રાજકોટ
News of Sunday, 2nd August 2020

મગફળી - સીંગદાણાનું કુલ ૧૨૩ કરોડનું બોગસ બીલીંગ કૌભાંડ પકડાયું : ૪ તેલીયા રાજા સાથે ચીઠ્ઠી વ્યવહારો

હજુ ૩ સ્થળે તપાસ ચાલુ : ૨ સ્થળે બીનહિસાબી વ્યવહારો જપ્ત : સ્ટેટ GST દ્વારા કુલ ૨૩ સ્થળે દરોડા પડાયા

રાજકોટ તા. ૧ : સ્ટેટ જીએસટીએ ૨ દિ' પહેલા રાજકોટ - ગાંધીધામના અધિકારીઓને સાથે રાખી મગફળી - સીંગદાણાના કુલ ૨૩ વેપારી ઉપર દરોડા પાડયા હતા અને ૨ દિ'ની તપાસમાં કુલ ૧૨૩ કરોડનું બોગસ બીલીંગ કૌભાંડ ઝડપી લીધાનું અને ૩ સ્થળે હજુ તપાસ ચાલુ હોવાનું અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું.

સ્ટેટ જીએસટીના અન્વેષણના કમિશનરશ્રી પઠાણ અને શ્રી ત્રિવેદીએ આ ઓપરેશન હાથ ધરી ધોરાજી, જૂનાગઢ, માણાવદર, રાજકોટ, ગોંડલ, માંગરોળ, કેશોદ ખાતે ગુરૂવારે બપોરથી તપાસ હાથ ધરી હતી અને ૨ દિ'ની તપાસમાં કુલ ૧૨૩ કરોડનું બોગસ બીલીંગ ઝડપી લીધું હતું. આમા ૩થી ૪ તેલીયારાજાઓને પણ દાણા - મગફળી અપાયાનું ખુલતા અને તેમાં પણ ચીઠ્ઠી દ્વારા જ વ્યવહારો થયાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.

જેમને ત્યાં તપાસ થઇ તેમાં ધોરાજીના શ્રીનાથજી એન્ટરપ્રાઇઝ, મારૂતિ ટ્રેડીંગ કંપની, રઘુવીર ટ્રેડીંગ કંપની, કૃષ્ણા ટ્રેડીંગ કંપની, રોયલ એન્ટરપ્રાઇઝ, રાજકોટની ગણેશ એન્ટરપ્રાઇઝ, માંગરોળની દુર્ગા ટ્રેડીંગ કંપની તથા જુનાગઢની તીર્થ ટ્રેડીંગ કંપની, જલારામ ટ્રેડીંગ કંપની, સ્વરાજ એગ્રો, ઘનશ્યામ અરજણદાસ, કાજલ એન્ટરપ્રાઇઝ, સદ્ગુરૂ એન્ટરપ્રાઇઝ, જસ્મીન એન્ટરપ્રાઇઝનો સમાવેશ થાય છે.

કુલ ૨૩ વેપારી પેઢીમાંથી હજુ ૩ સ્થળે તપાસ ચાલુ હોવાનું અને કેશોદ - માણાવદરમાંથી બીનહિસાબી સાહિત્ય પણ મળી આવ્યાનું બહાર આવ્યું છે. આ તપાસનો સંપૂર્ણ રીપોર્ટ મંગળવારે જાહેર થશે તેમ સૂત્રો ઉમેરી રહ્યા છે.

(11:19 am IST)