રાજકોટ
News of Tuesday, 2nd October 2018

પર્યાવરણ પ્રેમી લોકસાહિત્યના કલાકાર-અર્જુન આહીર

રૂડીને રળિયામણી, હરિયાળીને હેતાળ ચારણ ગીર નથી છોડવી, પહળાને પાછા વાળ.. : મુળ માણાવદર પંથકના અર્જુનભાઇ બી.એડ થયા છે, પણ નોકરી નથી કરવીઃ લોકસાહિત્યને જીવન અર્પણઃ આવકની ૨૦ ટકા રકમ પર્યાવરણ પાછળ વાપરે છે

વી.ડી.બાલા સાથે લોકસાહિત્યકાર અર્જુન આહીર અને અર્જુનભાઇ આંબલિયા નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)(

રાજકોટ તા.૨: માણાવદર તાલુકાના દગડ ગામના અર્જુનભાઇ આહીર બી.એડ થયા છે, પરંતુ જીવન લોક સાહિત્ય અને પર્યાવરણને અર્પણ કરી દીધું છે.

'અકિલા'ની મુલાકાતે આવેલા અર્જુનભાઇએ જણાવ્યું હતું કે, ચાર પેઢીથી અમને લોકસાહિત્ય વારસામાં મળે છે. ખેતી અને લોકસાહિત્યના સંગાથે ગુજરાન ચાલે છે. અર્જૂન ભાઇ પર્યાવરણ પ્રેમી છે. આવકની ૨૦ ટકા રકમ પર્યાવરણ પાછળ ખર્ચ કરે છે.

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના એક નાનકડા દગડ ગામના ખેડૂત પરિવારમાં જન્મેલ આહીર અર્જુનભાઈ કાનગડ નાનપણથી સિમ વગડામાં રખડવાના શોખીન તેથી વનસ્પતિ અને પક્ષીઓ પ્રત્યે ખૂબ લગાવ છે. આ લગાવને લીધે પોતાના ખેતરે અને સગાવ્હાલાના ખેતરોમાં પક્ષીઓને ખોરાક મળે તેવા વૃક્ષોનું વાવેતર કરાવે છે. પોતાના ખેતરમાં દર વર્ષે પક્ષીઓ માટે બે લાઈન જુવારની વવરાવે છે.

નવરંગ નેચર કલબ રાજકોટ સાથે છેલ્લા દસ વર્ષથી સંકળાયેલા છે. જૂનાગઢ જિલ્લામાં પર્યાવરણની પ્રવૃતિ નવરંગ નેચર કલબના માધ્યમથી કરાવે છે. તેમા ખાસ કરીને ચકલી બચાવો અભિયાનના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ચાર વર્ષથી દર વર્ષે ૫૦૦૦ ચકલી ઘરનું રાહત દરે વિતરણ કરે છે. આ કામથી તે વિસ્તારમાં ચકલીનું પ્રમાણ વધેલું જોવા મળે છે.

નાનપણથી લોકગીતો-કવિતા અને ભજનો ગાવાનો શોખ છે. આ શોખ તેની છેલ્લી ચાર પેઢીથી વારસામાં મળેલ છે. પ્રાથમિક શાળામાં શનિવારની બાળસભામાં દુહા,છંદ અને ગીતો ગાતા. તે સ્કૂલના વિરાભાઇ શિક્ષકના સતત પ્રોત્સાહન અને માર્ગદર્શનથી લયબદ્ધ ગાતા શીખેલ. આમ ભારતીય સંસ્કૃતિ અને ભવ્ય વારસાના ગીતો લોકો સુધી પહોંચાડે છે. ખાસ કરીને સ્કૂલો/ જાહેર કાર્યક્રમોમાં પોતાના સુ મધુર કંઠે અને પહાડી અવાજે ગીતો રજૂ કરે છે. તે કાર્યક્રમો માંથી મળતી રકમની ૨૦ ટકા રકમ પર્યાવરણ / વ્યસન મુકિત તેમજ સેવાકીય પ્રવૃતિમાં વાપરી ધન્યતા અનુભવે છે. તેમજ અન્ય યુવાનોને પ્રેરણા પુરી પાડે છે. અર્જુનભાઇનો સંપર્ક મો. નં. ૯૭૨૩૯ ૩૯૩૬૩ નંબર પર થઇ શકે છે.

(3:37 pm IST)