઇને ઇજા થઇ નથીઃ એસપી બલરામ મીણા

રાજકોટ તા. ૨: શહેરના ખુબ જાણીતા ઉદ્યોગપતિ, કિસાન અગ્રણી અને પક્ષીવિદ રેસકોર્ષ રીંગ રોડ પર વિઠ્ઠલ એપાર્ટમેન્ટમાં રહેતાં દિલીપભાઇ ભીખાભાઇ તંતી (પટેલ) (ઉ.વ.૫૪) પર લોધીકાના પાળ ગામે આવેલી તેમની વાડી પાસે રાત્રીના સાત-આઠ શખ્સોએ સશસ્ત્ર હીચકારો હુમલો કરી બંને હાથ ભાંગી નાંખવામાં આવતાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ થયા છે. દિલીપભાઇના કહેવા મુજબ પોતે પોતાની કાર લઇ પાળ ગામે આવેલી પોતાની વાડીએ ગયા ત્યારે વાડીની દિવાલ પાસે બે શખ્સો ઉભા હોઇ તેને 'અહિ શું કરો છો? કોની વાડીમાં કામ કરો છો?' એવું પુછતાં બોલાચાલી થઇ હતી અને પછી આ શખ્સોએ મવડીના પરષોત્તમ સોરઠીયા સહિતને બોલાવતાં મારા પર હુમલો થયો હતો. પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

હુમલામાં ગંભીર ઇજા પામનારા દિલીપભાઇ તંતીને સારવાર માટે રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં મોટી સંખ્યામાં મિત્રો, આગેવાનો, સ્વજનો હોસ્પિટલે પહોંચ્યા હતાં. જીલ્લા પોલીસ વડા બલરામ મીણા, લોધીકા પીએસઆઇ એચ. એમ. ધાંધલ સહિતનો કાફલો પણ હોસ્પિટલે પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

હોસ્પિટલના બિછાનેથી સવારે દિલીપભાઇ તંતીએ 'અકિલા'ને જણાવ્યું હતું કે હું મારી પજેરો કાર લઇને રાતે પાળ ગામે આવેલી મારી વાડીએ આટો મારવા ગયો હતો. એ વખતે મારી વાડીની દિવાલ પાસે બે અજાણ્યા શખ્સો ઉભા હોઇ મેં સ્વાભાવિક રીતે જ આ શખ્સોને કોણ છો? કોની વાડીએ આવ્યા છો? અહિ શું કરો છો? તેમ પુછતાં બોલાચાલી થઇ હતી. એ પછી આ શખ્સોએ મવડીના પરષોત્તમભાઇ સોરઠીયા સહિતને બોલાવતાં તે તથા તેના બે દિકરા, જમાઇ, ભાઇ સહિતના ધસી આવ્યા હતાં અને તલવાર, ધોકા, કોદાળીથી મારા પર હુમલો કર્યો હતો. મારી કારમાં પણ તોડફોડ કરી હતી. હુમલાને કારણે બંને હાથની આંગળીઓમાં ફ્રેકચર થઇ ગયું હતું.

હુમલાને કારણે હાથમાંથી લોહી વહેવા માંડ્યું હોઇ મારા મિત્રને જાણ કરતાં તેઓ આવ્યા હતાં અને મને હોસ્પિટલમાં લઇ ગયા હતાં. હુમલા પાછળનું કારણ અજાણ્યા શખ્સોને અહિ શું કરો છો? એવું પુછતાં થયેલી ચડભડ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે દિલીપભાઇ તંતીની ફરિયાદ પરથી રાયોટ, હત્યાની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા વિશેષ તપાસ યથાવત રાખી છે.

સામેના જૂથમાં પણ એકને સામાન્ય ઇજા

જાણવા મળ્યા મુજબ હુમલાખોરો પૈકીના એકને પણ ઇજા થઇ હતી. તેની ફરિયાદ પરથી દિલીપભાઇ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. જો કે આ ઇજા ફાયરીંગથી થઇ નથી.

દિલીપ તંતી પર હુમલામાં પાંચ સામે ગુનો નોંધાયોઃ હત્યાની કોશિષ, કારમાં તોડફોડ, પિસ્તોલ લૂંટી લીધાનો આરોપ

નિખીલ સોરઠીયાને હવામાં થયેલા ફાયરીંગથી પેટમાં  ઇજાઃ દિલીપભાઇ સહિત ત્રણ વિરૂધ્ધ તેની વળતી ફરિયાદ

રાજકોટ તા. ૨: જાણીતા પક્ષી વિદ અને કિસાન અગ્રણી રેસકોર્ષ રોડ પર રહેતાં દિલીપભાઇ ભીખાભાઇ તંતી (પટેલ) કઉ.વ.૫૪) પર હીચકારો હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવા સબબ લોધીકા પોલીસે પરષોત્તમ સોરઠીયા, તેના પુત્ર નિખીલ, ઘનશ્યામ, પરષોત્તમભાઇના જમાઇ હિરેન, તેના ભાઇ જયેશભાઇ સામે આઇપીસી ૩૦૭, ૩૯૨, ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૪૨૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૭ (૧) ૧૩૫ મુજબ ગાળો બોલવા મામલે આરોપીઓએ એક સંપ કરી દિલીપભાઇની પજેરો કાર જીજે૦૩એચકે-૩૦૯૦માં તોડફોડ કરી નુકસાન કરી તેમજ દિલીપભાઇને મારી નાંખવાના ઇરાદે હુમલો કરી માથામાં તેમજ હાથની આંગળીઓમાં ઇજા કરી તેમની લાયસન્સવાળી પિસ્તોલ લૂંટી લીધાનનો ગુનો દાખલ કરાયો છે.

લોધીકા પીએસઆઇ એચ. એમ. ધાધલના કહેવા મુજબ મવડી બાપા સિતારામ ચોક પાસે શ્યામ પાર્ક-૨ બ્લોક નં. એ-૩૧માં રહેતાં નિખીલ પરષોત્તમભાઇ સોરઠીયા (ઉ.૩૪)એ પણ દિલીપભાઇ તંતી અને બે અજાણ્યા સામે આઇપીસી ૩૨૪, ૫૦૪,  આર્મ્સ એકટની કલમ-૩૦ અને ૩૭ (૧), ૧૩૫ મુજબ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી તથા સાહેદે ગાળો નહિ બોલવાનું કહેતાં આરોપીએ પિસ્તોલમાંથી હવામાં ચાર-પાંચ રાઉન્ડ ફાયરીંગ કરતાં એક ગોળી ફરિયાદીને પેટના ભાગે લાગી જતાં ઇજા થઇ હતી. બે અજાણ્યા શખ્સો પણ આ વખતે આવી ગયા હતાં.

(3:03 pm IST)