રાજકોટ
News of Tuesday, 2nd October 2018

ગાંધી મ્યુઝિયમની વિઝીટ બુક ગુમઃ જવાબદારો સામે પગલા લેવાં કોંગ્રેસની રજુઆત

મ્યુઝિયમમાં સોલાર સીસ્ટમ, ખાસ દિવસોમાં નિઃશુલ્ક પ્રવેશ, પ્રચાર-પ્રસાર સહિતનાં સુચનો કરતાં કોર્પોરેટર અતુલ રાજાણી

રાજકોટ તા.૨: દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રાજકોટ મ્યુ.કોર્પોરેશન સંચાલિત આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ ખુલ્લુ મુકાયું છે. તેની વિઝીટ બુકમાં વડાપ્રધાનશ્રીએ પ્રેરક નોંધ પણ કરી છે. પરંતુ ત્યારબાદ આ વિઝીટ બુક ગુમ થઇ જતાં કોંગી કોર્પોરેટર અતુલ રાજાણીએ આ બાબતે જવાબદારો સામે પગલા લેવા સહિત મ્યુઝિયમની વહીવટી બાબતોનાં કેટલાક સુચનો મ્યુ.કમિશનરને કર્યા છે.

આ અંગે શ્રી રાજાણીએ મ્યુ.કમિશનરને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે જયુબેલી ચોક રાજકોટ ખાતેના મહાત્મા ગાંધી મ્યુઝિયમની રૂબરૂ મુલાકાત લેતાં મ્યુઝિયમ અંગે જરૂરી અને વ્યાજબી સુચનો ધ્યાનમાં આવેલ તેની અમલવારી કરાવવા અપીલ છે.

શ્રી રાજાણીએ જણાવેલ કે તા.૩૦-૯-૧૮ના વડાપ્રધાનશ્રીના હસ્તે મ્યુઝિયમના લોકાપર્ણ બાદ આજે સત્યપીઠની વિઝીટર્સ બુકમાં પ્રથમ નોંધ બાદ મોદીજીની નોંધ અને વિઝીંટર્સ બુક ગુમ છે. જે અંગે મ્યુઝિયમ ખાતેના અધિકારીને પુછપરછ કરતાં ખબર નથી તેવો જવાબ મળ્યો હતો આથી આ પત્ર લખવાની ફરજ પડી છે.

પત્રમાં સુચન કરાયું છે કે(૧) મહાત્મા ગાંધીના સિદ્ધાંતોને જો ધ્યાને લેવામાં આવે તો આ મ્યુઝિયમની પ્રવેશ ફી બાળકો, વિદ્યાર્થીઓ, વિકલાંગો માટે નિઃશુલ્ક અને સિનીયર સીટીઝન્સ અને દરેક માટે હાલની તોતીંગ ફી રપ રૂ.ને બદલે ટોકન ચાર્જ લેવો જોઇએ, (ર) મ્યુઝિયમમાં વીજળી ખર્ચ બચાવવા સોલાર સિસ્ટમનો ભરપુર ઉપયોગ કરવો જોઇએ અને એ સિસ્ટમ સતત ચાલુ રહે તે માટે જવાબદારી ફીકસ કરવી જોઇએ, (૩) સિનીય સિટીઝન્સો, બાળકો અને વિકલાંગોને પ્રવેશમાં અગ્રતા આપવામાં આવે અને તેને ગાઇડ કરવા માટે વ્યવસ્થા કરવી જોઇએ અને તેની પણ જવાબદારી ફીકસ કરવી જોઇએ, (૪) સુચના કરનારાને પુરસ્કાર મળવા જોઇએ, (પ) મહાત્મા ગાંધી જયંતિ, ગાંધી નિર્વાણ દિન, રેંટિયો બારસ, ર૬મી જાન્યુઆરી, ૧૫ મી ઓગસ્ટે દરેકને નિઃશુલ્ક પ્રવેશ આપવો, (૬) સાઉન્ડ સીસ્ટમ લાઇટ શો (લેઝર શો) થ્રીડી મેપીંગ શો રાત્રે ૭:૩૦ કલાકે ૨૦ મીનીટનો યોજાશે જે મ્યુઝિયમનું હાર્ટ(હદય) કહેવાય મ્યુઝિયમ ૬ વાગ્યે બંધ થાય પછી સાંજે ૭:૩૦ કલાકે થ્રીડી મેપીંગ શો માટે પ્રવેશ ફી ભરનારે બીજો ધક્કો થશે, (૭) પ્રવેશનો સમય સવારે ૧૦ થી સાંજના ૭ સુધી અને બુકીંગનો સમય પણ સવારે ૧૦ થી પનો કરવો જોઇએ ૧ કલાક વધારવી જરૂરી છે, (૮) પ્રવેશ સમયે અપાતી ટીકીટ કે પેમ્પલેટમાં કયાંય થ્રીડી મેપીંગ શોનો સમય નથી અને જે અંગે કોઇ જાણકારી ટીકીટ બારીએથી અપાતી નથી, (૯) મ્યુઝિયમ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ સરકારી શાળાઓ ખાનગીશાળાઓ, કોલેજો, સામાજીક સંસ્થાઓ દ્વારા પેમ્પલેટ દ્વારા પ્રચાર કરાવવો જોઇએ, (૧૦) પ્રવેશ ટીકીટની પાછળ સુચનાઓ ફકત અંગ્રેજીમાં છે જેનું ગુજરાતી પણ સાથે ટીકીટમાં દર્શાવવું જોઇએ.

(4:01 pm IST)