રાજકોટ
News of Saturday, 1st August 2020

ભગવાન કૃષ્ણ-ગણપતિની ર ફૂટથી ઉંચી મૂર્તિ વેચી નહિં શકાયઃ શેરી-જાહેર સ્થળો ઉપર સ્થાપન-વિસર્જન ઉપર પ્રતિબંધ

કલેકટર દ્વારા આજથી અમલમાં આવે તે રીતે તાકિદનું જાહેરનામું: કોઇપણ સરઘસ પણ નહિ કાઢી શકાય... : જન્માષ્ટમી-બકરી ઇદ-પર્યુષણ પર્વ-ગણેશ મહોત્સવ અંગે ર સપ્ટેમ્બર સુધી પ્રતિબંધાત્મક આદેશો : કોઇપણ પશુની જાહેર કે ખાનગીમાં કતલ નહિં કરી શકાયઃ જાહેરમાં માંસ-હાડકા-અવશેષો ફેંકી નહિં શકાયઃ રાજકોટ જીલ્લા (શહેર નહિં) માટે જાહેરનામું પ્રસિધ્ધ

રાજકોટ તા. ૩૧: જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને આગામી તહેવારો ગણેશ ઉત્સવ-જન્માષ્ટમી-બકરી ઇદ-જૈનોના પર્યુષણ પર્વસંદર્ભે આજે બપોરે રાા વાગ્યે એક મહત્વનું જાહેરનામું બહાર પાડી અનેક પ્રતિબંધો જાહેર કર્યા છે.

ભગવાન કૃષ્ણ અને ગણપતિની માટીની મૂર્તિ બે ફૂટથી વધુ ઉંચાઇ નહિં બનાવી શકાય, તેમજ વેચાણ-સ્થાપના-જાહેરમાર્ગ ઉપર પરીવહન-નદી તળાવ સહિતના જળસ્ત્રોતમાં વિસર્જન નહિં કરી શકાય.આ ઉપરાંત જે મૂર્તિ વેચાઇ ન હોય તે બીનવારસી મુકવા ઉપર પ્રતિબંધ મૂકાયો છે, કોઇપણ ધર્મની લાગણી દુભાય એવા ચીન્હો-નિશાનીવાળી મૂર્તિ નહિ બનાવવા આદેશો કરાયા છે.

આ ઉપરાંત કોઇપણ વ્યકિતએ કોઇપણ પશુની જાહેર કે ખાનગીમાં કયાંય કત્લ કરવી નહિં, અને પ્રાણીને શણગારીને એકલા કે સરઘસ આકારે ફેરવવા નહિં.

બકરી ઇદ તહેવાર નિમીતે કુરબાની પછી જાહેરમાં માંસ હાડકા-અવશેષો જાહેરમાં ફેંકવા નહિં.

કોવીડ-૧૯ સંદર્ભે તમામ માટે ફરજીયાત માસ્ક-સોશ્યલ ડીસ્ટન્સ ફરજીયાત તથા જાહેરમાં થૂંકવા ઉપર પ્રતિબંધ તેમજ કોઇપણ સામાજિક કે ધાર્મિક કાર્યક્રમ-મેળાઓ યોજી નહિં શકાય.

ભગવાન શ્રી કૃષ્ણ-ગણેશોત્સવ-પર્યુષણ પર્વ-સંવત્સરી અનુસંધાને જાહેરમાં મંડપ-પંડાલ કે સોસાયટીના કોમન પ્લોટ-રસ્તા-શેરી-વિસ્તારમાં મૂર્તિની સ્થાપના નહિં થઇ શકે. લોકો એકઠા નહિં થઇ શકે, સ્થાપન અને વિસર્જન સમયે શોભાયાત્રા કાઢી નહિં શકાય, ઘરે જ મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે.

આ જાહેરનામાનો અમલ આજથી તા. ર સપ્ટેમ્બર સુધી રહેશે.

કોવીડ-૧૯ કોરોના વાયરસ ફેલાયેલ હોય તે સંદર્ભે કલેકટર દ્વારા કેન્દ્ર-રાજય સરકારની ગાઇડ લાઇન મુજબ આજે બપોરે આ જાહેરનામું જાહેર કર્યું છે.

(3:28 pm IST)