રાજકોટ
News of Monday, 2nd August 2021

નવા ૧૫૦ રીંગ રોડ પર 'હિટ એન્ડ રન': મુંજકા ટીટોડીયા કવાર્ટરના રમેશભાઇ દેસાણીનું મોતઃ પત્નિ ઇન્દુબેનને ઇજા

મેટોડા નોકરી કરતાં પુત્રને પતિ-પત્નિ ટિફીન આપવા જતા'તા ત્યારે અજાણી કારનો ચાલક બાઇકને ઠોકરે લઇ ભાગી ગયો

ઘવાયેલા ઇન્દુબેન દેસાણી

રાજકોટ તા. ૨: નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. હિટ એન્ડ રનની ઘટનામાં અજાણી કારનો ચાલક બાઇકને ઠોકરે લઇ ભાગી જતાં બાઇકસ્વાર મુંજકા ટીટોડીયા કવાર્ટરના બાવાજી પરિવારના પતિ-પત્નિ ફંગોળાઇ જતાં પતિનું ગંભીર ઇજા થવાથી મોત નિપજ્યું હતું. બંને મેટોડા નોકરી કરતાં પુત્રને નાઇટ શિફટ હોઇ ત્યાં ટિફીન આપવા જઇ રહ્યા હતાં અને આ બનાવ બન્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ મુંજકા ટીટોડીયા કવાર્ટર નં. એલ-૧૬૪માં રહેતાં રમેશભાઇ વનમાળીદાસ દેસાણી (ઉ.વ.૫૫) સાંજે આઠેક વાગ્યે પોતાના બાઇક પર પત્નિ ઇન્દુબેન (ઉ.વ.૫૦)ને બેસાડી મેટોડા નોકરી કરતાં પુત્ર ધવલને નાઇટ શિફટ હોઇ ત્યાં ટિફીન આપવા જવા ઘરેથી નીકળ્યા હતાં. બંને નવા ૧૫૦ રીંગ રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટ જવાના રોડના ખુણે પહોંચ્યા ત્યારે અજાણી ફોરવ્હીલનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો.

પતિ-પત્નિ બંને ફંગોળાઇ જતાં ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાંઉ પરંતુ અહિ પતિ રમેશભાઇ દેસાણીને દમ તોડી દેતાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એ. બી. જાડેજા સહિતે હોસ્પિટલે પહોંચી મૃત્યુ પામનારના પત્નિ ઇન્દુબેન દેસાણીની ફરિયાદ પરથી અજાણી કારના ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

રમેશભાઇ પ્રાઇવેટ નોકરી કરતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. પોલીસે અકસ્માત સર્જી ભાગી જનારની શોધખોળ હાથ ધરી છે.

(3:06 pm IST)