રાજકોટ
News of Monday, 2nd September 2019

ભીલવાડાના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના મહંત પૂ.અમુબાપુ ફુલવાળાનું ૯૫ વર્ષે દુઃખદ નિધન

તબિયત નાદુરસ્ત હોવા છતા અમાસના દિવસે પ્રતિ વર્ષ યોજાતા સંતવાણીનો કાર્યક્રમ ચાલુ રાખવા કહ્યુ હતું : આ વખતે સાધુ સંતોએ પણ મહાપ્રસાદનો લાભ લીધેલ

રાજકોટ : શહેરની મધ્યે આવેલ ભીલવાસમાં વર્ષો પુરાણુ શ્રી કાશીવિશ્વનાથ મહાદેવનંુ મંદિર આવેલ છે. આશરે ૭૩ વર્ષોથી ભીલવાસમાં જ રહેતા અમૃતગીરી માધવગીરી ગોસાઈ કે જેઓ અમુ બાપુ ફુલવાલાના લોકપ્રિય નામે જાણીતા હતા.  તેઓ શ્રી કાશીવિશ્વનાથ મહાદેવના મંદિરમાં મહંત તરીકેની સેવાઓ આપતા. વર્ષોથી તેમની આગેવાની હેઠળ દર વર્ષે શ્રાવણ વદ અમાસના દિવસે મંદિરમાં ધાર્મિક કાર્યક્રમો - મહાપ્રસાદ તેમજ રાત્રે નામાંકિત ભજનીક કલાકારોના ભજનોનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવતો અને સેંકડો ભાવિકો તેમાં હર્ષભેર ભાગ લઈ ધન્યતા અનુભવતા.

આ વર્ષે પણ પવિત્ર અમાસના દિવસે નિયમાનુસાર ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. પૂજય અમુબાપુની તબિયત નાદુરસ્ત રહેતી હોવા છતા નિર્ધારીત કાર્યક્રમ રદ્દ ન કરવા અને ચાલુ રાખવાનો મંદિરના અગ્રણીઓ અને કાશી વિશ્વનાથ ભીલ ધૂન મંડળના સભ્યો સમક્ષ પ્રસ્તાવ રજૂ કરેલ જે પ્રસ્તાવ તેમની ઈચ્છાનુસાર સર્વેએ એક અવાજે સહમતીથી સ્વીકારી લીધેલ.

શ્રાવણ વદ અમાસના દિવસે નિર્ધારેલ કાર્યક્રમની ખુશનુમા વાતાવરણ વચ્ચે રંગેચંગે શરૂઆત થયેલ. પૂ.અમુબાપુએ સવારની આરતીના દર્શન કરી ધન્યતા અનુભવેલ. પરંતુ ત્યારબાદ કુદરતે નિર્ધારેલ ઘડી આવી પહોંચતા સમગ્ર કાર્યક્રમમાં હાજરી આપી શકેલ નહિં અને આ દરીયાવ દિલના માનવે ૯૫ વર્ષની ઉંમરે સમગ્ર ભકત સમુદાય વચ્ચેથી કાયમી વિદાય લીધેલ.

પૂ.અમુબાપુ જ્ઞાતિએ ગીરી એટલે કે ગોસાઈ મુખના સાધુ હતા. શ્રાવદ વદ અમાસના દિવસે નિર્ધારીત કાર્યક્રમમાં તેમની જ્ઞાતિના સાધુ - સંતો પધારેલ તેઓએ જોગાનુજોગ પ્રસાદ ગ્રહણ કરેલ. અગાઉના વર્ષોના આ ધાર્મિક પ્રસંગે સાધુ સંતો પ્રસાદી ગ્રહણ કરવા નહિં આ એક અલૌકિક પ્રસંગ બની ગયેલ અને આ નિમિતે પૂ.અમુબાપુને શ્રદ્ધાંજલી અર્પણ કરેલ.

પૂ.અમુબાપુ ફુલવાળાનું અચાનક નિધન થતા ભીલવાસના કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરના ભકતગણો કાશી વિશ્વનાથ ભીલ ધૂન મંડળના પ્રમુખ સહિતના તમામ સભ્યો શ્રી રોકડીયા હનુમાન ધૂન મંડળના પ્રમુખ તથા તમામ સભ્યો અને કૌશલ કિશોર ધૂન મંડળના પ્રમુખ રમેશભાઈ કેશુભાઈ વાગડીયા (મહાદેવ) મો.૯૯૨૪૧ ૪૭૦૫૯ ઉપપ્રમુખ નટુભાઈ બી. અઢીયા મો.૯૪૨૮૦ ૬૨૭૯૧ તથા ધૂન મંડળના સર્વે સભ્યોએ પૂ.અમુબાપુ ફુલવાળાને શ્રદ્ધાંજલી અર્પણ કરેલ.

(4:03 pm IST)